લંડનઃ ટોયોટા કારને બનાવટથી ફેરારી કાર તરીકે રજૂ કરી બોગમ ઈન્સ્યુરન્સ ક્લેઈમ કરવાના કેસમાં સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે આદમ ઈસ્લામને ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. ઈસ્લામના સાથી અબુ ખયેરને ૧૨ મહિનાની કસ્ટડીની સજા અપાઈ હતી, જે બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઈ હતી.
ઈસ્લામની ટોયોટો કાર તેના મિત્ર અબુ ખયેરની ભાડે રાખેલી ઓડી કાર સાથે અથડામણ થઈ હતી. ઈસ્લામે તેની નુકસાન પામેલી ટોયોટો કારને ફેરારી કાર તરીકે દર્શાવી હતી પરંતુ તેના વેચાણથી ૩૦,૦૦૦ પાઉન્ડ મેળવવાની તેની ઈચ્છા ફળીભૂત થઈ ન હતી. બેદરકારીપૂર્ણ ડ્રાઈવિંગના કારણે કારને નુકસાનનો વીમો ક્લેઈમ કરી શકાશે નહિ તે જાણતા બન્ને ઠગારાએ ટોયોટા કારને બનાવટી ફેરારી કારનું સ્વરુપ આપી દીધુ હતું.
ઈસ્લામે તે ઓડીના ડ્રાઈવર અબુને ઓળખતો ન હોવાનો દાવો કર્યો હતો. ઓડી કારનો વીમો તો હાયર કંપની દ્વારા લેવાયો હોવાથી અબુને ક્લેઈમના કોઈ નાણા મળી શકે તેમ ન હતા. આથી, બન્નેએ ભેગા થઈ બનાવટ થકી ૨૯,૦૦૦ પાઉન્ડનો વીમો મેળવવા રમત આદરી હતી. ઠગારાએ સેકન્ડ ક્રેડિટ હાયર કારનો વીમો અન્ય કંપની પાસેથી મેળવવા પ્રયાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. વીમા કંપની કે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ કે રિપોર્ટ થયાં ન હોવાથી મામલો પેચીદો બન્યો હતો.
મોટર ફ્રોડ નિષ્ણાતોના એસેટ પ્રોટેક્શન યુનિટની તપાસમાં બહાર આવ્યું હતું કે ઈસ્લામ અને અબુ ગાઢ મિત્રો છે. પોતાની કાર ૩૦,૦૦૦ પાઉન્ડમાં ઓનલાઈન વેચવામાં પણ ઈસ્લામને નિષ્ફળતા મળી હતી, જેના પરિણામે આ કૌભાંડનો ઉદ્ભવ થયો હતો. અબુએ તેની હાયર કંપની એક્સિડન્ટ એક્સચેન્જ અને વીમા કંપનીને કુલ ૧૦,૦૦૦ પાઉન્ડ ચુકવવા તેવો પણ આદેશ કરાયો હતો.