લંડનઃ ભારત બહાર વિદેશમાં ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિનું સૌથી મોટું કેન્દ્ર ગણાતા ધ ભવન દ્વારા ગઈ તા. ૨૪ નવેમ્બરે પોર્ટમેન સ્ક્વેરમાં રેડિસન બ્લૂ હોટેલ ખાતે વાર્ષિક ફંડરેઈઝિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. સંસ્થાના ૩૦મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શિષ્યો અને ગુરુઓએ ભારતીય શાસ્ત્રીય કળાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ વર્ષના મુખ્ય મહેમાન પદેથી યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય. કે. સિંહાએ જણાવ્યું હતું કે ભવને યુવા પેઢી માટે પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાની મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. આ પ્રસંગે બ્રિટિશ એશિયન સમુદાયના મહાનુભાવો અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો બેરોનેસ ઉષા પ્રાશર, લોર્ડ સ્વરાજ પોલ અને લોર્ડ નવનીત ધોળકિયા સહિત ૩૦૦થી વધુ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.
ફંડરેઈઝિંગ પ્રવૃત્તિ દ્વારા દર વર્ષે ૪૦,૦૦૦ પાઉન્ડ અથવા તેથી વધુની રકમ એકત્ર થાય છે. ભારતની સમૃદ્ધ કળા અને સાંસ્કૃતિક વીરાસતના જતનને વરેલી ચેરિટીના સંચાલન માટે ફંડ એકત્ર કરવા માટેનો આ વાર્ષિક કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો છે. લંડનમાં વસતા સૌને આ વીરાસતનો લાભ સ્કૂલો તેમજ વર્ષ દરમિયાન યોજાતા કાર્યક્રમો દ્વારા મળે છે. વધુમાં તેનો ઉદ્દેશ ભવનના પેટ્રન, સભ્ય અને વિદ્યાર્થી બનવા માટે વધુ લોકોને આકર્ષવાનો છે.
સંસ્થાના ચેરમેન જોગીન્દર સાંગેરે જણાવ્યું હતું કે સમુદાયમાં સર્જનાત્મકતા, કળા અને મૂલ્યોનું સિંચન કરવા માટે ભવન સતત પ્રયત્નશીલ છે.
ડો. સુરેખા મહેતા આ વર્ષના અભિયાનના પ્રણેતા હતા અને તેમને ભવનના સ્ટાફ અને વોલન્ટિયર્સનો સુંદર સહકાર મળ્યો હતો.