તાજેતરમાં મુંબઇથી યુ.કે. આવેલ ગુજરાતી નાટક “ઇશારા ઇશારામાં’’ ના ૧૪ હાઉસ ફૂલ શો યોજાયાં હતાં. આ નાટક પંકજ સોઢાએ પ્રમોટ કરેલ. એમાં બાળ કલાકાર તરીકે સ્થાનિક, હેરો સ્થિત ૯ વર્ષના હેરી પારેખે ભૂમિકા ભજવી સૌ પ્રેક્ષકોના મન હરી લીધાં હતાં. જેમાં બહેરા-મૂંગા બાળકનું પાત્ર એણે ભજવ્યું. સંવાદની ઇશારાની ભાષા ગ્રહણ કરવી એ ધીરજ અને કુનેહ માગી લે જે ગુણોને કારણે હેરી સફળ થયો.
આ ભૂમિકા એને કઇ રીતે મળી? કોવિદના આગમને વિશ્વને હચમાચાવી દીધું. પરંતુ એના કેટલાક પોઝીટીવ પરિણામ પણ આવ્યા. એ સમયનો સદુપયોગ હેરીએ કર્યો. ફેસબુક પર લાઇવ સ્ટોરી બુક વાંચવાનું એણે શરૂ કર્યું. એના શ્રોતાજન એની સાથે સંવાદ કરતા એથી એને મજા આવવા લાગી. એનામાં વાર્તા કથનની આવડત વિકસવા લાગી. ‘ઇશારા ઇશારામાં’ નાટકના દિગ્દર્શક જય કાપડીયાએ હેરીને ફેસબુક પર જોયો. તેઓ બાળ કલાકારની શોધમાં હતા અને હેરી પર નજર ઠરી. અને હેરીના માતા-પિતાનો સંપર્ક સાધ્યો. જય કાપડીયાએ એનું ઓડીશન લીધું અને ૬ શો માટે એને બુક કર્યો. પરંતુ એનું કામ જોયા બાદ બધા જ (૧૪) શો માટે એને સાઇન કરી લીધો. ગુજરાતી રંગભૂમિના લંડનના પ્રથમ ગુજરાતી બાળ કલાકાર બનવાનું સૌભાગ્ય એને સાંપડ્યું. સાઇન લેંગ્વેજ શીખવા માટે દરરોજ બે કલાક પ્રેક્ટીસ શરૂ કરી. પોતાના પાત્રમાં ઓળઘોળ થઇ જવાની કલા અને સ્ટેજ પરનો આત્મ વિશ્વાસ હેરીએ કેળવી લીધાં.
એ હતો બાળ કલાકાર પણ બેક સ્ટેજની અને નાટક પછી સામાન સમેટવાના કામમાં ય દિલચશ્પી દાખવવાથી અન્ય કલાકારોનો એ પ્રિય પાત્ર બની ગયો. જાણે કે રંગમંચ એની રગોમાં વસી ગયું હોય એમ એ વર્તતો હતો. રીહર્સલમાં પોતાના અભિનય અને સંવાદ સાથે અન્ય પાત્રોના સંવાદ પણ એને મોંઢે થઇ જતાં.
એનો કલાકાર જીવ પ્રેક્ષકોને હસાવવામાં અને લાગણીસભર બનાવવામાં સફળ રહ્યો. એના આ લક્ષણો જોતાં ભવિષ્યમાં એ મોટો કલાકાર થાય તો નવાઇ નહી!
એ હેરોની પ્રીસ્ટમીડ સ્કુલમાં ભણે છે. સ્કુલના સ્ટેજ શો માં ભાગ લે છે. હેરોમાં ગીતાના પાઠ શીખવા પણ જાય છે.
એના પિતાશ્રી તેજસ પારેખ દેશમાં મૂળ રાજકોટના છે. અને ૨૦૦૨માં લંડન આવી સ્થાયી થયા. એના માતુશ્રી તેજલ બહેન મુંબઇથી ૨૦૦૬માં લંડન સ્થળાંતર કર્યું. દાદા નરેશ પારેખ અગાઉ એડનમાં વસ્યા હતા અને દાદી મીનાક્ષી બહેન પારેખ બર્મામાં હતાં. જેઓ પોતાના પૌત્ર માટે ગૌરવ અનુભવે છે.
• અભિનંદન, બાળ કલાકાર હેરી.