લંડનઃ મા ચેરિટી ટ્રસ્ટ અને પરમ શક્તિપીઠ યુકેના આમંત્રણથી સાધ્વી ઋતંભરાજીએ પોતાના વ્યક્તિત્વ અને તત્વજ્ઞાનના પ્રતીકરૂપ ઊર્જા અને કરુણા સાથે બ્રિટિશ સાંસદો, કોમ્યુનિટીઓ, ઉપાસકમંડળના સભ્યો અને મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે ૯થી ૧૫ સપ્ટેમ્બર સુધી લંડનની મુલાકાત લીધી હતી. પાંચ દિવસ સુધી ઈસ્ટ લંડનના લેટનમાં નાગરેચા હોલમાં આયોજિત શ્રેણીબદ્ધ ઉપદેશોમાં અનુયાયીઓ તેમ જ સંસ્થાઓ અને કોમ્યુનિટીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતને દેવકીમા અને બ્રિટનને યશોદામા ગણાવી લોકોને બ્રિટન પ્રત્યે વફાદારી અને ભારત પ્રત્યે પૂજ્યભાવ રાખવાની શીખામણ આપી હતી.
દીદીમા સાધ્વી ઋતંભરાજીએ મહાભારત, ભગવદ ગીતા, ભાગવત મહાપુરાણ અને રામાયણના વિવિધ પાસાઓને સાંકળી તેમાંથી અંગત સંબંધો, વેપારી નીતિમતા અને સંચાલન સંબંધિત સંદેશાઓ વહેતા મૂક્યાં હતાં. તેમાં આંતરમંથન અને કાર્યના મહત્ત્વ પર ભાર રખાયો હતો. તેમણે કહ્યું હતું કે દરેક પાસે દિવ્ય શક્તિ છે અને પરમ શક્તિ યોગ દ્વારા આપણે તેને જગાવી તેના પર નિયંત્રણ મેળવી શકીએ છીએ. પ્રગતિ આવશ્યક છે અને ગતિશીલતાનો અભાવ ઠહેરી ગયેલા પાણી જેવો છે જેમાં દુર્ગંધ આવે છે અને સૂકાઈ જાય છે.
ઉપદેશકથામાં વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટ્સની પ્રવૃત્તિઓ વિશે વિડીઓ રજૂઆતોથી લોકોને માહિતી અપાઈ હતી. બાળકીને બચાવો પ્રોજેક્ટ દંપતીઓમાં જાગૃતિ લાવી બાળકીઓના મહત્ત્વ વિશે શિક્ષિત કરે છે. દીદીમાએ કહ્યું હતું કે ગત દાયકામાં ૧૦ લાખ સ્ત્રી ભ્રૂણહત્યા અને બાળકીહત્યાઓ કરાઈ હોવાના કારણે આ જાગૃતિ આવશ્યક છે. છોકરા-છોકરીઓને શોષણ, બાળમજૂરી અને વેશ્યાગીરીમાંથી બચાવવા તે પણ તેમના પ્રોજેક્ટ્સનો એક હિસ્સો છે. દીદીમાએ પોતાની આધ્યાત્મિકતા થકી બાળકીનો ગર્ભપાત નહિ કરાવાના કારણે પરિવારોથી તરછોડાયેલી અને શોષિત સ્ત્રીઓના મુદ્દે પણ જાગૃતિ સર્જી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે મા દુર્ગા દેવીસ્વરૂપે પૂજાય છે તેવી ભૂમિમાં સ્ત્રીઓ પર શા માટે અત્યાચાર ગુજારાય છે, સન્માન અપાતું નથી અને સમાજના દુષણોનો શિકાર બનાવાય છે.
એસેક્સના ચિગવેલ ખાતે મલ્ટિફેઈથ સુવિધા રાયડેલ કેર સેન્ટરની મુલાકાતે ગયેલાં દીદીમા ડોન બિશપ અને શુભપ્રભાબહેન સોલંકીની સાથે ત્યાંના નિવાસીઓને મળ્યાં હતાં. તેમણે કેર સેન્ટરમાં વૃદ્ધો અને અશક્તો સાથે પ્રેમ, ઉષ્મા અને અનુકંપાની ભાષામાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બીમાર અને વૃદ્ધજનોની સંવેદનાની જરૂરિયાત પરિપૂર્ણ થઈ શકે તેવા સમાજની સ્થાપનાના પ્રયાસો કરવા જોઈએ. કોમ્યુનિટીના વોલન્ટીઅર્સે આ કેર હોમના નિવાસીઓના હૃદયમાં ઉમંગનો સંચાર અને તેમના ચહેરા પર હાસ્ય લાવવામાં મદદ કરવી જોઈએ.
પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના ભવ્ય સેટિંગમાં ૧૪ સપ્ટેમ્બરની સાંજે સાધ્વી ઋતંભરાજીનાં પ્રવચનથી સંસદસભ્યો સ્ટીફન પાઉન્ડ, વિરેન્દ્ર શર્મા, બોબ બ્લેમાન તેમ જ કોર્પોરેટ, શિક્ષણ, યુકે આર્મ્ડ ફોર્સીસ, કોમ્યુનિટીઓ અને ધાર્મિક સંસ્થાઓના આમંત્રિત મહેમાનો સંમોહિત થઈ ગયા હતા. દીદીમા દ્વારા ઉત્તરાખંડમાં ૨૦૧૩ના પૂર અને નેપાળમાં ૨૦૧૫ના ભૂકંપગ્રસ્તો માટેના પુનર્વસન પ્રોજેક્ટ્સની હૃદયદ્રાવક વિઝ્યુઅલ રજૂઆત કરાઈ હતી. નેપાળી હિન્દુ ફોરમ, યુકેના રવિ જંગે નેપાળના ઘરબારવિહોણાં લોકોના પુનર્વસન માટેના જંગી મિશન બદલ દીદીમાનો આભાર માન્યો હતો.
દીદીમાએ પ્રવચનમાં વૈશ્વિક અનુરોધનો સંદેશો પાઠવતાં કહ્યું હતું કે તેમનું મૂળ વેદિક કાળથી જ્યાં ‘વસુધૈવ કુટુમ્બકમ’નું તત્વજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે તેવું ભારત છે. આપણે માત્ર આપણા માટે જ નહિ, બીજા માટે પણ જીવવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સંતોષ મળે છે. તેઓ ધર્મ, વર્ણ, જાતિ કે પંથને ધ્યાનમાં લીધા વિના તમામમાં ઈશ્વરને નિહાળે છે. તેમણે વાત્સલ્યગ્રામ પ્રોજેક્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વાત્સલ્યગ્રામના દરવાજે છોડી જવાતાં કોઈ પણ બાળકનો ઉછેર કૌટુંબિક વાતાવરણમાં જ થાય છે. તે અનાથાશ્રમ નથી. બાળકની માતા બનવાનું અને ગ્રાન્ડચાઈલ્ડને વાર્તાઓ કહેવાનું દાદીનું સ્વપ્ન અહીં પૂર્ણ થાય છે.
સાંજના સ્પોન્સર સ્ટીફન પાઉન્ડ તેમ જ બોબ બ્લેકમાન અને વિરેન્દ્ર શર્માએ સુખી પ્રગતિશીલ સમાજ માટે સેવા જ અનિવાર્ય પાયો હોવાનું જણાવ્યું હતું.