લંડનઃ બ્રિટિશ હિન્દુઓની નિંદા અને અવમાનના કરવાના લાંબા સમયથી ચાલતાં અભિયાનમાં ધ સન્ડે ટાઈમ્સે આગવો સૂર પૂરાવ્યો છે અને ૫૦,૦૦૦ બ્રિટિશ દલિતો ‘જ્ઞાતિભેદ’ના કોરડાની યાતના ભોગવી રહ્યા હોવાનું જાહેર કર્યું છે. આમ કરવામાં જોન ઉંગોડ-થોમસે બ્રિટિશ એસ્ટાબ્લિશમેન્ટના સ્તંભોમાં ‘હિન્દુ કહેવાય તેવી તમામ બાબતો પ્રત્યે ઘૃણા’ના અસ્તિત્વને જાહેર કરવાનું કાર્ય જ કર્યું છે. ઈવેન્જિલિકલ ક્રિશ્ચિયન કટ્ટરવાદી લોર્ડ હેરિસ ઓફ પેન્ટ્રેગાર્થે ચોથી માર્ચ, ૨૦૧૩ના રોજ વિશ્વ સમક્ષ જાહેર કર્યું કે ૪૮૦,૦૦૦ બ્રિટિશ દલિતો દરરોજ અન્ય બ્રિટિશ હિન્દુઓના હાથે યાતનાનો શિકાર બને છે. દેબેન, સિંહ, શેખ, એલ્ટન અને અન્ય લોર્ડ્સ પણ ક્વીનના ૪૦૦,૦૦૦ નાગરિકની રોજબરોજની યાતનાને ભારપૂર્વક ઉજાગર કરવામાં સાથ આપતા કૂદી પડ્યા. બેરોનેસ ફ્લેધર અને અન્ય ઉમરાવો પણ ગ્રેટ બ્રિટનના પાપમુક્ત પવિત્ર કિનારાઓ પર પોતાના અસભ્ય ધાર્મિક કર્મકાંડ અને પૂર્વગ્રહો લઈને આવેલા શેતાની હિન્દુઓના અનૈતિક કૃત્યોની નિંદા કરવામાં જોડાઈ ગયાં. જોકે, સન્ડે ટાઈમ્સે એક સાદા પ્રશ્નને નજરઅંદાજ કર્યો કે ૩૫૦,૦૦૦ બ્રિટિશ દલિત વિક્ટિમ્સ ગયાં ક્યાં?
આવી અસત્યની ચાલેલી વણઝારને તમામ તટસ્થ નીરિક્ષકો દ્વારા સઘન ચકાસણી, દસ્તાવેજીકરણ અને ખોટી હોવાનું પ્રસ્થાપિત કર્યા પછી જ કન્ઝર્વેટિવ સરકારે ધાર્મિક ઘૃણા અને પૂર્વગ્રહ પર આધારિત ખામીપૂર્ણ કાયદાને પરવાનગી આપવા અને અમલી બનાવવાનો ઈનકાર કર્યો હતો. તમામ ડેટાની સઘન સમીક્ષા અને લેજિસ્લેશન પ્રક્રિયા પછી એ સ્પષ્ટ થયું કે લોર્ડ્સમાં આ સામૂહિક નિંદા અન્યાયી છે એટલું જ નહિ, તેમાં NIESR તેમજ સ્વતંત્ર અને પૂર્વગ્રહરહિત ન ગણાય તેવા ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના તજજ્ઞોની પણ સામેલગીરી હતી. સરકારે બ્રિટિશ હિન્દુ, શીખ અને જૈન કોમ્યુનિટીઝને ૨૦૧૭ના ૧૮ સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા ખુલ્લાં પરામર્શમાં સીધા ભાગ લેવાની છૂટ આપી હતી.
સન્ડે ટાઈમ્સની એકશનને પણ નોંધપાત્ર જ કહેવી પડે કારણકે પરામર્શ બંધ થવાના આગલા દિવસે જ તેને પ્રભાવિત કરવા અત્યાચારના સાહિત્યને પ્રસિદ્ધ કરવાનું પસંદ કર્યું, જે પ્રચાર યુકેની ધાર્મિક પરંપરાને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથેનો હતો. ‘Why is this woman untouchable?’ હેડલાઈન સાથે પ્રફુલ્લિત યુવતીની મોટી તસવીર પ્રસિદ્ધ કરાઈ હતી. સન્ડે ટાઈમ્સે ઘટસ્ફોટ કર્યો હતો કે યુકેમાં હવે ૫૦,૦૦૦થી ઓછાં દલિતો છે અને ઓછામાં ઓછાં ૩૫૦,૦૦૦ નાગરિકો બ્રિટિશ ટાપુઓ પરથી કેવી રીતે અદૃશ્ય થયાં તેની ચિંતા કે તપાસ કરવાના બદલે હિન્દુઓ પ્રત્યે તિરસ્કાર સર્જાય તે રીતે હિન્દુવિરોધી પૂર્વગ્રહોને રજૂ કરવાનું પસંદ કર્યું.
EHRC ના ભારે ખામીપૂર્ણ અને પૂર્વગ્રહિત કાર્યમાં પણ સ્વીકારાયું છે કે,‘જ્ઞાતિ અને ધર્મનું પ્રતિછેદન ભારે જટિલ હોય છે અને કાયદાના હેતુ અર્થે જ્ઞાતિની વ્યાખ્યા કોઈ ચોક્કસ ધાર્મિક સમૂહ સાથે સંકળાયેલી હોવી ન જોઈએ કે અલગ હોવા સાથે કોઈ ધાર્મિક જૂથનું લક્ષણ ન હોવું જોઈએ. તન્માનીય લોર્ડ્સ દ્વારા ચાલાકીપૂર્વક ખોટી રજૂઆત કરાયેલા NIESR રિપોર્ટમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે ‘આ અભ્યાસના તારણોનો ઉપયોગ કોઈ જ્ઞાતિ ભેદભાવ અન્યોની સરખામણીએ એક ધર્મ અથવા પ્રાદેશિક પશ્ચાદભૂ સાથે વધુ આચરવામાં આવે છે તેમ જણાવવા થવો ન જોઈએ.’ આમ છતાં, ટાઈમ્સ દ્વારા બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી પર જ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. NIESR રિપોર્ટમાં પણ ૩૨ કેસમાંથી ૨૮ કેસ (કોઈ પણ તંદુરસ્ત અભ્યાસમાં તથાકથિત અને અસ્વીકાર્ય) હિન્દુ નહિ પરંતુ શીખ ગણાવાયા છે. ટાઈમ્સ દ્વારા બ્રિટિશ શીખોના યોગ્ય પરિમાણનો ઉલ્લેખ શા માટે કરાયો નથી? જોન ઉંગોડ-થોમસે આ તરફ દૃષ્ટિ જ કરી નથી અને ઈરાદાપૂર્વક ઈવેન્જલિકલ ક્રિશ્ચિયન્સ તેમજ મીના વર્મા અને સતપાલ મુમાન જેવા કર્મશીલના મંતવ્યો જાહેર કર્યા છે, જેઓ આ સમસ્યાને કોઈ પણ પૂરાવા આપ્યા વિના ‘હિન્દુ નાઝીવાદી’
ગણાવે છે.
નિરાશાજનક છતાં આશ્ચર્ય ન થાય તેવી હકીકત એ છે કે ટાઈમ્સ પૂર્વગ્રહરહિત સંતુલિત આર્ટિકલ્સ પ્રસિદ્ધ કરવામાં કોઈ રસ નથી. તેને રાજીવ મલ્હોત્રાના ‘એટ્રોસિટી લિટરેચર’ એટલે કે બીનપાશ્ચાત્ય સંસ્કૃતિ પોતાના જ લોકો પર અત્યાચાર આચરે છે તે દર્શાવવાના લક્ષ્ય સાથેના પશ્ચિમી હિતો દ્વારા સર્જાયેલા સાહિત્યના વર્ણનમાં બંધબેસતા લખાણોમાં જ રસ છે.
સન્ડે ટાઈમ્સને લખેલા પત્રમાં સ્વામી અંબિકાનંદાજી સરસ્વતી (વ્હાઈટ કોકેશિયન મૂળના બીનભારતીય)એ જણાવ્યું છે કે,‘કારથી વોશિંગ મશીન સુધીની તમામ ચીજવસ્તુઓ વેચવા યુવાન, સુંદર સ્ત્રીઓનો હજુ ઉપયોગ થાય છે પરંતુ, કાસ્ટ લેજિસ્લેશન મુદ્દે તમારું વલણ વેચવા સ્ત્રીનો ઉપયોગ શા માટે જરૂરી લાગ્યો? હું હિન્દુ સંન્યાસિની છું, જે હિન્દુજીવનના ચાર તબક્કામાં સૌથી સન્માનીય મનાય છે. મારો જન્મ જ્ઞાતિ બહાર થયો હોવાથી તમારા મતે હું પણ અસ્પૃશ્ય જ ગણાઉ. પવિત્ર ગંગાકિનારે એક બ્રાહ્મણ-જૂના, પ્રતિષ્ઠિત અને રુઢિચુસ્ત હિન્દુ આશ્રમના વડા- દ્વારા મને દીક્ષા અપાઈ હતી. તેઓ મારી અસ્પૃશ્યતાથી જરા પણ વિચલિત થયા ન હતા. યુકેમાં મેં મારા સ્થાનિક મંદિર મારફત હિન્દુ મઠની સ્થાપના કરી છે. હું સ્થાનિક હિન્દુ કોમ્યુનિટી માટે નિયમિત લગ્નો, અંતિમવિધિ, પ્રાર્થનાઓ સહિત અન્ય કર્મકાંડ કરાવું છું. આને મારી અસ્પૃશ્યતા સાથે કોઈ સંબંધ છે? હું અસ્પૃશ્ય છું પરંતુ, તમારા લેખમાં જે વર્ણન કરાયું છે તેનો પ્રત્યક્ષ અનુભવ મને તો થયો નથી.’
NCHT(UK) ના જનરલ સેક્રેટરી સતીષ કે શર્મા લખે છે કે ‘સન્ડે ટાઈમ્સ દ્વારા બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીને નિશાન બનાવાઈ છે તે દેખાય છે. આર્ટિકલમાં અમારી સંસ્થા NCHT(UK)નો ઉલ્લેખ કરાયો છે છતાં, લેખકે અમારો સંપર્ક જ કર્યો નથી. લેખનો સમય, રુપરેખા અને પૂર્વગ્રિત સામગ્રી ચોક્કસપણે માહિતી ન ધરાવતા નીરિક્ષકને પ્રભાવિત કરવા અને હિન્દુઓ વિરુદ્ધ ઘૃણા ઉપજાવવાના ઈરાદાસરની છે, જે હેટ ક્રાઈમ જ છે.’
સન્ડે ટાઈમ્સનો આર્ટિકલ હિન્દુઓ વિશે લોકોની ધારણાને પ્રભાવિત કરવા ઈચ્છે છે અને આ પ્રભાવ પૂર્વગ્રહિત અને નકારાત્મક છે. આ માટે લેખ પાછો ખેંચવો અથવા જાહેર માફી જ યોગ્ય ગણાશે. એ બાબત નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ભારત અને હિન્દુઓ માટે ભેદભાવપૂર્ણ અને નુકસાન કરે તેવા આવા લેખ આવ્યા છે પરંતુ, કરુણતા એ છે કે શ્વેત સર્વોચ્ચતાવાદી સંસ્થાનવાદી સામ્રાજ્યોનાં પતન થયાના ૭૦ વર્ષ પછી પણ શ્વેત પ્રભુત્વના સાધનો તેમના રંગદ્વેષી વૈશ્વિક દૃષ્ટિબિંદુનો હઠાગ્રહ ધરાવે છે.
સન્ડે ટાઈમ્સે રવિવાર ૧૭ જાન્યુઆરી ૧૮૪૭ના તંત્રીલેખમાં જણાવ્યું હતું કે,‘ હિન્દુઓ એટલા નબળા અને વિભાજીત છે છતાં આપણે તેમની પર વહીવટ કરી શકતા નથી પરંતુ, તેમની સમજમાં એ ઉતરતું જ નથી કે વિશ્વના વર્તમાન સંજોગોમાં અન્ય કોઈ શાસકોની સરખામણીએ તેમના શાસકો સારા છે, જેનો તેમણે આનંદ માણવો જોઈએ.’ દેખીતી રીતે જ હિન્દુઓ પર શાસન કરવાની ઈચ્છા ઊંડે સુધી ધરબાયેલી છે.
હિંસા, બળાત્કાર, લૂંટ અને ચોરીથી બંધનમાં રખાયેલા ‘જ્વેલ ઓફ ક્રાઉન’ ઈન્ડિયાને ૭૦ વર્ષ અગાઉ ગુમાવવું પડ્યું તેને કુદરતી ન્યાયના સિદ્ધાંત તરીકે જોઈ શકાય પરંતુ, બિશપ લોર્ડ હેરિસના કાળજી અને મહેનતથી રક્ષણ કરાયેલા ૩૫૦,૦૦૦ બ્રિટિશ દલિતો ગુમ થાય તેને તો ૨૧મી સદીના વિશ્વમાં બાઈબલિકલ પરિમાણોની નિષ્ફળતા તરીકે જ જોઈ શકાય. ૧૮૪૭ અને ૨૦૧૭માં સન્ડે ટાઈમ્સના અભિગમ અને એક્શન્સને ધ્યાનમાં રાખીએ તો જણાશે કે ૧૫૦ વર્ષમાં ઘણું ઓછું બદલાયું છે. સામ્રાજ્યનો નાશ અને શ્વેત આધિપત્યની ઘટતી જતી સહિષ્ણુતા સર્વોચ્ચતાવાદી શાસનના સંસ્થાગત સાધનોને હજુ પણ અશાંત બનાવી રહ્યા છે.