ફ્રેન્ડસ અોફ અવંતિ હાઉસ સ્કુલ અને ફ્રેન્ડસ અોફ ક્રિષ્ના અવંતિ સ્કુલના સંયુક્ત ઉપક્રમે રવિવાર ૨૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે પ્રથમ “ગરબા ફેસ્ટીવલ"નું અાયોજન કરવામાં અાવ્યું હતું.
જેમાં વિધાર્થીઅો, શિક્ષકો અને અામંત્રિત મહેમાનો સહિત લગભગ ૪૫૦ જેટલા ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. અા પ્રસંગે શ્રેષ્ઠ વેશભૂષા અને અારતી થાળી સજાવટની હરિફાઇ રાખવામાં અાવી હતી. અારતી થાળીમાં ૩-૫, ૬-૮, ૯-૧૧ અને ૧૨-૧૫ વર્ષના ચાર ગૃપોના વિજેતા તેમજ પરંપરાગત વેશભૂષાના વિજેતા એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને ટ્રોફી તેમજ સર્ટિફીકેટ ત્રણ જજીસમાંના એક શ્રીમતી જ્યોત્સનાબેન શાહ, 'ગુજરાત સમાચાર'ના કન્સલ્ટીંગ એડીટરના હસ્તે એનાયત કરવામાં અાવ્યા હતાં. અા પ્રસંગે જ્યોત્સનાબેને ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઅો અને એમના માતા-પિતાને અભિનંદન પાઠવ્યાં હતાં. અા પ્રથમ ગરબા ઉત્સવ માટે હેરોના 'પેરન્ટ ટીચર એસોસિએશન અોફ અવંતિ હાઉસ અને કૃષ્ણા અવંતિ પ્રાઇમરી સ્કુલ'ના સેવાભાવી સભ્યોએ અા ગરબા ઉત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અા ગરબા ઉત્સવનું ઉદ્ઘાટન વોટફર્ડ હરેકૃષ્ણ મંદિરના પ્રેસિડેન્ટ શ્રુતિધર્મદાસજી, સ્કુલના પ્રિન્સીપાલ તેમજ વિદ્યાર્થીઅોના હસ્તે કરવામાં અાવ્યું હતું. શ્રુતિધર્મદાસજીએ એમના વક્તવ્યમાં ગરબા-રાસનું સાંસ્કૃતીક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ૮,૦૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અાપેલ ગીતા જ્ઞાન નિમિત્તે ડીસેમ્બરમાં ગીતા જયંતિ ઉજવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ રાસોત્સવ -ગરબા એ અાપણી સંસ્કૃતી છે એની ઉજવણીમાં અાપણે સૌ સામેલ થઇ જ્ઞાનની જ્યોત જલાવીએ. સુમધુર સંગીત સહ ગરબા રાસની રમઝટ નાના-મોટા સૌ કોઇએ માણી હતી. દિવસભરના અા સફળ ગરબા મહોત્સવ બાદ દર વર્ષે અાવો ઉત્સવ ઉજવાવો જોઇએ એવા ભાવ સહ સૌ વિખરાયાં.