લંડનઃ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે લેન્ડમાર્ક ચુકાદામાં નીચલા વર્ણની ભારતીય ઘરનોકર પ્રેમિલા તિર્કેને £૧૮૩,૭૭૩નું વળતર ચુકવવા પૂર્વ નોકરીદાતાઓ અને બ્રિટિશ ભારતીય અજય અને પૂજા ચંડોકને આદેશ કર્યો છે. પ્રેમિલા પાસેથી દિવસના ૧૮ કલાક કામ લેવાતું હતું અને કલાકદીઠ માત્ર ૧૧ પેન્સ મહેનતાણુ ચુકવાતું હતું. નીચલા કે દલિત વર્ગના ભારતીયોને રક્ષણ આપતાં જાતિ ભેદભાવ કાયદા અન્વયે આ સીમાચિહ્ન ચુકાદો છે.
પ્રેમિલા તિર્કે તરફથી ‘એન્ટિ ટ્રાફિકિંગ એન્ડ લેબર એક્સ્પેલોઈટેશન યુનિટ’ ચેરિટીના વકીલોએ કેમ્બ્રિજ ખાતે ટ્રિબ્યુનલની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે મિલ્ટન કિન્સના ધનવાન રહેવાસી ચંડોક દંપતી ૨૦૦૮માં બિહારથી પ્રેમિલાને ઘરનોકર તરીકે લાવ્યા હતા. તેને તેના પરિવાર સાથે સંપર્ક રાખવા કે પોતાનું બાઈબલ સાથે લાવવાની પણ મનાઈ કરી હતી. પ્રેમિલા પાસે સપ્તાહના સાતેય દિવસ કામ લેવાતું હતું અને તેને સાદડી પર સુવાની ફરજ પડાતી હતી. પ્રેમિલા તિર્કે જોડિયા બાળકોની સંભાળ રાખવા ઉપરાંત, રસોઈ અને સફાઈ સહિત અન્ય ઘરકામ પણ કરતી હતી.
પ્રેમિલાએ ચાર વર્ષ સુધી આવો અત્યાચાર સહન કર્યા પછી ૨૦૧૩માં નોકરી છોડી હતી અને ચંડોક દંપતી સામે કાનૂની કાર્યવાહી કરી હતી. પ્રેમિલાએ જણાવ્યું હતું કે,‘મારી સાથે જે થયું તે અન્ય લોકો સાથે ન થાય તે હું લોકોને જણાવવાં ઈચ્છું છું. મારી જિંદગી એટલી ખરાબ હતી કે હું હસી પણ શકતી ન હતી. હવે હું આઝાદ છું અને ફરી હસી શકીશ.’ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે પ્રેમિલા ગેરકાયદે કનડગત અને પરોક્ષ ધાર્મિક ભેદભાવનો શિકાર બની છે. તેને રાષ્ટ્રીય લઘુતન વેતન હેઠળ જે નાણા મળવાં જોઈએ તેને સરભર કરવા પૂર્વ એમ્પ્લોયર ચંડોક દંપતીએ £૧૮૩,૭૭૩નું વળતર ચુકવવું પડશે. ઈમિગ્રેશન નિયમો સાથે છેડછાડ કરવા ચંડોક દંપતીએ પ્રેમિલા તેમની સાથે અગાઉથી કામ કરતી હોવાનો વાત પણ ઉપજાવી કાઢી હતી. દંપતીએ દાવો કર્યો હતો કે પ્રેમિલા પાસે દિવસના પાંચથી છ કલાક જ કામ લેવાતું હતું અને સપ્તાહમાં એક-બે દિવસ રજા પણ અપાતી હતી.
પૂજા ચંડોકનો જન્મ ભારતમાં અફઘાન હિન્દુ પરિવારમાં થયો હતો અને તે ૨૦૦૫થી બ્રિટિશ નાગરિક છે. અજય ચંડોક અફઘાનિસ્તાનમાં જન્મેલા હિન્દુ છે અને ૧૯૯૯થી બ્રિટનમાં રહે છે. તેમના માતાપિતાએ ૧૯૮૫માં અફઘાન યુદ્ધના નિર્વાસિત તરીકે બ્રિટનમાં આશ્રય મેળવ્યો હતો. જોકે, અજય ચંડોક જર્મન નાગરિક છે.