લંડનઃ ઈયુ રેફરન્ડમની તારીખ નજીક આવી રહી છે ત્યારે બ્રિટનમાં કામ કરતા ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા ૨.૨ મિલિયન હોવાના આંકડા બહાર આવવાથી બ્રેક્ઝિટ પક્ષ જોરમાં આવ્યો છે. નેટ માઈગ્રેશન ઘટાડવાના વડા પ્રધાન ડેવિડ કેમરનના વચનો નિષ્ફળ ગયાં છે કારણકે વિદેશમાં જન્મેલા વર્કરો યુકેમાં છમાંથી એક નોકરી ધરાવે છે, જ્યારે નવી ૧૦ નોકરીમાંથી બે નોકરી વિદેશીઓના ફાળે જાય છે. ભારતમાંથી ૭૯,૦૦૦ વર્કર્સનો વધારો થયો છે, જે મુખ્યત્વે યુકેમાં કંપનીઓમાં બદલીથી આવેલા છે. દેશમાં કુલ ૩૧.૫૮ મિલિયન લોકો કામ કરી રહ્યાં છે.
યુરોપિયન યુનિયનમાં મુક્ત અવરજવરના નિયમનો સૌથી વધુ લાભ ઈયુ માઈગ્રન્ટ્સે લીધો છે. વિક્રમી ૨.૨ મિલિયન ઈયુ માઈગ્રન્ટ્સ બ્રિટનમાં નોકરી કરે છે, જેમાંથી અડધોઅડધ પૂર્વ યુરોપના છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર બ્રિટનના ૩૧.૫ મિલિયનના લેબર ફોર્સમાં વિદેશમાં જન્મેલા વર્કર ૫.૨ મિલિયનનો હિસ્સો ધરાવે છે એટલે કે છમાંથી એક નોકરી વિદેશી વર્કના હસ્તક છે. માર્ચ મહિના સુધીના વર્ષમાં ૪૧૩,૦૦૦ નોકરી વધી હતી, જેમાં વિદેશીઓના હાથમાં ૮૦ ટકા નોકરી ગઈ હતી.
સૌથી મોટો વધારો સ્પેન, ઈટાલી અને ગ્રીસ સહિત ૧૪ જૂના ઈયુ દેશોમાંથી થયો હતો, જે ૨૨ ટકા એટલે કે ૧૭૭,૦૦૦નો હતો. ઈસ્ટર્ન બ્લોકના પોલેન્ડ સહિત આઠ દેશ ૨૦૦૪માં ઈયુમાં સામેલ થયા પછી ત્યાંના ૯૭૪,૦૦૦ વર્કર્સ બ્રિટનમાં આવ્યા છે, જે વાર્ષિક ત્રણ ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરી ૨૦૧૪થી રોમાનિયા અને બલ્ગેરિયાના નાગરિકોને મુક્ત અવરજવર અને કામનો અધિકાર મળતા વિક્રમી ૨૩૨,૦૦૦ વર્કર બ્રિટન આવ્યા છે, જે ૨૫ ટકાનો વધારો દર્શાવે છે.
કામ કરતી મહિલાઓની સંખ્યાનો પણ વિક્રમ
બ્રિટનમાં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા પણ વિક્રમજનક ૧૪.૨૭ મિલિયન સુધી પહોંચી છે. સત્તાવાર આંકડા અનુસાર ૧૬-૬૪ વયજૂથની ૬૯.૨ ટકા મહિલાઓ કામ કરે છે. સ્ત્રીઓ માટે સરકારી પેન્શન વયમાં ફેરફારથી ૬૦થી ૬૫ વર્ષ વચ્ચેની સ્ત્રીઓમાં નિવૃત્તિ ઘટી છે. તેમની નિવૃત્તિવય ૨૦૨૦ સુધીમાં વધીને ૬૬ વર્ષ થશે.