લંડનઃ આર્કટિક સર્કલમાં ૨૦૧૬માં ભારતનો તિરંગો લહેરાવનારા પ્રથમ ભારતીય મહિલ ભારુલતા કાંબલેએ આ વર્ષે ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ગ્રેટ બ્રિટનના છેડાના બે વિસ્તારો ( સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ અને નોર્થઈસ્ટ જહોન ઓ ગ્રોટ્સ) વચ્ચેનો સોલો કાર પ્રવાસ કરીને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેઓ આ રૂટ પર સોલો કાર પ્રવાસ કરનારા પ્રથમ મહિલા બન્યાં હતાં.
તેમણે આ પ્રવાસ લેન્ડ્સ એન્ડ અને નોર્થઈસ્ટ જહોન ઓ ગ્રોટ્સમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની સાથે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન તેમજ મહિલા સશક્તિકરણનો સંદેશો લોકો સુધી પહોંચાડવા હાથ ધર્યો હતો.
૧૫મી ઓગસ્ટે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, વેમ્બલીથી નીકળીને ૫૫૦ કિ.મી.નું અંતર કાપીને તેઓ લેન્ડ્સ એન્ડ પહોંચ્યા હતા અને ત્યાં તિરંગો ફરકાવ્યો હતો. તા.૧૬ મીએ ત્યાંથી નીકળીને ૧૪૦૦ કિ.મી.નું અંતર કાપ્યા પછી બીજા દિવસે જહોન ઓ ગ્રોટ્સ પહોંચેલા કાંબલેએ ત્યાં પણ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ બન્ને સ્થળોએ પ્રથમ વખત ભારતનો ધ્વજ ફરક્યો હતો.
પ્રવાસ દરમિયાન તેમણે કન્યાઓ માટેના અનાથાશ્રમનું સંચાલન કરતી સંસ્થા હંસરાજ ચીલ્ડ્રન હોમ માટે ફંડ રેઈઝિંગ પણ કર્યું હતું.