લંડનઃ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા સૌથી વધુ વેતન મેળવતા કર્મચારીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પુરુષોની સંખ્યા વધુ છે. નવા રોયલ ચાર્ટરના પરિણામે બીબીસીએ ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન મેળવનાર ૯૬ કર્મચારીના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ૬૨ પુરુષ અને ૩૪ મહિલા છે. જોકે, ટોપ-૧૦માં સાત પુરુષ અને ત્રણ મહિલા છે. સૌથી અધિક વેતન મેળવનાર ક્રિસ ઈવાન્સ છે, જેઓ વાર્ષિક ૨.૨ મિલિયનથી ૨.૨૫ મિલિયન પાઉન્ડ વેતન મેળવે છે. મહિલાઓમાં ક્લાઉડિયા વિંકલમેનનું વેતન ૪૫૦,૦૦૦થી ૫૦૦,૦૦૦ પાઉન્ડ તેમજ એલેક્સ જોન્સનું વેતન ૪૦૦,૦૦૦થી ૪૫૦,૦૦૦ પાઉન્ડની વચ્ચે હતું.
બીબીસીમાં મહિલાઓને ઓછાં વેતન સંદર્ભે વડા પ્રધાન થેરેસા મેએ એલબીસી રેડિયો સાથે વાતચીતમાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,‘બીબીસી કેવી રીતે એકસમાન કામ કરતી મહિલાઓને ઓછું વેતન ચૂકવે છે તે આપણે જોયું છે. મારું માનવું છે કે મહિલાઓને પણ પુરુષસમાન વેતન ચુકવવું જોઈએ’
મહિલા પ્રેઝન્ટર્સ કાનૂની કાર્યવાહી કરી શકે
બીબીસીમાં મહિલાઓને લૈંગિક ભેદભાવ રાખી અસમાન વેતન આપવા મુદ્દે ઓછામાં ઓછી ૧૦ મહિલા પ્રેઝન્ટર્સ સંસ્થા સામે બળવો પોકારી કાનૂની કાર્યવાહીની વિચારણા કરી રહી છે. વુમન્સ અવરની હોસ્ટ જેન ગાર્વીના વડપણ હેઠળા મહિલા પ્રેઝન્ટર્સ બીબીસી પર દબાણ વધારવા એકબીજાનો સંપર્ક કરી કાનૂની કાર્યવાહી વિચારી રહી હોવાના અહેવાલ છે. હજુ આ સંખ્યામાં વધારો થઈ શકે છે. કોઈ પિરુષ બ્રોડકાસ્ટર મહિલાઓને ટેકો આપવા આગળ આવ્યા નથી. બીજી તરફ, ન્યૂઝનાઈટની પ્રેઝન્ટ્ર એમિલી મેઈટલિસને પોતાની છાવણીમાં ખેંચી જવા હરીફ બ્રોડકાસ્ટર્સને અટકાવવા બીબીસીના સત્તાવાળામાં ગભરાટ છવાયો છે. મિસ મેઈટલિસ પણ તેના સાથી બ્રોડકાસ્ટર ઈવાન ડેવિસ કરતા ઓછું વેતન અપાયાથી નારાજ છે.
ક્રિસ ઈવાન્સ સૌથી મોંઘો બ્રોડકાસ્ટર
બીબીસી દ્વારા જાહેર કરાયેલી વેતન યાદીમાં રેડિયો-ટુના બ્રેકફાસ્ટ શોના પ્રેઝન્ટર ક્રિસ ઈવાન્સે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ઓછામાં ઓછાં ૨.૨ મિલિયન પાઉન્ડ સાથે સૌથી વધુ વેતન મેળવ્યું છે. બીજા ક્રમે ગેરી લિનકર (૧.૭૫થી ૧.૭૯ મિલિયન પાઉન્ડ) અને ત્રીજા ક્રમે ગ્રેહામ નોર્ટન (૮૫૦,૦૦૦થી ૯૦૦,૦૦૦ પાઉન્ડ) છે. સૌથી વધુ વેતન મેળવનારી મહિલા સ્ટાર ક્લાઉડિયા વિંકલમેનને ક્રિસની સરખામણીએ પાંચમા ભાગનું ૪૦૦,૦૦૦થી ૪૫૦,૦૦૦ પાઉન્ડનું વેતન મળ્યું છે. બીબીસી દ્વારા ૪૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન મેળવનાર અન્ય મહિલા ધ વન શોની પ્રેઝન્ટર એલેક્સ જોન્સ છે.