બ્રિટનમાં વસવાટ માટે ૩૦ લાખથી વધુ ઈયુ નાગરિકોએ કરેલી અરજી

Tuesday 25th February 2020 09:37 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ પછી ઈયુ સેટલમેન્ટ સ્કીમ હેઠળ બ્રિટનમાં વસવાટ માટે અરજી કરનારા ઈયુ નાગરિકોની સંખ્યા ૩૦ લાખને વટાવી ગઈ છે. અત્યાર સુધી અરજીઓમાં પોલેન્ડ અને રોમાનિયાના નાગરિકોનો હિસ્સો ત્રીજા ભાગનો છે. ૨૭ લાખથી વધુ લોકોને ‘સેટલ્ડ’ અથવા ‘પ્રી-સેટલ્ડ’ સ્ટેટસ આપી દેવાયું છે. આના પરિણામે આ યોજનાનો ફિયાસ્કો થશે તેવી ગયા વર્ષે ચેતવણી આપનારા ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ છે. આ સ્ટેટસ તેમને યુકેમાં રહેવા અને કામ કરવા, NHS નો ઉપયોગ તેમજ જાહેર ફંડની સુવિધા મેળવવા અને દેશમાંથી બહાર આવવા-જવાના પ્રવાસ કરવાની પણ છૂટ આપશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘ભારે સફળતાને વરેલી ઈયુ સેટલમેન્ટ સ્કીમ માટે ત્રણ મિલિયનથી વધુ અરજી થયાનો આનંદ છે. બ્રિટિશ ઈતિહાસમાં આ પ્રકારની સૌથી મોટી યોજના છે અને ઈયુ નાગરિકો આગામી દાયકાઓમાં પોતાના અધિકારો દર્શાવી શકશે તેનો પુરાવો છે. ઈયુ દેશો પણ આવી જ યોજના અપનાવે તેવો સમય આવી ગયો છે.’

બ્રિટનમાં વસવાટની અરજી કરનારા ઈયુ નાગરિકોમાં પોલેન્ડવાસીઓ ૫૧૨,૦૦૦ના આંકડા સાથે પ્રથમ છે જ્યારે, ૪૩૬,૦૦૦ અને ૨૯૧,૦૦૦ની સંખ્યા સાથે અનુક્રમે રોમાનિયન અને ઈટાલિયનો બીજા અને ત્રીજા સ્થાને છે. યુરોપિયનો, ઈયુ નાગરિકો અને તેમના પરિવારોને નિઃશુલ્ક અરજી કરવા માટે હજુ ડિસેમ્બર સુધીનો સમય છે. વસવાટ યોજનામાં અરજદારોએ તેમની ઓળખ પુરવાર કરવાની રહે છે અને તેઓ યુકેમાં રહેતા હોવાનું દર્શાવવું પડે છે. તેમણે ક્રિમિનલ સજા કરાઈ હોય તે પણ જાહેર કરવી પડે છે.

હોમ ઓફિસે આ પ્રોજેક્ટ પાછળ ૧૭૦ મિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ કર્યો છે અને અરજદારોની મદદ માટે ૧૫૦૦થી વધુ કર્મચારી કામે લગાવ્યા છે. અત્યાર સુધી માત્ર છ અરજી નકારાઈ છે, જે ગંભીર ક્રિમિનલ સજા પામેલા ઈયુ નાગરિકોની હોવાનું મનાય છે. ડિસેમ્બર ૨૦૧૯ સુધી રાજધાની લંડનની બહાર સૌથી વધુ અરજી બર્મિંગહામ (૫૭,૩૪૦)થી કરાઈ છે. આ પછીના શહેરોમાં લેસ્ટર (૪૫,૯૪૦), માન્ચેસ્ટર (૪૧,૪૩૦), એડિનબરા (૩૨,૯૩૦), લીડ્ઝ (૨૮,૮૩૦), બ્રિસ્ટોલ (૨૫,૯૯૦), પીટરબરા (૨૫,૮૨૦), નોર્ધમ્પ્ટન (૨૫,૩૫૦), કોવેન્ટ્રી (૨૩,૪૨૦) અને ગ્લાસગો (૨૩,૦૩૦)નો સમાવેશ થાય છે. ઈયુ નાગરિકો ઉપરાંત, યુરોપિયન ઈકોનોમિક એરિયાના સભ્યો નોર્વે તેમજ સ્વિસ નાગરિકો પણ આ યોજનામાં અરજી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter