એડિનબરાઃ ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર પર અન્ય નામથી પરિચય આપી સ્ટુડન્ટ નર્સને લલચાવી હોટેલના રૂમમાં તેની પર બળાત્કાર આચરવાના આરોપમાં એડિનબરાના ભારતીય મૂળના 39 વર્ષીય GP ડોકટર માનેશ ગિલને એડિનબરા હાઈ કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. ગયા મહિને હાઈ કોર્ટની જ્યૂરીએ પરિણીત ડોકટર માનેશને કસૂરવાર ઠરાવ્યા હતા. તેને અચોક્કસ મુદત સુધી સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટર પર મૂકાયો હતો.
બળાત્કારનો શિકાર બનેલી મહિલાએ જણાવ્યું હતું કે ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર પર પોતાને ‘માઇક’ તરીકે ઓળખાવતા ભારતીય મૂળના ડોક્ટર માનેશ ગિલ સાથે તેનો સંપર્ક થયો હતો. હાલ 23 વર્ષની મહિલાએ જણાવ્યું હતું કે હોટલમાં મળતા પહેલા આશરે છ સપ્તાહ સુધી સ્નેપચેટ મારફત એકબીજા સાથે સંદેશાવ્યવહાર ચાલ્યો હતો. મિત્રતા બંધાયા પછી ડોક્ટરે તેને 2018ની 8 ડિસેમ્બરે સ્ટર્લિંગની હોટલમાં મળવા બોલાવી હતી અને તેના પર સેક્સ એટેક કર્યો હતો. હોટેલના બાથરૂમનો ઉપયોગ કર્યા પછી મહિલા બહાર આવી ત્યારે તેણે જોયું કે ગિલે તેના માટે ડ્રિન્ક તૈયાર કર્યું હતું જે ખરેખર સ્ટ્રોંગ હતું. ગિલે મહિલાના પીણામાં કશું ભેળવ્યું હોવાનો આક્ષેપ પણ લગાવાયો હતો જોકે, કોર્ટે તે ફગાવી દીધો હતો.
એડિનબરામાં રહેતા ત્રણ બાળકોના પિતા ડોક્ટર માનેશ ગિલના કહેવા પ્રમાણે, તેમણે કોઈ પણ પ્રકારની બળજબરી કરી ન હતી અને. બંનેની સંમતિથી તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે, મહિલા ઈનકાર કરવાની હાલતમાં ન હોવાથી તેણે સેક્સ ક્રાઈમ કર્યો હોવા બાબતે જ્યુરીએ સર્વસંમતિથી તેને દોષિત ઠરાવ્યો હતો.જજ લોર્ડ ટાયરે જણાવ્યું હતું કે અપરાધની ગંભીરતાને જોતા કસ્ટોડિયલ સેન્ટન્સ જ યોગ્ય ગણાશે તેમાં કોઈ શંકા નથી.