ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલના કીડનીના દર્દીઅો માટે £૬,૦૦૦ એકત્ર કરાયા

Tuesday 26th April 2016 13:08 EDT
 
 

ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના કીડનીના દર્દીઅોના લાભાર્થે રિકમન્સવર્થ સ્થિત વોટર્સમીટ થિએટર ખાતે રવિવાર તા. ૨૪ એપ્રિલના રોજ એક મહેફીલ કાર્યક્રમનું આયોજન કરીને £૬,૦૦૦ એકત્ર કરાયા હતા. કર્મયોગા ફાઉન્ડેશને સંસ્થા દ્વારા જેટલી રકમ એકત્ર કરાશે તેટલી રકમનો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. જેથી ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા £૩,૦૦૦ની રકમ એકત્ર કરાતા કર્મયોગા ફાઉન્ડેશને પણ £૩,૦૦૦નો સહયોગ આપ્યો હતો.

એનએચએસ કિડની કેર દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ ઇંગ્લેન્ડમાં ક્રોનીક કીડનીના રોગોના કારણે સ્તન, ફેફસા, કોલોન અને ચામડીના કેન્સર કરતા પણ વધુ અસર કિડનીના રોગોને કારણે થાય છે.

ભાદરણ બંધુ સમાજ ચેરીટી ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મહેફીલ કાર્યક્રમમાં યુનાઇટેડ આર્ટીસ્ટ્સના કલાકારોએ જુના અને નવા ગીતો રજૂ કર્યા હતા અને સૌનું મનોરંજન કર્યું હતુું અને સ્વાદિષ્ટ ભોજનો લાભ લીધો હતો.

ભાદરણ બંધુ સમાજના પ્રમુખ શ્રીમતી નિરુપાબેન પટેલ તેમજ સમાજના ઉપપ્રમુખ શ્રી બિમલભાઇ પટેલે સમાજની પ્રવૃત્તિઅોનો આછો ખ્યાલ આપ્યો હતો. તેમણે સમાજના મૂંઝવતા પ્રશ્નો અને ખાસ કરીને સંતાનોના વિવાહ વિષેની મુંઝવણો અંગે વેદના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ શ્રીમતી નિરુપાબેન પટેલે જાહેરાત કરી હતી કે હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં દાન તરીકે જે પણ રકમ એકત્ર થશે તેટલી જ રકમ કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા આપવાની જાહેરાત કરાયેલ છે. સમાજના સદસ્યોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન £ ૩,૦૦૦નું દાન એકત્ર કર્યું હતું જેમાં કર્મયોગા ફાઉન્ડેશને બીજા £૩,૦૦૦નું દાન જોડ્યું હતું અને કુલ £૬,૦૦૦નો ચેક હેમરસ્મિથ હોસ્પિટલ કીડની પેશન્ટ્સ એસોસિએશનના હેડ નર્સ હરવિંદર કૌર ડુલકુને અર્પણ કરાયો હતો.

કર્મયોગા ફાઉન્ડેશન વતી ટ્રસ્ટી શ્રી કાન્તિભાઇ નાગડાએ ફાઉન્ડેશનની પ્રવૃત્તીઅોનો આછો ખ્યાલ આપી જણાવ્યું હતું કે 'જો સારા કામ માટે સમાજે આજે £૩૦,૦૦૦ એકઠા કર્યા હોત તો તેટલી જ રકમ આપવાની કર્મયોગા ફાઉન્ડેશનની તૈયારી હતી. ખેર સમાજે એક સારૂ કાર્ય કરેલ છે તે બદલ અમે સૌ સંસ્થાના અગ્રણીઅોને ધન્યવાદ પાઠવીએ છીએ.

નિરૂપાબેન પટેલે કાર્યક્રમમાં દાન આપવા બદલ કર્મયોગા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી કાન્તિભાઇ નાગડા અને અન્ય સૌ દાતાઅો તેમજ મહેફીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter