લંડનઃ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) અને પોલિટિકલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયન દ્વારા LSE ખાતે ‘વૈશ્વિક સ્તરે ભારતના વધતા પ્રભાવ’ વિષય હેઠળ ‘ઈન્ડિયા ફોરમ ૨૦૧૬’નું આયોજન કરાયું હતું. ખાસ કરીને ‘વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્ર’ તરીકે ભારતના સમાવેશ સહિત વૈશ્વિક ફલક પર ભારતના સ્થાનને સ્પર્શતા મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. ઈન્ડિયા ફોરમમાં ભારતની આર્થિક, રાજકીય અને ફિલ્મઉદ્યોગને સ્પર્શતી બાબતો અંગે ટોચના બિઝનેસમેન, રાજકારણીઓ અને ફિલ્મજગતની હસ્તીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
યસ બેંકના સ્થાપક અને સીઈઓ રાણા કપુરે જણાવ્યું હતું કે ભારતમાં એન્ટ્રેપ્રીન્યોરશિપને પ્રોત્સાહન આપવામાં નવી અને સૂઝબૂઝ સાથેની ઊર્જાનો સંચાર થયો છે.
રાજકીય પેનલમાં ‘મોદી સરકારે શાસક પક્ષ તરીકે તેના બે વર્ષમાં કઈ સિદ્ધિ મેળવી છે?’ વિષય પરની ચર્ચામાં ડો. સંબીત પાત્રા (ભાજપ), સચિન પાઈલોટ (કોંગ્રેસ) અને મનીષ સિસોદિયા (આમ આદમી પાર્ટી) જોડાયા હતા. ચર્ચાના વિષયોમાં ગુડસ એન્ડ સર્વિસીસ ટેક્સ બિલઃ તેની અર્થતંત્ર પર થનારી સારી-ખરાબ અસર, મેક ઈન ઈન્ડિયા અભિયાનઃ સફળ રહ્યું કે નિષ્ફળ?, સ્ટાર્ટ – અપ ઈન્ડિયા અભિયાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનો પર ખરૂં ઉતરશે?, બજેટની જાહેરાતો અને જેએનયુ ઘટનાનો સમાવેશ થતો હતો.
ફિલ્મજગતની પેનલમાં અનુપમા ચોપરા અને ‘બજરંગી ભાઈજાન’ના નિર્દેશક કબીર ખાને ભાગ લીધો હતો. ખાને રાજકીય બાબતોને અત્યંત ઝીણવટપૂર્વક કંડારતી ફિલ્મો કાબુલ એક્સપ્રેસ, ન્યૂયોર્ક, ફેન્ટમ અને બજરંગી ભાઈજાન વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. અનુપમા ચોપરા અને કબીર ખાન બોલીવૂડમાં લૈંગિક અસમાનતાના અસ્તિત્વ પર સહમત થયા હતા. ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દ્ર પોલે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.