બર્મિંગહામઃ બનાવટી ઈમિગ્રેશન સલાહકાર તરીકે પાકિસ્તાની કોમ્યુનિટીના લોકોને શિકાર બનાવી તેમની પાસેથી હજારો પાઉન્ડ ખંખેરી લેનારા ૩૮ વર્ષીય સાફિર માજિદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા કુલ ૨૭ મહિનાની જેલ અને વિક્ટિમ સરચાર્જની સજા ફરમાવાઈ છે. માજિદને અડધી સજા કસ્ટડીમાં અને બાકીની સજા લાયસન્સ પર ભોગવવાની રહેશે. તેના પાર્ટનર શાહિદ અહમદ ભટ્ટીને પણ ૧૬ મહિનાની જેલ સાથે વિક્ટિમ સરચાર્જની સજા કરાઈ હતી, જોકે, તેને જેલની સજા ૨૪ મહિના માટે મુલતવી રખાઈ હતી.
બર્મિંગહામના માજિદે તેના પાર્ટનર અને ગ્રેટ બારના પૂર્વ બિઝનેસમેન શાહિદ અહમદ ભટ્ટી સાથે મળીને વેસ્ટ મિડલેન્ડ્સના વોલસાલમાં એમ્પાયર લીગલ સોલ્યુશન્સ લિમિટેડની સ્થાપના કરી હતી. જ્યાં તેઓ પોતાને ક્વોલિફાઈડ ઈમિગ્રેશન એડવાઈઝર તરીકે ઓળખાવી છેતરપિંડી આચરતા હતા અને માજિદ પોતાને સોલીસિટર ગણાવતો હતો.
જજ મેયોએ માજિદને કહ્યું હતું કે તમે ક્વોલિફાઈડ નથી તે જાણતા હોવાં છતાં ધારાશાસ્ત્રીનો સ્વાંગ રચ્યો હતો. તેમણે ભટ્ટી માટે કહ્યું હતું કે તમારી ભૂમિકા ઓછી છે પરંતુ, તમે છેતરપિંડીમાં સાથ આપ્યો છે. ઈમિગ્રેશનનો આધાર લોકોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરવામાં આવે તેના પર છે પરંતુ, તમે અક્ષમ અને લાલચી છો. તમે બંનેએ આ છેતરપિંડીથી મોટા પ્રમાણમાં નાણા ઉભાં કર્યા છે.