વડતાલઃ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં ભારત સરકાર દ્વારા વિમોચિત ચાંદીનો સિક્કો અને સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ મહોત્સવના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અને વિકસિત ભારતની રચનામાં યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે દેશના યુવાનોને સશક્ત અને શિક્ષિત બની નવા ભારતના નિર્માણ માટે આગળ આવવું જોઈએ. વિકાસ અને વિરાસતના સમન્વયની મહત્તા પર ભાર મૂકતાં વડાપ્રધાને અયોધ્યા, સોમનાથ અને મોઢેરા મંદિરના જીર્ણોદ્ધાર તથા વડતાલ ધામના અક્ષરભુવન મ્યુઝિયમ દ્વારા વારસાનું જતન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અને જ્ઞાન જીવનદાસજી મહારાજ સહિત અનેક સંતો-મહંતો, હરિભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવની સ્મૃતિમાં રૂ. 200નો ચાંદીનો સિક્કો
દ્વિશતાબ્દી મહોત્સવ સમયે ભારત સરકારે ખાસ બહાર પાડેલા 200 રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કરાયું છે. 44 ગ્રામનો આ સિક્કો છે, ગોલ્ડ પ્લેટિંગ છે, ચાંદીના સિક્કાનું મહોત્સવના મુખ્ય સભામંડપમાં લોકાર્પણ થયું હતું. શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથેના આ સિક્કાનું અનાવરણ થતાં હરિભક્તોએ તાળીઓ સાથે વધાવી લીધું હતું.
આ અંગે સંત સ્વામીએ કહ્યું હતું કે 200 રૂપિયાનો સિક્કો શુદ્ધ ચાંદીનો છે, જેનું વજન 44 ગ્રામ છે. એનો વ્યાસ 44 એમએમ છે. એક બાજુ ભારતની રાજમુદ્રાની નિશાની તો બીજી તરફ વડતાલ મંદિર છે.
સિક્કા પર દ્વિશતાબ્દી મહોત્સવનો ઉલ્લેખ છે. આ સિક્કાને અમે સરકાર તરફથી વડતાલ મંદિર પ્રત્યેની લાગણી અને ભેટ ગણીએ છીએ. અને તેનો સંગ્રહ કરીશું, જે દાતાઓ છે તેમને અમે ભેટસ્વરૂપે આપીશું.