લંડનઃ અનેક ગુના આચરીને પોલીસથી છૂપાતા રહેલા અને ફેસબુક પર પોલીસની મશ્કરી કરનારા ૧૮ વર્ષીય એલિયટ બોવરે અકસ્માતમાં ૧૬ મહિનાના બાળક સહિત ચાર લોકોને મારી નાખ્યા હોવાનું કબૂલ્યું હતું. તે ફોક્સવેગન ગોલ્ફ કાર ચલાવી રહ્યો હતો અને પોલીસ તેનો પીછો કરી રહી હતી. તે કાર ૯ નવેમ્બરે શેફિલ્ડના ડરનિલ વિસ્તારમાં પીપલ કેરિયર સાથે ટકરાતા ૩૫ વર્ષીય ફેક્ટરી કામદાર અશરફ જારલ તેના પુત્ર મુહમ્મદ ઉસ્માન બીન અદનાન અને પરિણિત યુગલ વ્લાસ્તા ડુનોવા(૪૧) અને મિરોસ્લાવ ડુના (૫૦)નું મૃત્યુ થયું હતું. જારલના પત્ની તહરીન (૩૨), ડુનાની ૨૨ વર્ષીય પુત્રી નિકોલા ડુનોવા અને તેની ત્રણ વર્ષીય પુત્રી લિવિયા માટોવાને ઈજા થઈ હતી.
જોખમી ડ્રાઈવિંગ અને અન્ય ચાર ગુનામાં બોવર ગુનેગાર ઠર્યો હતો. શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં તે તેના ભાઈ ડેક્લાન બોવર (૨૩) અને ૧૭ વર્ષીય છોકરા સાથે હાજર રહ્યો હતો. તે દરેકને ગુનેગાર ઠેરવાયા હતા.
આ બન્ને ભાઈઓ સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા હતા અને તે વોન્ટેડ હતા. અકસ્માતના બે અઠવાડિયા પહેલા સાઉથ યોર્કશાયર પોલીસે આ બન્નેને શોધવામાં મદદ માટે લોકોને અપીલ કરી હતી. તેના જવાબમાં શેફિલ્ડના આ ભાઈઓએ પોલીસની મશ્કરી કરવા માટે ફેસબુક પર પોતાના ફોટા મૂક્યા હતા.
આ ત્રણેને રિમાન્ડ પર મોકલતા જજ હેનરી રિચાર્ડસન Qcએ જણાવ્યું હતું કે આ ખૂબ ગંભીર કેસ છે. તેમાં સજા થાય તે જરૂરી છે. કોઈ ભૂલ કરે તો તેને સજા થવી જ જોઈએ. આ ત્રણેને ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સજા સંભળાવવામાં આવશે.