લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે 15 જૂન 2024ના દિવસે સાંજના 17.00 કલાકથી રાત્રિના 21.00 કલાક સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઈવેન્ટને લંડનના મેયર દ્વારા સપોર્ટ પ્રાપ્ત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરાના તમામ ક્ષેત્રોના સભ્યો તેમજ બ્રિટિશ સમાજના અગ્રણી સભ્યો પણ પણ ઉપસ્થિત રહેશે.
યોગ દિવસની ઉજવણી ઈવેન્ટમાં ભારતીય હાઈ કમિશનર અને ચીફ ગેસ્ટ ટુંકા સંબોધનો કરશે. આ પછી, અગ્રણી યોગ સંસ્થાઓના ઈન્સ્ટ્રક્ટર્સ યોગાભ્યાસને દર્શાવશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024નું થીમ ‘સ્ત્રી સશક્તિકરણ માટે યોગ (Yoga for Women Empowerment)’ રહેશે. યોગ દિવસની ઉજવણીનો હેતુ યોગની સમગ્રતયા પ્રકૃતિ વિશે જાગરુકતા ફેલાવવા તેમજ તેના પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લાભ થતો હોવાથી લોકો રોજિંદા જીવનમાં તેને સ્થાન આપે તેનું ઉત્તેજન આપવાનો છે.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન સહુ કોઈને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. યોગ એ ભારત દ્વારા માનવતાને કરાયેલું અનોખું યોગદાન છે ત્યારે ભારતીય ડાયસ્પોરાના સભ્યો ઉત્સાહ સાથે આ ઈવેન્ટમાં હાજરી આપે તે પ્રસંગને દીપાવશે.