લંડનઃ નિયમોનો ભંગ કરનારા મકાનમાલિકો સામે સખત પગલાં તેમજ ભાડૂતોની સલામતી અને ભાડું પોસાવાની ક્ષમતા વધારવા માટેના નવા નિયમો છઠ્ઠી એપ્રિલ, ગુરુવારથી અમલમાં આવ્યા છે. હાઉસિંગ મિનિસ્ટર ગેવિન બારવેલે જણાવ્યું હતું કે આ નિયમો સ્થાનિક ઓથોરિટીઝને પોતાની જવાબદારી નહિ નિભાવતા લેન્ડલોર્ડ્સ સામે તૂટી પડવાની સત્તા મળશે. ભાડૂતો અને મકાનમાલિકોની જરૂરિયાતોને સમાનપણે પહોંચી વળે તે રીતે વિશાળ અને બહેતર ખાનગી રેન્ટલ સેક્ટરની રચના કરવા હાઉસિંગ વ્હાઈટ પેપરની સરકારની યોજનાનો આ ભાગ છે.
વિવિધ હાઉસિંગ ગુનાઓ સામે પ્રોસીક્યુશનના વિકલ્પે કાઉન્સિલો હવે ૩૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરી શકશે. ખાનગી સેક્ટરના હાઉસિંગના અમલપાલન માટે આ આવકનો ઉપયોગ તેઓ કરી શકશે. લાઈસન્સ વિનાની પ્રોપર્ટીના વહીવટ કે ભાડે આપનારા મકાનમાલિકો સામે રેન્ટ રીપેમેન્ટ ઓર્ડર્સ પણ જારી કરી શકાશે. ગેરકાયદે હકાલપટ્ટી અથવા પ્રોપર્ટીના કબજેદારની કનડગત, પ્રવેશ કરવા બળપ્રયોગ અથવા પ્રતિબંધાત્મક આદેશના ભંગ સહિત વિવિધ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકાશે.
નવા નિયમોમાં લેટિંગ એજન્ટ્સની ફી પર પણ પ્રતિબંધ મૂકાશે,જેના પરિણામે પોતે ભાડાંની કેટલી ચૂકવણી કરશે તે સંબંધે પ્રોપર્ટીના ભાડૂતોને વધુ સ્પષ્ટતા અને અંકુશ મળશે.