બર્મિંગહામઃ બ્રિટનના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં ૨૦ માર્ચ, બુધવારની મોડી રાતથી ગુરુવારની સવાર સુધીના ગાળામાં પાંચ મસ્જિદો પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બર્ચફિલ્ડ રોડ પર આવેલી મસ્જિદની બહારની બારીઓ પર મજબૂત હથોડાઓથી રાતના લગભગ ૨.૩૦ના સુમારે હુમલો કરાયો હતો. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે આ હુમલાઓને ગંભીર અને ચિંતાજનક ગણાવ્યા હતા. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા અતિ જમણેરી ઉગ્રવાદ કે આતંકવાદ સાથે સંબંધિત નથી.
આ હુમલા પછી એડિંગ્ટન, એસ્ટન અને પેરી બાર તેમજ આલ્બર્ટ રોડ પર પણ આવા હુમલા થયાની માહિતી મળી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે હુમલા પાછળના કારણો જાણવા મળ્યાં નથી અને તપાસ ચાલી રહી છે. પોલીસે આરંભમાં બે શકમંદની ધરપકડ કરી હતી પરંતુ, એક વ્યક્તિને પાછળથી છોડી દેવાઈ હતી. પોલીસના શરણે આવેલા અન્ય ૩૪ વર્ષીય વ્યક્તિને કસ્ટડીમાં રખાયો છે.
એસ્ટનમાં મસ્જિદ ફૈઝૂલ ઈસ્લામ મસ્જિદના ચેરમેન યુસુફ જમાને કહ્યું હતું કે મને હુમલાની જાણ થઈ તો મને વિશ્વાસ જ ન થયો. આખરે આ હુમલા પાછળ કારણ શું હોઈ શકે? આ હુમલાના લીધે લોકોમાં ભય ફેલાયો છે અને બાળકોની સુરક્ષાના મુદ્દે ચિંતિત હોવાથી તેઓ બાળકોને મસ્જિદમાં મોકલતા પણ ગભરાય છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આવો કોઈ હુમલો તેમને પ્રાર્થના કરતા અટકાવી શકશે નહિ. અમે રોજની માફક જ નમાઝ અદા કરતા રહીશું અને હિંસા ફેલાવનારાઓને કોઈ કિંમતે જીતવા નહિ દઈએ.’ વિટન ઈસ્લામિક સેન્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે એક માણસ સીસીટીવીમાં મસ્જિદ પર હુમલો કરતો દેખાયો છે. આ હુમલામાં મસ્જિદની છ બારી તૂટી છે.