લંડનઃ ચોરોની એક ટોળકીએ અત્યંત ચાલાકીપૂર્વક ષડયંત્ર બનાવી ૧૦ જુલાઇએ ભારતીય જ્વેલરી શોપના એક શો રૂમમાંથી ૧.૮ મિલિયન પાઉન્ડની કિંમતના ઘરેણાં, ડાયમન્ડ અને અન્ય દાગીનાની ચોરી કરી હતી. સ્કોટલેન્ડ યાર્ડે ઈસ્ટ લંડનસ્થિત આ શો રૂમના સીસીટીવી ફુટેજ અને ચોરી કરી રહેલા ચોરોના ફુટેજ જારી કર્યા હતા. મૂળ કેરળની આ જ્વેલરી શોપ ભારતીય શૈલીના ઘરેણાં વેચતી જુજ કંપનીઓ પૈકીની એક છે
ચોરોએ દુકાનની એક દિવાલમાં બાકોરું કરી તેમાં ઘુસી ભારતીય શૈલીના ઘરેણાં, સોનું અને હીરા, નેકલેસ, બ્રેસલેટ, પેન્ડન્ટ્સ અને ઇયરરિંગ ચોર્યા હતા. ડિટેકટિવ ચીફ ઇન્સપેકટર એન્ડી પાલેને કહ્યું હતું કે,‘ એક જ્વેલરી શોપમાં કરેલી ચોરી માટે ચોરોએ ખુબ જ સિફતપૂર્વક ષડયંત્ર ઘડ્યું હતું અને ૧૮ લાખ પાઉન્ડના ઘરેણાં તેમજ હીરા ચોરી ગયા હતા. ચોરોને આ કામ કરવા માત્ર ૨૦ લાગી હોવાનું અમે માનીએ છીએ.’ પોલીસે જે કોઈએ ચોરોને ચોરી કરતા નિહાળ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા જાહેર પ્રજાને અપીલ કરી હતી.
સ્ટોરના કર્મચારીઓ કામ કરવા આવ્યા ત્યારે સ્ટોરની હાલત જોઇ તેમણે પોલીસે જાણ કરી હતી. ચોરોએ હાથ સાફ કર્યો તેની થોડી મિનિટો પહેલાં અનેક લોકો કલાકો સુધી એ જગ્યાએ ફરતા જોવા મળ્યા હતા. ત્રણ ચોરે વહેલી સવારે હથોડા અને કટરથી પાછળની બાજુએ દીવાલમાં બાકોરું પાડયું હતું અને આઠ ચોર દુકાનમાં ઘુસી ગયા હતા. ચોરી કર્યા પછી ચોર બાકોરામાંથી જ બહાર નીકળી પાસેની એક દિવાલ પર ચઢીને ભાગી ગયા હતા. તેમના ત્રણ સાથી રવિવારે સાંજના પાંચ વાગ્યાથી રેકી કરી રહ્યા હતા અને ચોરી કર્યા પછી સાથીઓ સાથે ભાગી ગયા હતા. હાથમોજાં પહેરેલા ચોરોએ પોતાના ચહેરા છુપાવી રાખ્યા હતા.