લંડનઃ બર્મિંગહામમાં ગત રવિવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકો માર્યા ગયા હતા અને એકને ગંભીર ઈજા સહિત સાત લોકો ઘવાયા હતા. ૪૦ માઇલ પ્રતિ કલાકની સ્પીડ લીમીટ ધરાવતા લી બેંક અને બેલગ્રેવ મીડલવે પર છ વાહનો વચ્ચે આ અકસ્માત થયો હતો.
વેસ્ટમીડલેન્ડ્સ પોલીસે પુઅર વિઝીબીલીટી, વધુ પડતી ઝડપ અને સીટ બેલ્ટ ન પહેરવા સહિત ઘણાં પાસાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી. અકસ્માતને લીધે કારમાં બેઠેલી વ્યક્તિઓ ફંગોળાઈને બહાર રસ્તા પર પડી હતી.
સ્મોલ હિથના ૩૩ વર્ષીય ટેક્સી ડ્રાઈવર ઈમ્તિયાઝ મોહમ્મદની સેવન સીટર ટેક્સી અને ઔડી કાર સામસામે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. ઈમ્તિયાઝના પિતા ઈફ્તીખાર મોહમ્મદે જણાવ્યું હતું કે તે ખૂબ દુઃખી છે, કારણ કે આ તેમના તેમજ અન્ય પરિવારો દરેકને માટે કરુણ ઘટના છે. અકસ્માતમાં ટેક્સીની ત્રણ અને આઉડીમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતુ. છ બાળકોના પિતા મોહમ્મદની આ છેલ્લી શીફ્ટ હતી. તેની કારમાં બેઠેલી ૪૩ વર્ષીય મહિલા પેસેન્જરનું ઘટનાસ્થળે અને ૪૨ વર્ષીય પુરુષ પેસેન્જરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ.
આ અકસ્માતમાં આઉડીના મૃતકોમાંના એક બર્મિંગહામના બ્રોડ્સલે ગ્રીનના ૨૫ વર્ષીય કાસર જહાંગીરને અગાઉ કલાક દીઠ ૧૨૦ માઈલની ઝડપે કાર હંકારવાના ગુનાસર ૨૦૧૬માં ૩૬ મહિનાની જેલ થઈ હતી જોકે, પછી તે હોમ ડિટેન્શન કર્ફ્યુ પર છૂટ્યો હતો. તેની મુદત ૧૨ ડિસેમ્બર, મંગળવારે પૂરી થઈ હતી. જહાંગીર સાથે મુસાફરી કરી રહેલા તેના મિત્રો તૌકીર હુસૈન (૨૬) અને મોહમ્મદ ફાશા (૩૦) પણ મૃત્યુ પામ્યા હતા. ઔડીમાં બેઠેલી અન્ય એક ૨૨ વર્ષીય વ્યક્તિ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
ફાશાના પડોશીએ જણાવ્યું હતું કે તે ઘણી વખત તેના ઘર પાસેથી જુદી જુદી કાર હંકારીને જતો હતો. અહીંનો લોકોમાં ફાસ્ટ ડ્રાઈવિંગનો ક્રેઝ છે. તેના ભાઈ મોહમ્મદ કાસીરે જણાવ્યું હતુ કે જે બન્યું છે તે સ્વીકારી શકાતું નથી.