એક સમયે ટોટનહામમાં ફાર્મસીની શોપ્સ ધરાવનાર વ્યવસાયી શ્રી બારીન્દ્રભાઇ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી બિન્દુબેન પટેલ અનુપમ મિશનના ગુરૂવર્ય પૂ. સાહેબના ધર્મકાર્યથી પ્રભાવિત થઇ સ્વામિનારાયણી સત્સંગી બન્યાં. વ્યવસાય સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવતા બારીન્દ્રભાઇએ ૧૦ વર્ષ સુધી પૂ.સાહેબના સાન્નિધ્યમાં રહ્યા બાદ ઘણી ભાવવાહી તસવીરો કેમેરામાં મઢી છે. એમના કેમેરામાં મઢેલી યાદગાર ક્ષણો અને અંતરભાવની ઝાંખી કરાવતું એક દળદાર પુસ્તક "રસઘન મૂર્તિ સાહેબ- મારા અંતરની અાંખે" પ્રસિધ્ધ કર્યું છે. એમાં તેઅોએ હ્દયભાવ રજૂ કરતાં લખ્યું છે કે, “મારા જીવનમાં જે બદલાવ અાવ્યો તેની વાત મેં રજૂ કરી છે. પૂ. સાહેબનું જીવન અને માહાત્મ્ય તો અનંત છે, અા પુસ્તક પરથી તેને પૂરું સમજવું એ શક્ય નથી. કેમેરામાં મઢેલી અને પુસ્તકમાં પ્રસિધ્ધ તસવીરો નિહાળતી વખતે તેમાં મઢાયેલા ભાવની અનુભૂતિ દ્રષ્ટાને થાય તેવી મારી લાગણી છે".
ગયા સોમવારે સાંજે અનુપમ મિશનના પ્રાંગણમાં ભાગવત કથા માટે તૈયાર કરાયેલા વિશાળ શમીયાણામાં પૂ. સાહેબના સાન્નિધ્યમાં યોજાયેલ સત્સંગ સભામાં પૂ. શાંતિભાઇએ જણાવ્યું કે, “સ્વામિનારાયણ સત્સંગી શ્રી બારીન્દ્રભાઇએ પૂ.સાહેબના ભાવ પ્રગટ કરતું દળદાર પુસ્તક પ્રસિધ્ધ કર્યું છે એમાં એમની અંતરની અાંખોએ સાહેબજીના દિવ્ય અલૌકિક પ્રભુસ્વરૂપની ઝાંખી કરી હોય અને એ દર્શને પોતાના જીવનમાં ઊર્ધ્વગામી પરિવર્તનનો બ્રહ્માનંદ માણ્યો હોય.” અા પુસ્તકની કિંમત સાચો ઝવેરી જ કરી શકે એવું બારીન્દ્રભાઇ સહિત સૌ કોઇ માને છે અને એમની ઇચ્છા છે કે સાચો ઝવેરી એટલે "ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી શ્રી સી.બી. પટેલ.
પૂ.સાહેબ, પૂ. શાંતિભાઇ, પૂ. હિંમતસ્વામી, શ્રી સુરેન્દ્રભાઇ, શ્રી યોગેન્દ્રભાઇ, શ્રી મુનિજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બારીન્દ્રભાઇનું અા દળદાર પુસ્તક સી.બી.ને અર્પણ કરાયું ્ ત્યારે સૌએ તાળીઅોથી વધાવી લીધા હતા. સી.બીએ પુસ્તકનો સ્વીકાર કરતાં કહ્યું કે, “મેં અને સુરેન્દ્રભાઇએ સાથે મળી પ્રેસ્ટન, બોલ્ટન, ક્રોલીની કથાઅોના અાયોજનમાં ભાગ લીધો છે. જ્યાં સુરેન્દ્રભાઇ હોય ત્યાં બધું જ સરસ રીતે પાર પડે જ. હિંમતસ્વામી, મુનીજી, વિનુભાઇ જેવા સંસ્થાના પાયામાં હોય એ નિષ્ફળ ના જાય. હું વિશ્વાસપૂર્વક કહું છું કે ભાગવત સપ્તાહના પાંચ અઠવાડિયા પહેલાં અાટલું સુંદર, વ્યવસ્થિત રીતે સર્જન થયું હોય એવું કયાંય જોયું નથી. અાવું સરસ અાયોજન જોઇ પૂ. રમેશભાઇ પણ પ્રભાવિત થશે. પરિવર્તનની પ્રક્રિયા બારિન્દ્રભાઇ અને યોગેન્દ્રભાઇની જેમ હજારોમાં થાય એવું હું ઇચ્છુ છું.”