લંડનઃ પૂર્વ બસ કન્ડક્ટર અને ૨૦૧૦થી એલ્પર્ટન ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ બ્રેન્ટ બરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પૂર્વ મેયર કાઉન્સિલર પરવેઝ અહમદ પાસેથી કાર્યભાર સંભાળી લીધો હતો. ગત બુધવારે બ્રેન્ટ સિવિક સેન્ટરમાં મેયર મેકિંગ સમારંભમાં કાઉન્સિલર ભગવાનજીને મેયરપદે ચૂંટવામાં આવ્યા હતા. આ સમારંભમાં સાથી કાઉન્સિલરો તેમજ બરોની સ્વૈચ્છિક અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનોના પ્રતિનિધિઓની હાજરી નોંધપાત્ર હતી.
કેન્યાથી લંડન આવેલા ભગવાનજીએ પોતાનો ગ્રોસરી બિઝનેસ સ્થાપવા અગાઉ બસ કન્ડક્ટર અને બુકિંગ ક્લાકની કામગીરી બજાવી હતી. તેમણે ૨૩ વર્ષ સફળ બિઝનેસ ચલાવ્યો હતો. તેમણે યુથ સર્વિસ અને ઈલિંગ કોમ્યુનિટી રેસ રીલેશન્સ કાઉન્સિલ સહિત વિવિધ સંસ્થાઓમાં વોલન્ટીઅરની નકામગીરી કરી હતી. તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન સ્ટોનબ્રિજમાં એશિયન વિમેન્સ રીસોર્સ સેન્ટર ચેરિટીને ટેકો આપશે. આ સંસ્થા ઘરેલુ શોષણનો શિકાર બનેલી સ્ત્રીઓ અને બાળકો નવેસરથી જીવન જીવી શકે તે માટે કામ કરે છે. તેમનું સમર્થન ધરાવતી બીજી ચેરિટી અક્ષય પાત્ર ફાઉન્ડેશન યુકે છે, જે બાળકોની ભૂખ નાબૂદ કરી બાળપણમાં શિક્ષણ મળે તે માર્ગે કામ કરે છે.
મેયર ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મને બ્રેન્ટના મેયરપદે ચૂંટાવાનો આનંદ તથા બરો અને તેના નિવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ છે. લંડનમાં સાંસ્કૃતિક રીતે સૌથી વૈવિધ્ય ધરાવતા બરોઝમાં બ્રેન્ટ પણ એક છે. બરોમાં ઓછું પ્રતિનિધિત્વ ધરાવતી કોમ્યુનિટીઓ સાથે કામ કરવા અને તમામ રહેવાસીનો અવાજ સંભળાય તેની ચોકસાઈ રાખીશ. મેયરની ઓફિસને મહાન પ્રદાન કરવા બદલ વિદાય લેતા મારા મિત્ર અને સાથી કાઉન્સિલર મેયર પરવેઝનો હું આભાર માનું છું.’