લંડનઃ તાજેતરમાં બોલ્ટનના એશિયન રિસોર્સિસ સેન્ટર ખાતે ગુજરાતી નાટક 'બ્રિટ એશિયન ચાચા' ભજવાઈ ગયું. નાટકનો વિષય ગુજરાત કે ભારત છોડીને અહીં સ્થાયી થયેલી પેઢી અને અહીં જન્મેલી તથા ઉછરેલી પેઢીના લોકો વચ્ચે વધતું જતું અંતર અને તેમની જીવનશૈલી પર આધારિત હતો.
ગુજરાતી વારસો ગણાતા ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, રહેણીકરણી, માન્યતા અને વ્યવહારોથી આજની પેઢીના યુવાનોને માહિતગાર કરવાના ઉદેશ સાથે ભજવાયેલા આ નાટકના સંવાદો ગુજરાતી અને ઈંગ્લિશ બન્ને ભાષામાં હતા. પ્રેક્ષકોને તેમાં ખૂબ આનંદ આવ્યો હતો. જાણીતા લેખક ડો. અદમ ટંકારવી લિખિત આ નાટકનું નિર્માણ ફારુક ઉઘરાદાર અને દિગ્દર્શન ઈમ્તિયાઝ પટેલે સંભાળ્યું હતું. દિલિપ ગજ્જર, સાધનાબેન વૈદ્ય, યશપાલ ચાવડા, આરતી ચાવડા સહિત બાળ કલાકારો અમીશા ઉધારદાર તથા ધારા યશપાલે અભિનયના અજવાળા પાથર્યા હતા. 'બાબર' બંબુસરીએ ચાચાનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.
નાટકને માણનારા ત્રણેય પેઢીના પ્રેક્ષકોમાં બોલ્ટન ઉપરાંત બ્લેકબર્ન, બાટલી, લેસ્ટર, પ્રેસ્ટન વગેરે શહેરોના લોકોનો સમાવેશ થતો હતો.