લંડન, વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે વચ્ચે આતંકવાદના મુદ્દે ટ્વીટર યુદ્ધ ખેલાયું હતું. અતિ જમણેરી સંસ્થા ‘બ્રિટન ફર્સ્ટ’ દ્વારા મૂકાયેલા મુસ્લિમવિરોધી વીડિયોને રીટ્વીટ કરવાનું ટ્રમ્પનું પગલું થેરેસાને પસંદ પડ્યું નથી. બ્રિટિશ વડા પ્રધાને આ ત્રણ વીડિયો શેર કરવાનું યોગ્ય નહિ હોવાનું જણાવતાં જ પ્રમુખ ટ્રમ્પે તેમની ટ્વીટર કામગીરીના બદલે યુકેમાં કટ્ટર ઈસ્લામિક ત્રાસવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવા થેરેસા મેને સલાહ આપી હતી. યુકે - યુએસના વિશેષ સંબંધોમાં કડવાશ સર્જે તેવા વિવાદ વચ્ચે લંડનમાં નવી યુએસ એમ્બ્સીના ઉદ્ઘાટન માટે જાન્યુઆરી ૨૦૧૮માં ટ્રમ્પ યુકેની મુલાકાત લે તેવી શક્યતા પણ ઘોંચમાં પડી છે.
આ વિવાદ વધતા જ વોશિંગ્ટનસ્થિત યુકેના એમ્બેસેડર સર કિમ ડારોચે રીટ્વીટ્સ અંગે વ્હાઈટ હાઉસ સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. આના પગલે, અમેરિકાએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકી પ્રેસિડેન્ટ બ્રિટનના લોકો અને વડા પ્રધાન થેરેસા મેનું સન્માન કરે છે. અમે કડક નીતિઓની વાત કરીએ છીએ જેથી અમેરિકા આવનારી વ્યક્તિથી જનતાની સુરક્ષાને કોઈ ખતરો ના હોય.
ટ્રમ્પ સાથેના વિવાદમાં પીછેહઠ કરવાનું નકારતાં થેરેસા મેએ વળતા પ્રહારમાં કહ્યું હતું કે યુએસએ અતિ જમણેરી કટ્ટરવાદીઓ સામે પગલાં લેવા વધુ કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે સ્પેશિયલ રીલેશનશિપ છતાં મિ. ટ્રમ્પે કશું ખોટું કર્યું છે તેમ લાગશે તો અમેરિકાને ઠપકો આપવામાં યુકે ગભરાતું નથી. જોર્ડનની મુલાકાતે ગયેલાં વડા પ્રધાન મેએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમે સાથે કામ કરીએ છીએ તેનો અર્થ એવો નથી કે યુએસ દ્વારા કશું ખોટું થતું હોય તો કહેતાં અમે ગભરાઈએ છીએ અને તેમની સાથે અમે સ્પષ્ટ રહેવાં માગીએ છીએ. હું એ મુદ્દે સ્પષ્ટ છું કે ‘બ્રિટન ફર્સ્ટ’ને રીટ્વીટ કરવું તે ખોટી વાત જ હતી.’
આ વિવાદની અસર ટ્રમ્પની યુકે મુલાકાત પર પડી શકે તેવી અટકળોને શાંત પાડવા થેરેસાએ કોઈ જ પ્રયાસ કર્યો ન હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આવી મુલાકાતની કોઈ તારીખ નિશ્ચિત થઈ નથી. વરિષ્ઠ યુએસ રાજદ્વારીએ પણ આગામી મુલાકાત વિશે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે મુલાકાતનો વિચાર વહેતો મૂકાયો હતો પરંતુ, તે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં નહિ. ટ્રમ્પ જાન્યુઆરીમાં મુલાકાત લેશે તેમ તેઓ માનતા નથી.
ટ્રમ્પની હરકત સામે યુકેના રાજકીય ફલકમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ક્વીન વતી જાન્યુઆરીમાં યુકેની મુલાકાત લેવા થેરેસા મેએ પાઠવેલાં આમંત્રણને પાછું ખેંચવા નવેસરથી માગણીઓ થઈ છે. ખુદ હોમ સેક્રેટરી અેમ્બર રડે સંકેત આપ્યો છે કે સત્તાવાર મુલાકાત હાલ થઈ શકશે નહિ કારણકે વ્યવસ્થા કરવાની બાકી છે.
લિબ ડેમ નેતા સર વિન્સ કેબલે પ્રમુખ ટ્રમ્પને ‘ઈવિલ રેસિસ્ટ’ ગણાવ્યા હતા. શેડો ફોરેન સેક્રેટરી એમિલી થોર્નબેરીએ પણ ટ્રમ્પ વડા પ્રધાનની અવહેલના કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. લંડનના મેયર સાદિક ખાને ટ્રમ્પની મુલાકાત રદ કરવાની માગણી કરી છે.
ટ્રમ્પે બ્રિટન ફર્સ્ટના નેતા જેડન ફ્રેન્સનના ત્રણ વિવાદાસ્પદ વીડિયો રિટ્વિટ કર્યા હતા. તેમાં કથિતરૂપે મુસ્લિમોનું જૂથ એક છોકરાને છત પરથી ધક્કો મારતું દેખાય છે. બીજા વીડિયોમાં એક મુસ્લિમ વર્જીન મેરીની પ્રતિમા નષ્ટ કરે છે અને ત્રીજા વીડિયોમાં એક મુસ્લિમ માઈગ્રન્ટ કાખઘોડી સાથેના એક ડચ છોકરાને મારી રહ્યો છે.