બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૨-૧૩-૧૪ નવેમ્બર ૨૦૧૫ની યુકેની મુલાકાત અને ભારત બ્રિટન વચ્ચેના સંબંધો વિષે એક ચર્ચાસભાનું શાનદાર આયોજન વેમ્બલીના ઇલીંગ રોડ સ્થિત BIA હોલ ખાતે રવિવાર તા. ૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી સીબી પટેલ સહિત વિવિધ વક્તાઅોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત, ભારત બ્રિટન વચ્ચેના સંબંધો અને ભારતીયોના યોગદાન વિષે મહત્વપૂર્ણ પાસાઅો પર ચર્ચા કરી હતી. શ્રોતાઅો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોલ સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો અને સૌએ પ્રશ્નોત્તરીમાં ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તંત્રી શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'મોદીજીએ તેમના વક્તવ્યમાં બે મહાન દેશોનો ઉલ્લેખ કર્યો હતો. આપણા ભારત અને બ્રિટન પાસે કેટલાક સમાન ગુણ છે. ભારત અત્યાર સુધીમાં કુલ £૨૦ બિલિયનનું રોકાણ કરી ચૂક્યું છે તો સામે બ્રિટને પણ ભારતમાં ઘણું રોકાણ કર્યું છે. આજે ઇકોનોમિસ્ટમાં ગુજરાતીઅોની વિકાસગાથા વિષે લેખ છપાયો છે અને કેમરન હોય કે ઇકોનોમિસ્ટ બધા ભારતીયો માટે ગીતો ગાય છે. ભારત અત્યારે ખૂબજ સુરક્ષીત અને મજબૂત સ્થિતીમાં છે. વડાપ્રધાન મોદીજી વિશ્વના નેતાઅોની આંખોમાં આંખ પરોવીને વાત કરી શકે છે. વિશ્વ આખુ ભારતના વડાપ્રધાનના વખાણ કરે છે. મોદીજી એરોગન્ટ નહિ પણ એસર્ટિવ છે અને તેથી જ આજે ભારતનો અવાજ સંભળાય છે.'
શ્રી સીબીએ સ્થાનિક સામાજીક સંસ્થાઅોની કામગીરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે 'આપણી મોટાભાગની સંસ્થાઅો કાગળ પર છે. BIA ૫૦ વર્ષ જુની અને ખમતીધર સરસ સંસ્થા છે અને તેના ચેરપર્સન તરીકે શક્તિસભર અને અનુભવી અનિતાબેન વરાયા છે અને મને ખતરી છે કે તેમના થકી જરૂર સારી સેવાઅો થશે. લોર્ડ ધોળકીયા કહે છે તેમ આપણી કેટલીક સંસ્થાઅોના નેતાઅો ફોટો બ્રિગેડ જેવા છે. ફેસબુક પર ફોટા મૂકીને આગેવાન થઇને ફરે છે. આપણી આગામી પેઢીમાં આત્મવિશ્વાસ આવે તે જરૂર છે. બાળકોમાં ભાષા, સાહિત્ય, કલા અને ધર્મનું જ્ઞાન હોયતે ખૂબજ જરૂરી છે.'
બ્રેન્ટ કાઉન્સિલના નેતા શ્રી મુહમ્મદ બટ્ટે જણાવ્યું હતું કે 'સીબી ભારત સાથે ખૂબ જ સરસ લિંક ધરાવે છે. આપણી સંસ્કૃતિ, અોળખ અને ઇતિહાસને યાદ રાખવાનો છે અને નવી પેઢીને પણ તેનું જ્ઞાન અપવાનું છે. મને ગૌરવ છે કે ૧૩મી નવેમ્બરના રોજ મોદીજીએ વેમ્બલી સ્ટેડીયમમાં સંબોધન કર્યું ત્યારે હજારો લોકો બ્રેન્ટમાં આવ્યા. બ્રેન્ટમાં સાયન્સ, બિઝનેસ, સંસ્કાર સહિત તમામ ક્ષેત્રે ભારતીયોનું અનુદાન મહત્વપૂર્ણ છે. મોદીજીએ ભારત માટે નવી દિશાઅો ખોલી છે અને પડોશી દેશો સાથે સારો સંબંધ રાખી ભારત સહિત સૌ સહયોગી દેશોને પ્રગતિના પંથે લઇ જવા માંગે છે.'
BIAના ચેરપર્સન સુશ્રી અનિતાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે 'નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૩મી નવેમ્બરના રોજ ભાઇબીજના દિવસે બ્રેન્ટમાં ઉપસ્થતિ રહીને બ્રિટનમાં રહેતી બહેનોેને ભાઇબીજની ભેટ આપી હતી. તેના બીજે જ દિવસે BIAએ ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. BIA આપણું સોની પોતાની અને પગ પર ઉભી રહેલી મજબૂત સંસ્થા છે. અમને ગ્રાન્ટ નથી મળતી પરંતુ અમને સમર્થ ટેકેદારોનો સહકાર છે. BIA દ્વારા સ્થાનિક લોકો સહિત અન્ય બરોના ૧ મિલિયન લોકોને વિતેલા ૫૦ વર્ષના સમયગાળામાં મદદરૂપ બન્યા છીએ. અમે વેલ્ફેર બેનીફીટથી લઇને ઇમીગ્રેશન, OCI અને અન્ય તમામ કામમાં જ્ઞાતિ, જાતી કે ધર્મના ભેદભાવ વગર
મદદ કરીએ છીએ. આજે અત્રે ઉપસ્થિત રહેલા સૌનો હું આભાર વ્યક્ત કરૂ છું.'
ભાજપ સાથે વર્ષો સુધી સંકળાયેલા શ્રી વિનુભાઇ સચાણીયાએ જણાવ્યું હતું કે 'નરેન્દ્રભાઇ મોદીએ આજે દુનિયા આખી પર પોતાનો જાદુ ચલાવ્યો છે. મોદીજીએ કહ્યું છે કે જો મુસ્લિમો સૂફી પરંપરાને અનુસર્યા હોત તો આજે અમુક લોકોના હાથમાં બંદુક ન હોત. માણસમાં સંવેદના ન હોય તો જરા પણ કામ ન થાય. નમોએ પણ સાચું જ કહ્યું કે સીબી મારૂ ગળુ પકડતા એટલે ડાયરેક્ટ ફ્લાઇટ કર્યા વગર મારો છૂટકો નહોતો. સીબી ગુજરાતીઅોના કામ માટે ઘણી મહેનત કરે છે. 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' જ એક એવા છાપા છે જે ભૂતભૂવાની જાહેરાતો લેતા નથી.'
હેજ ફંડ કંપની બ્લ્યુક્રેસ્ટમાં ટ્રેડર પોર્ટફોલીયો મેનેજર તરીકે સેવા આપતા અને આવું કામ કરતા વિશ્વના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ એવા શ્રી આશિષ ગોયલે જણાવ્યું હતું કે 'મોદીજીના કારણે આજે સમગ્ર વિશ્વએ ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરી છે. અોબામાથી પુતીન અને મર્કેલથી લઇને ઝી પીંગ સુધીના સૌ નેતાઅોને મોદીજીને મળવું છે. મોદીજીએ કરોડોની સંખ્યામાં બેન્ક એકાઉન્ટ ખોલવાથી લઇને સ્વચ્છ ભારત, ટોયલેટ બનાવવા, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા જેવા અનેક કાર્યક્રમો આપ્યા છે. આજે ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં સો ટકાના વધારા સાથે ૪૦ બિલિયન ડોલરનું રોકાણ થયું છે.'
બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી મેમ્બર શ્રી નવિનભાઇ શાહે જણાવ્યું હતું કે "નરેન્દ્રભાઇ મોદી વિઝનના માણસ છે તેમણે પોતાના શાસનકાળમાં ગુજરાતને ઘણું જ બદલી નાંખ્યું હતું અને હવે તેઅો ભારતને બદલનાર છે. સીટી અોફ લંડન પાવરફૂલ છે અને આપણી બિઝનેસ લિંક પહેલી પ્રાથમિકતા છે. ભારતના વિવિધ શહેરો સાથે લંડનું જોડાણ ઘણું જ સારૂ પરિણામ લાવી શકે તેમ છે.'
બ્રેન્ટના કોન્ઝર્વેટીવ ગૃપ લીડર સુરેશભાઇ કણસાગરાએ જણાવ્યું હતું કે 'BIAનું કાર્ય ઘણું જ સારૂ છે અને તેને સહકાર અને મદદ માટે આપનો સૌનો હું આભારી છું. ગયાના, મોરેશીયસ અને ફીજી જેવા દેશના મૂળ ભારતીયો ભારત સાથેના અોછા સંપર્કના કારણે ઘણું ગુમાવી બેઠા છે. આવા કાર્યક્રમના આયોજન માટે હું શ્રી સીબીનો ખૂબ આભારી છું. મુસ્લિમો અને બ્રિટીશર્સે ૮૦૦ વર્ષ રાજ કર્યું હોવા છતાં ભારતની ૮૦% વસતી હિન્દુ છે.'
કાર્યક્રમ દરમિયાન જશુબેન મિસ્ત્રી (પ્રજાપતિ એસોસિએશન, લંડન), શ્રી ભટ્ટ, ભારતીબેન ત્રિવેદી, પ્રભુભાઇ શાહ (અક્સબ્રિજ), પ્રવિણભાઇ જી પટેલ (SPMS), જયરામભાઇ પટેલ, ગોપાલભાઇ વ્યાસ (ડન્સટેબલ), સુભાષભાઇ સંપત (હેરો), દિલીપભાઇ ચૌબલ (હેરો) ગીતાબેન (વેમ્બલી), સ્મિતાબેન પટેલ, રમણીકલાલ જસાણી, પ્રફુલ્લભાઇ પટેલ (વેમ્બલી) તેમજ અન્ય શ્રોતાઅોએ ચાઇલ્ડ સેક્સ ગૃમીંગ, સ્વચ્છતા તેમજ ટોયલેટ નિર્માણ, OCIના પ્રશ્નો, કોર્ટ કેસો, મિલ્કત હડપવાના બનાવો વગેરે બાબતે પ્રશ્નો પૂછ્યા હતા.
'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જાણીતા કલાકાર હરીદાનભાઇ ગઢવીએ પ્રાર્થના રજૂ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી માટે સ્વચરિત રચના 'શબદનો વેપાર... મારા આતમના હાલ...' રજૂ કરી હતી. જ્યારે શ્રી મોહનભાઇએ "એ મેરે પ્યારે વતન...” રાષ્ટ્રભક્તી ગીત તેમજ મોદીજી માટે સ્વરચિત રચના 'એ બાપુ તારો ચેલો અજે સંદેશો દઇ જાય છે' રજૂ કરી હતી. કુ. અમી પટેલે પોતાના વતનમાં ટોયલેટ બનાવવા પર પોતાના રિસર્ચ અંગે માહિતી આપી હતી. ઉપસ્થિત અગ્રણી વક્તાઅોનો પરિચય 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર શ્રી કમલ રાવે કરાવ્યો હતો તેમજ આભાર વિધિ સુશ્રી અનિતાબેન રૂપારેલિયા તેમજ શ્રીમતી કોકિલાબહેન પટેલે કરી હતી. સમારોહના અંતે સૌએ અોરીન્ટલ ફુડ્ઝના ભાવનાબેન પટેલ દ્વારા સ્પોન્સર કરાયેલ ગરમાગરમ ખીચડી, કઢી અને શાકનું ભોજન લીધું હતું.
૦૦૦૦૦૦૦
ફોટો કર્ટસી: રાજ બકરાણીયા Prmediapix
૦૦૦૦૦
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી સુરેશભાઇ કણસાગરા, ધીરૂભાઇ વડેરા (સેક્રેટરી - BIA), સુમંતરાય દેસાઇ (ખજાનચી - BIA), અનિતાબેન રૂપારેલિયા, સીબી પટેલ, કોકિલાબેન પટેલ, નવિનભાઇ શાહ અને મુહમ્મદ બટ્ટ.
૦૦૦૦૦૦
ઉપસ્થિત શ્રોતાઅો
૦૦૦૦૦
વિનુભાઇ સચાણીયા
૦૦૦૦૦૦
આશિષ ગોયલ
૦૦૦૦૦૦