લંડનઃ કેન્ટમાં સંખ્યાબંધ પ્રોપર્ટી ધરાવતા ૬૯ વર્ષીય બ્રિટિશ મકાનમાલિક ફર્ગસ વિલ્સને ભારતીયો અને પાકિસ્તાનીઓને મકાન ભાડે ન આપવામાં ભેદભાવ રાખવાના મુદ્દે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. બ્રિટનમાં મોટા પાયે મકાનો ભાડે આપતા મકાનમાલિકોમાં વિલ્સન એક છે. વિલ્સનની દલીલ એવી છે કે ભારતીયો અને પાકિસ્તાનીઓ મકાનમાં મસાલેદાર ખોરાક-કરી રાંધે છે, જેના કારણે ખરાબ વાસ આવે છે. આના પરિણામે તે પ્રોપર્ટીઝ વેચી શકતો નથી.
સાઉથ ઈંગ્લેન્ડમાં ૧,૦૦૦ જેયલા મકાનોની માલિકી ધરાવતા વિલ્સને પોતાના એજન્ટોને ભારતીયો અને પાકિસ્તાની લોકોને મકાન ભાડે નહિ આપવાની સૂચના આપી રાખી છે. ધ ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશને સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં મનાઈહુકમ માટે અરજી કરી છે. પ્રેસ એસોસિયેશનને પ્રાપ્ત માહિતી અનુસાર વિલ્સન તેની પ્રોપર્ટીઝ સિંગલ પેરન્ટ્સ, માર ખાધેલી પત્નીઓ તેમજ ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો ધરાવનારને પોતાનો મકાનો ભાડે આપતો નથી. જે લોકો ભાડું ચુકવી શકે તેમ ન હોય તેમને મકાન ભાડે ન આપવાનું પગલું માત્ર આર્થિક કારણસર જ છે.
તેનું કહેવું છે કે એશિયનોની ખોરાક રાંધવાની પદ્ધતિથી ઘરમાં ગંદકી ફેલાય છે, જેનાથી કારપેટ્સ બદલવી પડે છે. કોઈ પણ ભારતીય કે પાકિસ્તાની ગત પાંચ વર્ષમાં તેની પાસે મકાન ભાડે લેવા આવ્યા નથી. વિલ્સન કહે છે કે લોકોનાં જાતિ, રંગ અથવા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લઈને તે ભેદભાવ રાખતો નથી પરંતુ, તેમના રાંધેલા ખોરાકની ગંધને કારણે તેણે આવો વિચિત્ર નિર્ણય કર્યો છે.