લંડનઃ બ્રેક્ઝિટ વોટ પછી યુકેમાં રોજગારી તળિયે પહોંચશે તેવી ચેતવણીઓને ખોટી પાડી બેરોજગારી ૪.૩ ટકાના દર સાથે ૪૨ વર્ષના તળિયે પહોંચી છે. બ્રેક્ઝિટ વોટ વખતે બેરોજગારી દર ૪.૯ ટકાનો હતો. ગત ૧૨ મહિનામાં કુલ બેરોજગારની સંખ્યા ૧૭૫,૦૦૦ના ઘટાડા સાથે ૧.૪૬ મિલિયન થઈ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિસ દ્વારા જણાવાયું છે. રેફરન્ડમ પછી કામ કરનારા લોકોની સંખ્યામાં ૩૭૯,૦૦૦નો વધારો થયો છે. વેતનવૃદ્ધિ મંદ હોવાં સાથે ભાવ વધતાં રહેવાના પરિણામે પરિવારોની નાણાકીય હાલત સુધરી ન હોવાં છતાં વિશ્લેષકોએ બ્રિટનને ‘ગ્રેટ જોબ ક્રીએટિંગ મશીન’ ગણાવ્યું છે.
બ્રેક્ઝિટના સમર્થકોએ આ રિપોર્ટને વધાવી લીધો છે. પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ રેફરન્ડમ અગાઉ ચેતવણી આપી હતી કે ઈયુ છોડવાના નિર્ણયથી મંદીનું પૂર આવશે અને ૮૨૦,૦૦૦ જેટલા લોકો નોકરીઓ ગુમાવશે. રેફરન્ડમ પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે બેરોજગારી દર વધીને ૫.૫ ટકા જેટલો થશે.
ONS રિપોર્ટ અનુસાર આ વર્ષના મે અને જુલાઈ વચ્ચે બેરોજગાર દર ૪.૩ ટકા રહ્યો છે, જે ૧૯૭૫ પછી સૌથી નીચો છે તથા ૧૯૭૧માં રેકોર્ડ રાખવાના શરૂ કરાયા પછી રોજગારી દર ૭૫.૩ ટકા છે, જે સૌથી ઊંચો છે અને ૩૨.૧ મિલિયન લોકો કામ કરી રહ્યા છે. આની સામે ફ્રાન્સમાં ૯.૮ ટકા, ઈટાલીમાં ૧૧.૩ ટકા, સ્પેનમાં૧૭.૧ ટકા અને ગ્રીસમાં ૨૧.૭ ટકાનો બેરોજગારી દર છે. જોકે, રોજગારી વધવા સાથે વેતનમાં મજબૂત વધારો થયો નથી. એક વર્ષ અગાઉની સરખામણીએ સરેરાશ સાપ્તાહિક કમાણીમાં માત્ર ૨.૧ ટકાનો વધારો થયો છે. જો ફૂગાવાને ગણતરીમાં લેવામાં આવે તો વાસ્તવિક કમાણી ૦.૪ ટકા ઘટી છે અને પરિણામે પરિવારોના બજેટ્સ પર ભારે દબાણ આવ્યું છે.