બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ઇન્સ્ટીટ્યુટ અોફ ડાયરેક્ટર (IoD) વેસ્ટ મીડલેન્ડ્સના ચેરમેન ડો. જેસન વોહરાને પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ ચાર્લ્સે બકિંગહામ પેલેસ ખાતે ગત પહેલી ફેબ્રુઆરીએ યોજાયેલા ખાસ સમારોહમાં OBEની પદવી એનાયત કરીને બહુમાન કર્યું હતું. યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધો સુધારવામાં ડો. જેસને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
ઈસ્ટ એન્ડ ફૂડ્સ પીએલસીના ડિરેક્ટર અને કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય ડો. વોહરાએ OBE એવોર્ડ મેળવ્યા બાદ જણાવ્યું હતું કે તેઓ આ સન્માન મળવાથી ખૂબ ખુશ છે. તેમણે તેમના પરિવારનો તેમજ વર્ષો સુધી સાથે કામ કરનારા વેસ્ટ મીડલેન્ડ્સના સંખ્યાબંધ બિઝનેસ અગ્રણીઓ અને ડિરેક્ટરોનો પણ આભાર માન્યો હતો.
IoD સાથે કામ કરવા ઉપરાંત તેઓ અન્ય સંસ્થાઓમાં મહત્ત્વના વોલન્ટીયરી હોદ્દા ધરાવે છે. તેઓ યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHSફાઉન્ડેશન ટ્રસ્ટના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એસ્ટન યુનિવર્સિટીના ડેવલપમેન્ટ બોર્ડ, વેસ્ટ મીડલેન્ડ્સ પોલીસ બિઝનેસ ક્રાઈમ પ્રિવેન્શન બોર્ડ અને ચાઈલ્ડ પોવર્ટી કમિશનના ચેરમેન છે. તેઓ ઘણી ચેરિટીઝના પેટ્રન છે અને લાઈબ્રેરી ઓફ બર્મિંગહામ એડવાઈઝરી બોર્ડના ચેરમેન છે.