બર્મિંગહામઃ વેસ્ટ મીડલેન્ડ્સના નોલમાં આવેલી એવોર્ડવિજેતા ભારતીય રેસ્ટોરાં ‘ઈલોરા’ એ નેશનલ ચેરિટી મેકમિલન કેન્સર સપોર્ટને ૧૨,૬૧૦ પાઉન્ડનું દાન આપ્યું હતું. ૧૯૬૮માં સ્થપાયેલી ઈલોરા રેસ્ટોરાંના સ્ટાફ દ્વારા મેકમિલનના સાઉથ બર્મિંગહામ અને સોલિહલના ફંડરેઈઝિંગ મેનેજર સામ ગ્રેટ્રેક્સને આ ચેક અર્પણ કરાયો હતો.
ગ્રેટ્રેક્સે જણાવ્યું હતું,‘ આ દાન બદલ અમે ખૂબ આભારી છીએ. અમને આ રકમ કેન્સરના દર્દીઓ તથા તેમના પરિવારોને મદદ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. ઈલોરાના મેનેજર મેશ હકીમે જણાવ્યું હતું કે ‘વફાદારી અને નિખાલસતાથી અમને સતત પ્રેરિત કરતા રહેલા સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા બદલ અમને ખૂબ ગૌરવ અને સંતોષની લાગણી થાય છે.’
હકીમે ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલા ઈલોરાના બોલિવુડ થીમ આધારિત ફંડ રેઈઝરમાં મદદ કરવા માટે બાર્ક્લેઝ બેંકની સિટીઝનશિપ ટીમનો આભાર માન્યો હતો. તે સમયે ઉપસ્થિત રહેલા સોલિહલના મેયર માઈક રોબિન્સન અને તેમના પત્ની જેની રોબિન્સને ફેબ્રુઆરી, ૨૦૧૦માં સર્વાઈકલ કેન્સરને લીધે તેમની ૩૬ વર્ષીય પુત્રી એમ્મા વોકરને કેવી રીતે ગુમાવી તેની વાત કરી હતી.