બેન્ક ઓફ બરોડા (યુકે) લિમિટેડની રીટેઈલ બેન્કિંગ બંધ કરવાની સમયમર્યાદા લંબાવાશે નહિ

Tuesday 17th October 2023 05:21 EDT
 

બેન્ક ઓફ બરોડા (યુકે) લિમિટેડ તેની રીટેઈલ બેન્કિંગ કામગીરી બંધ કરી રહી છે અને તેના કરન્ટ અને સેવિંગ્સ ખાતાધારકો માટે એકાઉન્ટ્સ બંધ કરવાની સમયમર્યાદા 12 જાન્યુઆરી, 2024ની રાખવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા (યુકે) દ્વારા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તેમના ગ્રાહકો માટે કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ્સ બંધ કરવાની 12 જાન્યુઆરી, 2024ની સમયમર્યાદા તેઓ લંબાવી શકે તેમ નથી. આ સમયમર્યાદાથી નજીક કોઈ સમસ્યાઓ અથવા કોઈ વિલંબને ટાળવા ગ્રાહકોએ વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી જોઈશે તેવી મજબૂત ભલામણ પણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાની વધુ ચર્ચા કરવા બેન્કની કસ્ટમર સર્વિસ ટીમનો સંપર્ક સાધી શકાય છે.

ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં બીજા ક્રમની સૌથી મોટી બેન્ક ઓફ બરોડા માર્કેટમાં 66 વર્ષની કામગીરી પછી યુકેમાં રીટેઈલ બેન્કિંગની કામગીરી સંકેલી રહી છે. રીટેઈલ બેન્કિંગ એક્ટિવિટિઝ બંધ કરવાની જાહેરાત પછી તમામ કરન્ટ અને સેવિંગ્સ ખાતાધારકોને 12 જાન્યુઆરી, 2024ની ટર્મિનેશન તારીખ સાથે ક્લોઝર નોટિસીસ મોકલવામાં આવી હતી. જો ગ્રાહકો ઈચ્છતા હશે તો ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ અને લોન એકાઉન્ટ્સ તેમની પાકવાની - મેચ્યુરિટી મુદત સુધી ખુલ્લા રાખી શકાશે અથવા વહેલા બંદ કરી શકાશે.

જોકે બેન્ક ખાતાં બંધ ન થાય ત્યાં સુધી તેમના પ્રવર્તમાન ગ્રાહકો માટે કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખશે પરંતુ, નવા કોઈ એકાઉન્ટ્સ અથવા સુવિધા ખોલવામાં આવશે નહિ. બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ‘તે જ્યાં સૌથી વધુ યોગદાન આપી શકે છે તેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ગ્રૂપની સમગ્રતયા રણનીતિનું પ્રતિબિંબ પાડે છે. પરંતુ, બેન્કે જણાવ્યું હતું કે,‘ તે પોતાની હોલસેલ બેન્કિંગ બ્રાન્ચ મારફત યુકેમાં દીર્ઘકાલીન હાજરી બાબતે પ્રતિબદ્ધ રહે છે.’

કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો (FAQs):

બેન્ક બંધ થવાની આખરી તારીખ કઈ છે?

સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ માટેઃ

તમે 12 જાન્યુઆરી, 2024 સુધી તમારા સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટને સામાન્યપણે ઓપરેટ કરી શકશો પરંતુ, બેન્ક આ તારીખ પહેલા તમારી બેન્કિંગ ફેસિલિટીઝ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી લેવા પ્રોત્સાહિત કરે છે. જો તમે આ તારીખ સુધીમાં ખાતા બંધ કરવાની સૂચના નહિ આપો તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવાશે અને બેન્ક તમારા ફંડ્સને પરત મેળવવા માટે અનુસરવાની પ્રક્રિયા વિશે જાણ કરશે.

ફિક્સ્ડ ટર્મ એકાઉન્ટ્સ માટે શું:

કસ્ટમર્સ આવા એકાઉન્ટ્સ મેચ્યોર ત્યા સુધી બેન્કમાં નાણા રાખવાનું પસંદ કરી શકે છે. આથી, તમારે એકાઉન્ટ બંધ કરવું નહિ પડે. પરંતુ, એક સમયે એકાઉન્ટ મેચ્યોરિટી પ્રાપ્ત કરે ત્યારે તમારે નાણા ક્યાં ટ્રાન્સફર કરવાના છે તેની આગોતરી જાણકારી ઓછામાં બંધ કરાવવાનું પસંદ કરી શકે છે. તેઓ અન્ય સંસ્થામાં નાણા ટ્રાન્સફર કરવા ઈચ્છતા હશે તો કોઈ પેનલ્ટીઝ વિના આમ કરી શકશે.

એકાઉન્ટ કેવી રીતે બંધ કરી શકાયઃ

તમે એકાઉન્ટ ક્લોઝર ફોર્મ ભરીને બેન્ક ઓફ બરોડા (યુકે) લિમિટેડમાં તમારું એકાઉન્ટ બંધ કરાવી શકો છો. તેમાં તમારી અંગત અને બેન્કની વિગતો તેમજ તમારા કસ્ટમર આઈડીની વિગતો આપવી જરૂરી છે. આ ફોર્મ તમે બેન્કને ઈમેઈલ, પોસ્ટ દ્વારા અથવા તો બેન્કની યુકેમાં લંડન, માન્ચેસ્ટર, બર્મિંગહામ અને લેસ્ટરમાં આવેલી 9માંથી એક બ્રાન્ચને મોકલી આપી શકો છો. જો તમને એકાઉન્ટ ક્લોઝર ફોર્મ પોસ્ટ મારફત મળ્યું ન હોય તો વિલંબ ટાળવા માટે તમારું એકાઉન્ટ પોસ્ટ/ઈમેઈલ મારફત બંધ કરી શકાય છે કે કેમ તેની ચોકસાઈ કરવા સૌ પહેલા બેન્કનો સંપર્ક સાધશો.

જો તમે બ્રાન્ચમાં એકાઉન્ટ ક્લોઝર ફોર્મ સબમિટ કરી રહ્યા હો તો તમારે તમારો પાસપોર્ટ અથવા યુકે ડ્રાઈવિંગ લાયસન્સ જેવાં ID તમારી સાથે લઈ જવાના રહેશે.

શું કોઈ ગૂડવિલ પેમેન્ટ અપાશેઃ

બેન્ક 12 જાન્યુઆરી, 2024ની પહેલા તેમના એકાઉન્ટ બંધ કરાવનારા કોઈ પણ કસ્ટમરને 25 પાઉન્ડના ગૂડવિલ પેમેન્ટની ઓફર કરી રહેલ છે.

કેવી રીતે સંપર્ક સાધશોઃ

કસ્ટમર સર્વિસ સેન્ટરને 0333 155 3333 પર કોલ કરશો (સોમવારથી શનિવાર, 8am થી 8 pmસુધી ખુલ્લું)

ઈમેઈલ કરી શકાશે [email protected]

તમારી સૌથી નજીકની બેન્કશાખાને કોલ કરો અથવા મુલાકાત લો, જેની વિગતો બેન્કની અમારી www.bankofbarodauk.comવેબસાઈટ પરથી મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter