લંડનઃ યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા આવેલા નવા ભારતીય વિદ્યાર્થીઓ માટે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા દેશમાં અભ્યાસયાત્રા શરૂ કરતી વેળાએ તેમને એકબીજા સાથે સંપર્ક અને નેટવર્કિંગનું પ્લેટફોર્મ મળ્યું હતું.
ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ વિદ્યાર્થીઓ સાથે અંગત વાતચીતો કરી હતી તેમજ ઉષ્માપૂર્ણ, પ્રોત્સાહક સંબોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક તકોનો સૌથી સારો લાભ મેળવવાના મહત્ત્વ વિશે જણાવ્યું હતું અને યુકેમાં જીવન સાથે અનુકૂલન સાધવા વિશે અમૂલ્ય સલાહ પણ આપી હતી. હાઈ કમિશનરે ભારતીય સંસ્કૃતિ અને પ્રતિભાના એમ્બેસેડર્સ તરીકે ભારતીય વિદ્યાર્થીઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. નવા વાતાવરણ સાથે જોડાવાની સાથોસાથ તેમના મૂળિયા સાથે પણ સંકળાયેલા રહેવાનું પ્રોત્સાહન આપ્યું હતું.
આ ઈવેન્ટ વિદ્યાર્થીઓને હાઈ કમિશનની સેવાઓથી પરિચિત કરવાનો પણ બની રહ્યો હતો. યુકેમાં રોકાણ દરમિયાન કોઈ પણ મુદ્દાઓનો સામનો કરવાનો થાય ત્યારે હાઈ કમિશનનો સપોર્ટ હંમેશાં મળી રહેશે તેવી હૈયાધારણ પણ વિદ્યાર્થીઓને અપાઈ હતી. વિદ્યાર્થીઓને અરસપરસ અનુભવો શેર કરવાની તક સાંપડી હતી.
યુકેની શૈક્ષણિક સંસ્થાઓમાંથી આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન રોહન જોશીને પણ આમંત્રણ આપ્યું હતું જેમણે વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કેવી રીતે મેળવવી, માનસિક આરોગ્યના મુદ્દાઓ સહિત અનેક બાબતો શીખવી હતી.