બર્મિંગહામઃ નોર્ધર્ન ઈંગ્લેન્ડમાં કોરોના કેસીસનું પ્રમાણ ઊંચું છે ત્યારે યુકેના બીજા ક્રમના સૌથી મોટા શહેર બર્મિંગહામને સરકારી વોચલિસ્ટમાં મૂકી દેવાયું છે. નવા લોકડાઉનને ટાળવા માટે બર્મિંગહામના એક મિલિયનથી વધુ લોકોને સ્વૈચ્છિક નિયંત્રણો પાળવા જણાવાયું છે જેમાં, સૌથી મહત્ત્વની સલાહમાં ઘરમાં માત્ર બે મુલાકાતીને જ પ્રવેશ આપવાનો સમાવેશ થાય છે. કાઉન્સિલે સામુદાયિક પ્રાર્થના સિવાયના જાહેર મેળાવડામાં ૩૦ લોકો જ હાજર રહે તેમજ ટેક્સીઓમાં ડ્રાઈવર્સ અને પેસેન્જર્સને ફેસ માસ્ક પહેરવા જણાવ્યું છે.
બર્મિંગહામમાં કોવિડ-૧૯માં ઉછાળો આવી રહ્યો છે અને પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોમાં ૩૦.૨ કેસ જોવાં મળે છે અને ટેસ્ટિંગમાં પોઝિટવ જણાતા લોકોની સંખ્યા ૪.૩ ટકાની જોવા મળી છે. અડધાથી વધુ કેસ ૧૮-૩૪ વયજૂથમાં જોવાં મળ્યા છે. રીટેઈલ, હોસ્પિટાલિટી અને ઉત્પાદનના કાર્યસ્થળોએ ૬ - ૬ જેટલા કેસીસ દેખાવા સાથે પરિવારો, સોશિયલ નેટવર્ક્સ અને કેર હોમ્સમાં પણ સંક્રમણ નોંધાયું છે. લોકો સલામતીના પગલાનું પુરું પાલન કરતા નથી અને પોલીસે તાજેતરમાં જ ૮૦ પાર્ટી બંધ કરાવી હતી. શહેરના કોઈ પણ વિસ્તારમાં અર્થતંત્રને ગતિ આપવાના પ્રયાસો મુલતવી રાખવાના પગલાંરુપે નાઈટ ક્લબ્સ અને કોન્ફરન્સ સેન્ટર્સ ખોલવામાં નહિ આવે.
દરમિયાન, ઓલ્ધામ સહિત મોટા ભાગના ગ્રેટર માન્ચેસ્ટર, ઈસ્ટ લેન્કેશાયર અનેવેસ્ટ યોર્કશાયરના મોટા ભાગના વિસ્તારો હજુ ખાનગી મકાનો કે ગાર્ડન્સમાં હળવામળવા સહિતના વિસ્તારો લોકડાઉનના કડક નિયંત્રણો હેઠળ છે. લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવા જણાવાયું છે. બીજી તરફ, કેસ ઘટવાથી વિગન, રોઝેનડેલ અને ડાર્વેનને નિયંત્રણોમાંથી મુક્તિ અપાઈ છે.