લંડનઃ ઇન્ડિયન પાર્ટનરશિપ ફોરમ (IPF) દ્વારા પાંચમી જુલાઇએ લંડન સ્થિત તાજ હોટેલ ખાતે હરિશ મહેતાના પુસ્તક ‘મેવેરિક ઇફેક્ટ’નું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વિમોચન હાથ ધરાયું હતું. આ પુસ્તકને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આઇપીએફના અધ્યક્ષ ડો. મોહન કૌલની અધ્યક્ષતામાં ટેક મહિન્દ્રાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર સી પી ગુરનામી, ડિલિજેન્ટાના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ફિરોઝ વાન્દ્રેવાલા, હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન દીપક પારેખ અને ઇન્વેસ્ટ ઇન્ડિયાના ચેકમેન દીપક બાગ્લાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ડો. કૌલે જણાવ્યું હતું કે, વિશ્વના વિવિધ દેશોના નાગરિકો જ્યાં આવીને એકબીજાની સાથે ભળી જાય છે તેવા લંડન શહેર માટે એવું લાગી રહ્યું છે કે મેવેરિક ઇફેક્ટ્સમાં વર્ણવાયેલી કહાણીઓ અને સંદેશો વિજયવંત રીતે ઘોષણા કરે છે કે ભારતની હવે અવગણના કરી શકાય તેમ નથી. હવે આપણે બધા સ્વીકારીએ છીએ કે આપણે એકસમયે જેને જાણતા હતા તે ભારત દેશ આજે ધરમૂળથી બદલાઇ ગયો છે. ભારતના આઇટી ઉદ્યોગે આ બદલાવનો માર્ગ તૈયાર કરવામાં મદદ કરી છે અને નાસકોમ તથા તેના અદ્વિતિય મૂલ્યોએ વિશ્વે ક્યારેય જોયો નહીં હોય તેવો ઔદ્યોગિક સહકાર સાધ્યો છે. ભારત હવે એક અટકાવી ન શકાય તેવો ગ્રોથ એન્જિન બની ચૂક્યો છે જે ટેક સ્ટાર્ટ અપ્સ, ટેક સર્વિસિઝ અને યુપીઆઇ તથા આધાર જેવા ડિજિટલ પબ્લિક ગૂડ્સથી સજ્જ થઇ ગયો છે.
ઓનવર્ડ ટેકનોલોજી લિમિટેડના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન હરીશ મહેતાએ જણાવ્યું હતું કે, નાસકોમ અને આપણા ઉદ્યોગોએ મેળવેલી સિદ્ધિઓથી અભિભૂત થયેલા ભારતીય મૂળના લોકોને જોઇને મને આશ્ચર્ય થાય છે. ભારતના અંધકારમય ઇતિહાસમાં હવે એક ભવ્ય પ્રકરણ ઉમેરાયું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયો મારી પાસે આવીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે ત્યારે મને ભારતીય હોવાનું ગૌરવ થાય છે.