બર્મિંગહામઃ ગેરકાયદે સિગારેટ્સ અને તમાકુનો પુરવઠો રાખવાના ગુનામાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે વેપારી પ્રિતપાલ સિંહ ખુરાનાને ગુનાની આવકના ૨૨૮,૭૩૭ પાઉન્ડ પરત કરવા ઉપરાંત, કોસ્ટ તરીકે ૨૧,૨૬૩ પાઉન્ડ ચુકવવાનો આદેશ ૨૯ જૂને ફરમાવ્યો હતો. ત્રણ મહિનામાં કુલ ૨૫૦,૦૦૦ પાઉન્ડ ન ચુકવાય તો ખુરાનાએ બે વર્ષ જેલની સજા ભોગવવી પડશે. ખુરાનાએ વિવિધ કાયદાઓ હેઠળ ૧૦ ગુનાના દોષિત હોવાની કબૂલાત કરી હતી.
બર્મિંગહામ સિટી કાઉન્સિલે ૨૦૧૪ની આઠ ઓક્ટોબરે તમાકુના ગેરકાયદે વેચાણ વિરુદ્ધ અભિયાનના ભાગરુપે ખુરાનાના M&S ન્યૂઝ કન્વિનન્સ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઓફિસર્સને ગેરકાયદે સિગારેટ્સના ૬,૩૨૮ પેરેટ તથા તમાકુના ૬૯૨ પાઉચ મળ્યા હતા, જેનું મૂલ્ય આશરે ૪૩,૦૦૦ પાઉન્ડ હતું. ગેરકાયદે માલસામાન છૂપી દીવાલો, છત અને ટોઈલેટનાં છૂપાં ફ્લોર નીચે સંતાડેલો હતો.
ગેરકાયદે સિગારેટ્સ અને તમાકુની બ્રાન્ડ્સ પણ નકલી અને સસ્તી વિદેશી બ્રાન્ડની છાપ સાથે હતી, જેની ડ્યૂટી ચુકવાઈ ન હતી. આ દરોડા પછી સ્ટોરનું લાયસન્સ રદ કરવા નિર્ણય લેવાયો હતો. હવે M&S Newને ફારુક ખાનના નવા મેનેજમેન્ટ હેઠળ ૧૭ ઓગસ્ટ ૨૦૧૫થી બિઝનેસ ચલાવવા લાયસન્સ અપાયું હતું.