'ગુજરાત સમાચાર' તારા ગુણલાં તે કેમ ગાઈએ મનમાં પુલકિત થઈએ
નવલાં છે રૂપ તારાં અને અનેરાં છે ગુણ તારા
હર સપ્તાહે મલપતું આવે આનંદની લહેરખી લાવે
ગુજરાત સમાચારની વણઝાર કદી ના અટકે
આકાશમાં જેમ તારલા ચમકે
અંતરની એજ અભિલાષા, પ્રભુ પૂર્ણ કરો અમ આશા.
સૌ સાથે મળીને કરીએ ગમતાંનો ગુલાલ, કોકિલાબહેન મજા આવી. તમને ખૂબ જ ધન્યવાદ. આમ જ ગુલાલ ઊડતો રહે એવી પ્રાર્થના.
'શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંધી' વિષ્ણુ પંડ્યાનો લેખ વાંચ્યો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે.
ડો. હરિ દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવિન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાર્થના થતી. આજે ૮૩ વર્ષે યાદ કરું છું અને ગાઈ લઉં છું.
જીવંત પંથ કેમ ભૂલીએ? 'પહેલું સુખ તે જાતે નર્યાં'. ખૂબ જાણવાનું અને વાંચકોને શીખવાનું મળ્યું તે બદલ આભાર. કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. હાક મારતો જા. મદદ તૈયાર. ભાઈ તમે ખૂબ મદદ કરો છો. ખરેખર ચાલતો રહેશે, ચાલતો રહેજે ખરું ને? ચિંતાથી ચતુરાઈ ઘટે, એવા ખૂબ જ મુદ્દા તમે જણાવ્યા છે. સ્વસ્થ જીવનનું અનુસરણ આપણા હાથમાં છે. સાચી વાત છે. સૌએ સમજવાનું છે. મને લાગે છે કે આ તમારા લખ્યા મુજબ અનુકરણ કરીને ચાલીશ તો હું ૮૩ વર્ષ પૂરાં કર્યાં પછી પણ એક દાયકો વધુ વટાવીશ અને તે પણ તકલીફ વગર ચાલતી રહીશ. તો સીબી ભાઈ, તમને ખૂબ જ અભિનંદન અને સૌ વાંચકો તરફથી પણ આભાર.
તમારું 'કર્મ યોગ હાઉસ' સદા ખીલતું રહે, આબાદ રહે અને સુખી રહો, ખુશ રહો અને 'ગુજરાત સમાચાર'માં ઝળકતા રહો એવા વડીલોના આશીર્વાદ.
- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ
ઈ-ટુરિસ્ટ વિઝા
આપણાં 'ગુજરાત સમાચાર'માં તા. ૧૫મી ઓગસ્ટના અંકના પ્રથમ પાને બ્રિટીશ નાગરીકો સહિત વિવિધ દેશોના નાગરીકોને ભારતમાં પ્રવાસ માટે ઇ-ટુરિસ્ટ વિઝાની સવલત મળી છે તે ખુબજ ગર્વની બાબત છે. ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી ભારતના વડા પ્રધાન તરીકે આવ્યા છે ત્યારથી ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને ખુબજ અનુકુળ રહે અને લાભ થાય તેવી અનેક યોજનાઅો બનાવીને ભારતની નીતિરીતીમાં સુધારો લાવી રહ્યા છે.
આજ દિન સુધીમાં હજારો નકમા કાયદાઓને નાબુદ કરીને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને રાહત લાવી રહ્યા છે. તેમાનું આ ઈ-ટુરીસ્ટ વિઝા છે. યાદ કરો થોડા વર્ષો પહેલા જ્યારે આપણે યુકે ખાતે આવેલી ભારતીય હાઇ કમિશનની અોફિસે વિઝા લેવા જવું પડતું ત્યારે કેવી તકલીફ પડતી હતી. વિઝા માટેનો સમય ખુબજ ઓછો હતો, સવારના ૬ વાગે લાઇનમાં ઉભા રહેવું પડતું અને બપોરે ૧૨ સુધી જ વિઝા આપતા. બીજા દિવસે કે સાંજે પાછો પાસપોર્ટ લેવા જવું પડતું. ઓફીસની બહાર લાંબી લાંબી કતારો લાગતી. રજાના સમયે આ તકલીફો વધી જતી.
નાના બાળકો, વૃદ્ધ, અપંગો સહિત સર્વેને વિઝા લેવા માટે પડતી તકલીફોનો એક જ ઝાટકે ઈ-ટુરિસ્ટ વિઝાની યોજનાથી અંત આવી જશે. આ ખુબજ ઉમદા કામ થયું છે. ભૂતકાળમાં ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસમાં ભારતના વિવિધ વિઝાની માહિતી આવતી હતી. તેવી OCI માટેની માહિતી આવે તો બહુ સારૂ થશે. મોદીજી નવેમ્બરમાં અહી આવે ત્યારે આપણે લંડન અમદાવાદની સીધી વિમાની સર્વિસ માટેની જોરદાર રજૂઆત કરી આપણી તકલીફોનો અંત લાવવાનો છે. શ્રાવણ મહિના પ્રસંગે સર્વે વાચકોને 'હર હર મહાદેવ'
- ભરત સચાણીયા, લંડન
સંથારો અને વિરોધ
તા. ૨૪ ઓગષ્ટ, ૨૦૧૫ના સોમવારે સમગ્ર દુનિયાના જૈન ભાઈ-બહેનોએ રાજસ્થાન હાઈ કોર્ટે સંથારા પ્રથા પર મુકેલા પ્રતિબંધના આદેશનો વિરોધ કર્યો. ભારતના બંધારણની ધારા ૨૫ અને ૨૬ મુજબ દરેકને પોતાના ધર્મ મુજબ જીવવાનો અને ધાર્મિક ક્રિયાકાંડની આઝાદી છે. સામાન્ય સમજ પ્રમાણે કોઈ આરાધક આત્મા સંસારમાં રહીને કોઈ પાપ કરવા ન માંગતો હોય તો તે અનશન કરીને (જેમ કે અન્ન-જળનો ત્યાગ કરીને) સમાધિપૂર્વક પોતાના દેહનો ત્યાગ કરી શકે છે. આ ક્રિયાને જૈન પરિભાષામાં સંન્લેખના - વ્રત કહેવામાં આવે છે.
સંથારાની સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિ સ્વજનોના કોઈ પણ જાતના દબાણ વગર સ્વૈચ્છિક રીતે વ્રત કરવા તૈયાર થાય છે.
સંથારાની બીજી શરત એ છે કે જ્યાં સુધી શરીરમાંથી આત્મા મુક્ત ન થાય ત્યાં સુધી માણસ પૂરેપૂરો ભાનમાં હોય છે. તેને બેભાન બનાવી ઈચ્છા વિરુદ્ધ દિક્ષા અપાવાતી નથી. સંથારાની ત્રીજી શરત એ હોય છે કે જ્યાં સુધી સાધકની સમાધી સચવાય ત્યાં સુધી જ તેણે આ વ્રત પાળવાનું હોય છે. અનશન દરમિયાન કોઈ પણ તબક્કે જો સાધકને અસમાધિ ઉત્પન્ન થાય અથવા તેને જીવવાની ઈચ્છા જાગૃત થાય તો તેને અનશનનો અંત આણવાની છૂટ હોય છે.
સંથારાની મહત્ત્વની હકીકત એ છે કે એમાં કોઈ બીજી વ્યક્તિ સાધકની જીંદગીનો અંત નથી આણતો - પણ અનશનને કારણે જીર્ણ થઈ ગયેલા દેહમાંથી આત્મા પોતે જ વિદાય લઈ લે છે.
જૈન સંપ્રદાયનું માનવું છે કે આત્મ કલ્યાણ કે ધાર્મિક માન્યતા પ્રમાણે મોક્ષની પ્રાપ્તિ માટે સંથારો ગ્રહણ કરવો તેને ધાર્મિક સ્વાતંત્ર્યના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.
ધાર્મિક સ્વતંત્રતા હોવા છતાં રાજસ્થાન હાઈ કોર્ટનો સંથારા સામે પ્રતિબંધનો આ ચુકાદો સમસ્ત જૈન આલમને હચમચાવી મૂક્યો છે.
જૈનોનો વાંક ફક્ત એટલો જ કે તે સુંવાળી કોમ છે.
- વિજય પટેલ, માંચેસ્ટર
વિશ્વની વિખ્યાત વિભૂતિઓ
જ્યાં સુધી આકાશમાં સૂર્ય, સિતારા ઝગમગતા રહેશે ત્યાં સુધી ગાંધીજી અને નેલ્સન મંડેલાની કિર્તીની કૌમુદી જગતમાં ફેલાતી રહેશે. ગુજરાતની ધરાઓ એ જે મહાન વિભૂતિ ગાંધીજીને જન્મ આપ્યો અને જ્યારે તેને હિન્દુસ્તાનના લાખો ગરીબોને જેઓને અંગ ઢાંકવા પૂરાં કપડાં પણ નહોતા તે જોઈને તેમનું દિલ-આત્મા કકળી ઊઠ્યો.
આર્યવંશના દેશના ગરીબોની આવી કરુણ હાલત! આવી દુર્બળ વ્યક્તિએ જીંદગીભર પોતડી પહેરી અને જ્યારે તે બ્રિટન આવ્યા ત્યારે ચર્ચીલે તેમને દેશદ્રોહી અને અર્ધનગ્ન ફકીરનો ઈલ્કાબ આપેલ. ગાંધીજી તો દેશપ્રેમી હતા. અંતિમ શ્વાસ સુધી પોતડી પહેરી હતી. ચર્ચીલને ખબર હતી કે એક દિવસ પાર્લામેન્ટ સેન્ટરમાં તેમની પ્રતિમાની બાજુમાં જ મહાત્મા ગાંધીજીની પ્રતિમા માનભેર મૂકવામાં આવશે અને ભવ્ય રીતે તેનું અનાવરણ થશે. જે દુનિયાના કરોડો લોકો લાઈવ ટીવીમાં જોયું.
નેલ્સન મંડેલાએ સાઉથ આફ્રિકાની સ્વતંત્રતા માટે ૨૯ વર્ષ એટલે કે ૯,૪૯૦ દિવસ કેવી કફોડી હાલતમાં રોબીન ટાપુમાં પથ્થરો તોડ્યા છે તેનો અંદાજ કોઈને ન આવે! બીબીસી.કોમના એડિટર માર્ક ઈસ્ટને આ બે વિભૂતિની ટીકા કરી - તેને મંડેલાની આત્મકથા ‘લોંગ વોક ટુ ફ્રીડમ’ વાંચવી જરૂરી છે. તો તેને અહેસાસ થશે કે દુનિયાનો કોઈ માઈનો પૂત પણ આવી કુરબાની દેશ વાસ્તે આપે? આ બે મહાન હસ્તીનો મહિમા સમાજવાની કદાય હેસિયત ન પણ હોય! સૌથી પ્રથમ ગાંધીજીએ હિન્દુસ્તાનનું સ્વરાજ અહિંસાથી અને સત્યાગ્રહથી મેળવ્યું છે. બાકી સૂર્ય છાબડીયે ઢાંક્યો ઢંકાતો નથી. આખી દુનિયા જાણે છે કે પોતાના દેશ વાસ્તે ગાંધીજી અને નેલ્સન મંડેલા - આ બે વિરલાએ બલિદાનની આહૂતિ આપીને જગતના બંને સિતારા બની ગયા છે. બાપુ તુને અને મંડેલાને લાખો પ્રણામ.
- સુધા રસિક ભટ્ટ, બેન્સન
અનાતમ અંદોલન અને નુકશાન
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ નુકસાન સરકારી માલ-મિલકત અને વાહનોને થયું હોવાના મસાચાર જાણ્યા. સરકારી કચેરીઓ, એસટી બસો ખાનગી કાર વગેરેને આગ ચાંપવાના અને તોડફોડ કરવાના કારણે આશરે રૂ. ૧૦૦ કરોડની રકમનું નુકશાન થયું. અમદાવાદ, કલોલ, રાજકોટ, જામનગર, સુરત, ઊંઝા સહિત અન્ય સ્થળે બે દિવસમાં ૧૩૭ એસ.ટી. બસને આગ ચાંપવામાં આવી તેમજ ૧૫૨ બસના કાચ ફોડાયા.
આ ઉપરાંત અશાંતિને કારણે વેપાર ધંધા ન ચાલ્યા તે અલગ. ભાઇ આ તોફાન મસ્તી શા માટે? આંદોલન અહિંસક હોત તો કદાચ સૌ કોઇ તેને ટેકો આપત, પરંતુ માત્ર પટેલ જ્ઞાતિને લાભકર્તા આ અંદોલનને અન્ય કોઇ કોમે ટેકો ન અપ્યો તેથી કદાચ આગામી દિવસોમાં આંદોલન ઠપ્પ થઇ જાય તો નવાઇ નહિં.
અર્પણ મહેતા, નોર્બરી