લંડનઃ બ્રિટિશ ભારતીય સ્ટુડન્ટ અનુશ્કા કાલે ઐતિહાસિક કેમ્બ્રિજ યુનિયન સોસાયટીના પ્રમુખપદે બીનહરીફ ચૂંટાઈ આવી છે. આગામી ઈસ્ટર 2025ની ટર્મ માટેની ચૂંટણીમાં અનુશ્કાને 126 મત મળ્યાં હતાં. સોસાયટીના કાર્યરત ડિબેટ ઓફિસર મિસ કાલે ઈન્ડિયા સોસાયટી જેવી યુનિવર્સિટીઓની કલ્ચરલ સોસાયટીઓ સાથે સંબંધો મજબૂત બનાવવાના વિચાર સાથે ચૂંટણીમાં આવ્યાં હતાં.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સિડની સસેક્સ કોલેજ ખાતે ઈંગ્લિશ લિટરે્ચરનો અભ્યાસ કરી રહેલી 20 વર્ષીય અનુશ્કા કાલેએ જણાવ્યું હતું કે,‘ઈસ્ટર 2025 માટે કેમ્બ્રિજ યુનિયન સોસાયટીનાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવવાનું સન્માન મળતા હું ઘણી ખુશ છું અને સભ્યોના સપોર્ટ માટે આભારી છું. મારી ટર્મ દરમિયાન ઈન્ડિયા સોસાયટી જેવાં કલ્ચરલ ગ્રૂપ્સ સાથેસહકાર સાધી હું યુનિયનમાં ડાઈવર્સિટી અને એક્સેસ વિસ્તારવા માગીશ.’
કેમ્બ્રિજ યુનિયન સોસાયટીના પૂર્વ પ્રમુખો અને ઓફિસરોમાં ઈંગ્લિશ ઈકોનોમિસ્ટ અને ફીલોસોફર જ્હોન મેનાર્ડ કિનેસ, નોવેલિસ્ટ રોબર્ટ હેરિસ તેમજ તાજેતરના વર્ષોમાં બ્રિટિશ ભારતીય લોર્ડ અને કોબ્રા બીઅરના સ્થાપક કરન બિલિમોરિયા સહિતનો સમાવેશ થાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઓક્સફર્ડ યુનિયન સોસાયટીની માફક કેમ્બ્રિજ યુનિયન પણ જાહેર જીવનના અગ્રણી મહાનુભાવોને હોસ્ટ કરવાની દીર્ઘ પરંપરા ધરાવે છે.