લંડન: બેસ્ટવે ગ્રુપની પેટા કંપની વેલ ફાર્મસીએ લેક્સન યુકે હોલ્ડિંગ્સ અને એસ્યોરેક્સ લિમિટેડ કંપનીઓને હસ્તગત કર્યાની જાહેરાત કરી છે. વેલ ફાર્મસી પારિવારિક માલિકીની ફાર્માસ્યુટિકલ હોલસેલર કંપની છે અને રેડ્ડિચ, લીડ્સ, ડરહામ, ઇસ્ટ કિલબ્રાઇડ અને ડબ્લિનમાં પાંચ ડેપો સાથે સમગ્ર મિડલેન્ડ્સ, નોર્થવેસ્ટ અને નોર્થઇસ્ટ ઇંગ્લેન્ડમાં ફાર્મસી ધરાવે છે. લેક્સન પણ છેલ્લા 25 વર્ષથી કાર્યરત પારિવારિક માલિકીનો બિઝનેસ છે જે સમગ્ર યુકેમાં 3000 જેટલી રિટેલ ફાર્મસી અને નાઇટ્સ ફાર્મસીના નામે 42 કોમ્યુનિટી ફાર્મસી ધરાવે છે. આ સંપાદનની જાહેરાત કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીને જાહેર કરાશે.
બેસ્ટવે ગ્રુપના સીએફઓ હૈદર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સંપાદન દ્વારા અમે કોમ્યુનિટી ફાર્મસી અને દર્દીઓને મોટો લાભ આપવા અને અમારી વૃદ્ધિનો વેગ વધારવા માગીએ છીએ. વેલ ફાર્મસી તેનો ફેલાવો વધારવા માગે છે અને તેના વિકાસ માટે લેક્સન યોગ્ય માધ્યમ પૂરવાર થશે.
વેલ ફાર્મસીના સીઇઓ સેબ હોબ્સે જણાવ્યું હતું કે, વેલ ફાર્મસી અને બેસ્ટવે ફેમિલીમાં લેક્સન અને એસ્યોરેક્સના 1200 કર્મચારીઓને અમે આવકારીએ છીએ. અમે ગ્રાહકો અને દર્દીઓની સેવા માટે અમારા બિઝનેસને આગળ વધારવા તત્પર છીએ. લેક્સન અમારા સિદ્ધાંતોને વરેલી છે અને મૂલ્ય આધારિત બિઝનેસ છે. અમારા બંનેની કુશળતા બિઝનેસને આગળ વધારી એકબીજાને મજબૂત બનાવશે. કોમ્યુનિટી ફાર્મસી માટે આ પડકારજનક સમય છે ત્યારે અમે આ સેક્ટરમાં અમારી પ્રતિબદ્ધતા દર્શાવવા સક્ષમ છીએ. લેક્સનના મેનેજિંગ ડિરેક્ટર અનુપ સોઢાએ જણવ્યું હતું કે, મોટા ગ્રુપ સાથે જોડાણથી અમારું ભવિષ્ય ઉજળું બનવાનું છે. બંને બિઝનેસનો લક્ષ્યાંક અદ્વિતિય સેવા અને ફાર્મસી, દર્દીઓ અને સપ્લાય ચેઇનને વધુ યોગદાન આપવાનો છે.