લંડનઃ એસેક્સના એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટના સૌથી વધુ વસ્તી ધરાવતાં લાઉટન નગરમાં ભારતીય મૂળના કાઉન્સિલર ફિલિપ અબ્રાહમને મેયરપદે ચૂંટવામાં આવ્યા છે. ગત એક વર્ષથી ડેપ્યુટી મેયરના પદે સેવા આપતા અબ્રાહમે પૂર્વ મેયર કેરોલ ડેવિસ પાસેથી કાર્યભાર સંભાળી લીધો હતો. પરિણામો પછી બોલતા અબ્રાહમે જણાવ્યું હતું કે,‘મેયર તરીકે ચૂંટાયાથી હું ભારે રોમાંચ અનુભવું છું. મેયર તરીકે કોમ્યુનિટીની સેવા કરવાની તક મળવા બદલ હું મારી જાતને ગૌરવશાળી માની રહ્યો છું.’
એલ્ડરટન વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા અબ્રાહમ સૌ પહેલા ૨૦૧૨માં કાઉન્સિલમાં ચૂંટાયા હતા અને ૨૦૧૬માં તેનું પુનરાવર્તન થયું હતું. બિનરાજકીય સ્થાનિક સંસ્થા લાઉટન રેસિડેન્ટ્સ એસોસિયેશનનું સમર્થન અબ્રાહમને પ્રાપ્ત થયું હતું. કેરળમાં જન્મેલા અબ્રાહમ સમગ્ર યુકેની અન્ય ભારતીય કોમ્યુનિટીઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ યુકે-કેરાલા બિઝનેસ ફોરમના સ્થાપક અને બ્રિટિશ સાઉથ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ કોમર્સના સહ-સ્થાપક છે. તેઓ ગત ૨૨૫ વર્ષથી લંડનમાંથી પ્રકાશિત કરાતા ન્યૂઝપેપર કેરાલા લિન્ક્સની માલિકી ધરાવે છે.
નાગરિક પ્રસંગો તેમજ ટાઉનની શાળાઓ, ક્લબો, તેમજ અન્ય કોમ્યુનિટી અને ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં મેયર પોતાના નગરનું પ્રતિનિધિત્વ કરશે.