લંડનઃ માર્ચના અંતમાં શરૂ થયેલી બ્રેક્ઝિટ વાટાઘાટોનું વડાપ્રધાન થેરેસા મે જે રીતે તેનું સંચાલન કરી રહ્યા છે તેને યુકેની પ્રજાનું સમર્થન ચાર ટકા વધીને ૫૫ ટકા થયું હોવાનું Orb ઈન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણમાં જણાયું હતું. આ ટકાવારી પાંચ મહિનામાં સૌથી વધુ છે. ઈમિગ્રેશન પર અંકુશનો મુદ્દો મુક્ત વ્યાપાર કરતાં મહત્ત્વનો હોવાની વાતને ૪૭ ટકા મતદારોએ નકારી કાઢતા હવે લોકોનું ધ્યાન ઈમિગ્રેશનને બદલે વ્યાપારની વાટાઘાટો પર કેન્દ્રિત થયું હોય તેમ લાગે છે.
Orb ઈન્ટરનેશનલના M.D. જહોની હિલ્ડે જણાવ્યું હતું કે સરકાર જે રીતે વાટાઘાટો કરી રહી છે તેની સાથે નવેમ્બરથી દર મહિને બ્રિટિશ પ્રજાનું બ્રેક્ઝિટના વિચારને સમર્થન વધી રહ્યું છે. જોકે, પ્રચાર દરમિયાન ઈમિગ્રેશનના મુદ્દાને વધુ ચગાવવામાં આવ્યો હતો અને લોકો તેને પ્રાધાન્ય આપતા હતા તેનાથી વિપરીત હવે લોકો મુક્ત વ્યાપાર સમજૂતી માટે વધુ ચિંતિત બની રહ્યા છે તે રસપ્રદ બાબત છે.
આ સતત ત્રીજા મહિને બ્રેક્ઝિટની વાટાઘાટોનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે તેને અડધાથી વધુ બ્રિટિશ પ્રજાનું સમર્થન મળી રહ્યું છે જ્યારે તેનો વિરોધ અત્યાર સુધીના સૌથી નીચેના સ્તરે છે.