બ્રિટિશ નાગરિકો બ્રેક્ઝિટ પછી ઈયુમાં કયા નિયમો હેઠળ પ્રવાસ કરી શકશે?

Wednesday 06th March 2019 01:47 EST
 
 

લંડનઃ યુકે માર્ચ મહિનાની ૨૯ તારીખે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશે તે લગભગ નિશ્ચિત છે. ઈયુમાંથી અલગ થવાની આ પ્રક્રિયાએ સમગ્ર દેશને વિભાજિત કર્યો છે. ઈયુથી અલગ થવાના પરિણામે અનેક નિયમોમાં ફેરફાર થવાથી પ્રવાસીઓ પર મોટી અસરો પડશે. આ વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નોના આધારે વિઝા અને પાસપોર્ટ્સ બાબતે કેટલીક ગાઈડલાઈન્સ આપવાનો અહીં પ્રયાસ થયો છે.

જે લોકો પાસે ઈયુ પાસપોર્ટ છે તેમણે જો તેની માન્યતા પૂર્ણ થવાનું નજીક હોય તે સિવાય તેને બદલાવવાની જરૂર નથી. ૨૯ માર્ચ ૨૦૧૯ સુધી અપાયેલા તમામ બ્રિટિશ પાસપોર્ટ્સ યુરોપિયન યુનિયનના સંપૂર્ણપણે માન્ય પ્રવાસ દસ્તાવેજો છે. બ્રેક્ઝિટ પછી તમારો પાસપોર્ટ બ્રિટિશ ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે માન્ય ગણાશે પરંતુ, ઈયુ પાસપોર્ટ તરીકે તેની શક્તિ રહેશે નહિ. આયર્લેન્ડ સ્પેશિયલ કેસ ગણાશે તેમજ યુકે અને આયર્લેન્ડ રિપબ્લિક વચ્ચે પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી ગણાશે નહિ.

જો યુકે કોઈ સમજૂતી સાથે ઈયુમાંથી બહાર નીકળે તેવી પરિસ્થિતિમાં સરકારના કહેવા મુજબ ઈયુમાં પ્રવાસ કરવાનું ઓછામાં ઓછું ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી અત્યારના જેવું જ રહેશે. જોકે, બ્રિટિીશ પ્રવાસીઓ માર્ચ ૨૯ પછી ‘fast track EU/EEA’ લેન્સનો ઉપયોગ કરી શકશે નહિ. તમારા પાસપોર્ટ તેની મુદત પૂર્ણ થવાના દિવસ સુધી ઈયુમાં કોઈ પણ સ્થળે પ્રવાસ માટે માન્ય ગણાશે.

૨૦૨૧ના આરંભથી બ્રિટિશ પ્રવાસીઓએ લગભગ તમામ ઈયુ દેશો તથા અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેતાં સેન્જેન એરિયાની મુલાકાત લેવા ઓનલાઈન પરમિશન માટે અરજી કરવાની રહેશે. સેન્જેન બાહ્ય સરહદો પર આવતા ત્રીજા દેશના વિઝા-માફ નાગરિકો સંબંધિત માહિતીના અભાવની બાબતના ઉપાય માટે ‘યુરોવિઝા’ની વ્યવસ્થા કરાઈ છે. સાત યુરોની પરમિટ ત્રણ વર્ષ માટે માન્ય છે, જેમાં ૧૮થી ઓછી અને ૭૦થી વધુ વય માટે કોઈ ચાર્જ નથી. ઈયુ બોર્ડર પર આવી પહોંચ્યા પછી પણ પ્રવેશની કોઈ ગેરંટી રહેતી નથી. પ્રવાસીઓના ડેટાની ચકાસણી કરાશે, તેમના ફિંગરપ્રિન્ટની તસવીર લેવાશે અને કેટલાંક પ્રશ્નોનો ઉત્તર પણ આપવાનો રહેશે.

જો કોઈ સમજૂતી વિના (નો-ડીલ) જ ઈયુમાંથી બહાર નીકળવાનું થાય તેવા સંજોગોમાં બ્રિટિશ નાગરિકોને બ્રેક્ઝિટ પછી તત્કાળ વિઝાની આવશ્યકતા નહિ રહે કારણકે ઈયુ દ્વારા બ્રિટિશ મુલાકાતીઓને ‘થર્ડ કન્ટ્રી વિઝા-ફ્રી’ સ્ટેટસ હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે. આ વર્ષની ૨૯ માર્ચથી તેઓ યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નાગરિકોને લાગુ પડતા પ્રવેશના સ્ટાન્ડર્ડ નિયમોને આધીન બનશે. આનો અર્થ એ છે કે તમારો પાસપોર્ટ ‘આગમનની તારીખથી ઓછામાં ઓછાં છ મહિના સુધી માન્યતા’ ધરાવતો હોવો જ જોઈએ.

નો-ડીલના સંજોગોમાં લોકો પાસે તેમની ઈચ્છાનુસાર રહેવાનો આપમેળે અધિકાર રહેશે નહિ. સરકારના કહેવા મુજબ ‘તમે કોઈ પણ ૧૮૦ દિવસની મુદતમાં ૯૦ દિવસ સુધી રહેવાને લાયક ગણાશો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter