લંડનઃ ત્રણ વર્ષના ગાળામાં અલગ અલગ ૧૫ લોકો સામે બળાત્કાર ગુજારવાનો ખોટો આરોપ મૂકનારી ૨૫ વર્ષીય યુવતી જેમા બીએલને સધર્ક ક્રાઉન કોર્ટે ૨૪ ઓગસ્ટે ૧૦ વર્ષની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે ન્યાયને ગેરમાર્ગે દોરવા સહિતના આઠ ગુનામાં તેને જુલાઈ મહિનામાં દોષિત ઠરાવી હતી. લેસ્બિયન જેમાના ખોટા આરોપને કારણે મહાદ કાસિમને સાત વર્ષની જેલની સજા થઈ હતી અને તેણે બે વર્ષ જેલમાં ગાળવા પડ્યા હતા. પોલીસને કેસ પાછળ ૨૫૦,૦૦૦ પાઉન્ડથી વધુનો ખર્ચ તથા કામના ૬,૪૦૦ કલાક ગુમાવવા પડ્યા હતા.
જેમાએ કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી કે તે લેસ્બિયન છે અને તેને પુરુષોમાં રસ નથી. તેણે પોતાની ગર્લફ્રેન્ડને ઈર્ષાથી જલાવવા પુરુષો પર બળાત્કાર અને જાતીય હુમલાના ખોટા આરોપો લગાવ્યાં હતાં. જેમાંના ખોટા આરોપોને કારણે મહાદ કાસીમ નામની પુરુષે બે વર્ષ જેલમાં ગાળવા પડ્યા હતા. કાસિમે જેમાને કોર્ટમાં ઘસડતા કોર્ટે સજા ફરમાવવા સાથે તેને ૧૧,૦૦૦ પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. જેમા પોતાનાં આરોપોને સાબિત કરવા માટે જાતે શરીર પર ઇજા અને ઉઝરડાં કરતી હતી. જેમા સામે પાંચ સપ્તાહ સુધી સુનાવણી ચાલી હતી.