લંડનઃ કિંગ્સ્ટન કાઉન્સિલે બસ લેન પાર્કિંગ પેનલ્ટીઝ તરીકે એક વર્ષમાં ૪.૫ મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. સાઉથ વેસ્ટ લંડનના સબર્બમાં TFLની ટ્રાફિક નિયંત્રણની આ યોજનામાં ૭૦,૦૦૦ જેટલા વાહનચાલકોએ દંડ ચુકવવાની ફરજ પડી હતી.
TFLની ૩૦ મિલિયન પાઉન્ડની ‘મિનિ હોલેન્ડ ગો સાયકલ રુટ’ યોજનામાં ઘર સુધી જવામાં માત્ર સાયકલ્સ, બસ, ટેક્સી અને સત્તાવાર મંજૂરી સાથેના વાહનોને જ પરવાનગી અપાઈ હતી. કિંગ્સ્ટન કાઉન્સિલ માટે આ યોજના કમાઉ દીકરો સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં યોજનાનો કામચલાઉ અમલ કરાયા પછી નવેમ્બરમાં નોટિસો મોકલવાની શરુઆત થઈ હતી. ગત વર્ષના જૂન મહિનામાં આ યોજનાને કાયમી સ્વરુપ અપાયું હતું. આડેધડ ટ્રાફિકને રોકવા ૬૫ પાઉન્ડનો દંડ કરાયો હતો. ગત વર્ષે જાહેર કરાયેલા દંડની ચુકવણી ૨૮ દિવસમાં ન થાય તો તે વધીને ૧૯૫ પાઉન્ડ થતો હતો. નિયંત્રણનો ભંગ કરનારા વાહનચાલકોને ૬૮,૮૨૦ નોટિસ ફટકારાઈ હતી અને કાઉન્સિલને કુલ ૪,૪૭૩,૩૦૦ પાઉન્ડની કમાણી થઈ હતી.