લેસ્ટરઃ ભારતીય સ્વાદિષ્ટ વાનગીઓ સંદર્ભે યુકેના પ્રેમ બાબતે નિયંત્રણકારી ચકાસણી થકી કેટલાક તેજાના મસાલાને બજારમાંથી ફેંકાઈ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોક્કસ ભારતીય તેજાનાની આયાત પર તાજેતરના પ્રતિબંધો અને વધેલી તપાસના પરિણામે મોટા પાયા પરના સપ્લાયર્સથી માંડી સ્વતંત્ર રિટેઈલર્સ સહિતના બિઝનેસીસ ગ્રાહકો માટે સ્વાદ અને સોડમ જાળવી રાખવાની સાથોસાથ નિયમોના અમલને અનુસરવાની મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે.
યુકેની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) એ 2024ની શરૂઆતમાં પેસ્ટિસાઈડ્સના અવશેષો રહી જવાની ચિંતાના મુદ્દે ભારતીય તેજાનાની આયાત પર કેટલાક વધારાના નિયંત્રણો લાદ્યાં હતાં. આ નિયંત્રણો ગ્રાહકોને સુરક્ષા આપવાના ઈરાદાસર હતા પરંતુ, તેનાથી બિઝનેસીસ માટે વધુ મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી. તેજાનાના કેટલાંક શિપમેન્ટ્સ પોર્ટ્સ પર અટકાવી દેવાયા છે અથવા રિજેક્ટ કરી દેવાયા છે જેનાથી સપ્લાયર્સ અને રિટેઈલર્સ સમક્ષ અણધાર્યા પડકારો સર્જાયા છે.
આ સંદર્ભે 18 માર્ચ 2025ના દિવસે 11.00 AMથી 13.00 PM કલાક દરમિયાન ‘Ensuring Spice Quality and Compliance: A Growing Concern for UK Consumers and Retailers’ મુદ્દે ફ્રી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. યુકેમાં વિરાણી ફૂડ પ્રોડક્ટ્સના ડાયરેક્ટર અને વેબિનારના ચાવીરૂપ કન્ટ્રીબ્યુટર મિલનભાઈ શાહે જણાવ્યું હતું કે,‘યુકેમાં તેજાનાની આયાત પ્રમાણમાં સીધીસાદી પ્રક્રિયા છે પરંતુ, ઉભાં થઈ શકે તેવા વિવિધ જોખમોનો સામનો કરવા વિસ્તૃત અને ચોકસાઈપૂર્વક ધ્યાન આપવું આવશ્યક છે. આ વેબિનાર કોન્ટ્રાક્ટ સંબંધિત અને વૈધાનિક અમલ સામેના પડકારોને જાણવાની આવકાર્ય તક ઓફર કરે છે.’ વેબિનારમાં ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો, રેગ્યુલેટરી એક્સપર્ટ્સ અને ચાવીરૂપ હિસ્સેદારો સ્પાઈસીસ ઈમ્પોર્ટ્સ, અમલની વ્યૂહરચનાઓ તથા બિઝનેસીસ અને ગ્રાહકો પર તેની અસરો વિશે ચર્ચામાં જોડાશે.
યુકેમાં ભારતીય તેજાના-મસાલાની ભારે માગ છે અને વર્ષ 2022માં ભારતમાંથી તેની આયાત લગભગ 23 મિલિયન ડોલરના મૂલ્યની રહી હતી. સ્થાનિક રિટેઈલર્સ માટે આ ફેરફારો વધલા ખર્ચ અને સંભવિત અછતનો સામનો કરવાની બાબત છે જ્યારે ગ્રાહકોને પણ લોકપ્રિય ભારતીય વાનગીઓ મળવા તથા ભાવવધારાની અસરનો સામનો કરવો પડી શકે છે. રેસ્ટારાં કિચન્સથી માંડી ઘરની રસોઈમાં આ ઉત્પાદનો આવશ્યક બની રહ્યાં છે.