અચ્છે દિન આયેંગે?

Tuesday 10th February 2015 11:27 EST
 

અચ્છે દિન આયેંગે?

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું કે 'અમે સત્તા હાંસલ કરીશું તો દેશના વહીવટી માળખામાં ફેરફાર કરીને ગરીબો માટે સગવડો વધારીશું.' પરંતુ તાજેતરમા શ્રી મોદીની સરકારે આરોગ્ય ખાતાના બજેટમાં ૨૦ ટકાનો કાપ મૂક્યો છે. સરકારી આંકડા મુજબ એચઆઈવીના દર્દથી પીડાતી વસ્તીમાં વિશ્વમાં ભારતનો ત્રીજો નંબર છે. છતાં તે પ્રોગ્રામમાં પણ ૩૦ ટકાનો કાપ મૂકાયો છે. ટીકાકારો કહે છે કે ચૂંટણી પહેલાં આપેલા વચન મુજબ આવા કાપ મૂકવાની ગરીબોની સગવડ કેવી રીતે વધશે?

ચૂંટણી દરમિયાન ભાજપનું સૂત્ર હતું ‘અચ્છે દિન આયેંગે’ ભારતની જનતાએ મોટી આશાઓ સાથે કોંગ્રેસને જાકારો આપીને ઐતિહાસિક નવી સરકારને સત્તા સોંપી છે. હવે ભવિષ્ય જ કહેશે કે ‘અચ્છે દિન આયેંગે’ કે નહીં.

હાલમાં દિલ્હીની ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રી મોદીએ દિલ્હીની જનતાને સાતેય દિવસ ચોવીસ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો છે. શું આવા વાયદા પૂરા કરવા સરકાર સમર્થ છે?

મે ૧૯૯૪માં નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના પ્રમુખપદે આવ્યા ત્યારે બધા નાગરિકોને આવાસ પૂરા પાડવાનો વાયદો કરેલો પણ આજેય ૨૦ વર્ષ પછી પણ મોટાભાગની વસ્તી આવાસહિન છે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

૦૦૦૦૦૦૦

આપણી સંસ્થાઅો: ‘નામ બડે ઔર દર્શન છોટે’

શ્રી સી.બી.ના તા. ૩૧ જાન્યુઆરીના ‘જીવંત પંથ’માં એક જાણીતી સંસ્થામાં મિટિંગ દરમિયાન બનેલ બનાવના સમાચાર ખરેખર ખેદજનક હોવા સાથે ટીકાપાત્ર અને નીંદાપાત્ર છે. મહાપુરૂષના નામે ચાલતી ઊંચા સ્તરની સંસ્થાના હોદ્દેદારો પણ ઊંચેરો - પીઢ સમાજમાં ભાત પડે એવા હશે. પણ સી.બી.એ વાતના મુખડા ‘નામ બડે ઔર દર્શન છોટે’માં ઘણું સમજાવી દીધું.

સંસ્થાની કાર્યવાહીમાં થોડા નબળાં પરિબળો સંકળાયેલા હશે. ખુરશી માટેની હુંસાતુસી અને મહત્ત્વની ભૂમિકા માટે સ્વભાવ અને ‘ઈર્ષા-અહમ’ પણ ભાગ ભજવતો હોય છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન અને સંસ્થાઓના સૂત્રધાર ચાલક ગણાય. હવે જો એમના વાણી, વર્તન એક સૂરમાં ન હોય - સત્વનો ઉપયોગ થોડો અને અંગત લાભ માટે કરાતો હોય - પારદર્શકતાની ઉણપ હોય તો આવા થોડા અનિષ્ટ પણ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે અને સંસ્થાને ખોખરી કરી મુકે. કાયમની અસંવાદિતાના મૂળ પેસે એટલે મેનેજમેન્ટને ગ્રહણ લાગી જાય. પરિણામે અંદર વિરોધનું વાતાવરણ ઊભું થાય અને ઝઘડાના મૂળ મંડાય.

આ ઝઘડાનો જન્મ એક દિવસની મિટિંગની ચર્ચાવિચારણાથી નહીં પરિણમ્યો હોય. અવશ્ય લાંબા ગાળાના મતમંતાતરો મૂળમાં હશે. મતભેદ મર્યાદામાં આવકાર્ય પણ હંમેશના મતભેદ મનભેદમાં પલટાતા સમય નથી લાગતો.

સંસ્થાઓમાં હોદ્દાનું જવાબદારીથી અને સફળતાપૂર્વક સંચાલન કરવું એ સાવ આસાન કામ નથી હોતું. અતૂટ નિષ્ઠા સાથે બદલાતા સંજોગોનુસાર અનુકૂળતા કેળવતા શીખવું જોઈએ. બાકી શિષ્ટાચારને અભેરાઈ પર મૂકી મિટિંગમાં તું-તામાં આવી જવું એ શોભાજનક નથી. બીજું હોદ્દેદારો માટે તો 'તલવાર' સુધીનું ઉગ્ર વાતાવરણ સર્જાતાની સાથે જ ખુરશી માટેની લાયકાતનો પારો એ જ વખતે શૂન્ય (ઝીરો) ઉપર પહોંચ્યો સમજવો.

મિટિંગમાં શિષ્ટાચાર સભ્યતા અને બંધારણનુસાર 'કોડ ઓફ કંડક્ટ' દરેક સભ્ય માટે આદર્શરૂપ હોવા ઉપરાંત બંધારણીય આદેશને પણ સમજવાનો હોય છે. જ્ઞાતિ, સામાજિક, ધાર્મિક સંસ્થાઅોએ ઉપરની મૂળ પાયાની મર્યાદાઓ અવશ્ય નિભાવવાની હોય છે, છતાં ખુરશીઓ ઊડ્યાના દાખલાઓ મોજુદ છે. ક્રોધ ઘડીનું ગાંડપણ છે અને હાથથી ગયા પછી અફસોસ અને આંસુ વ્યર્થ છે.

પછીના સમજોતા - તૂટેલા કાચને સાંધવા જેવું છે. સંસ્થા આવું 'ડેમેન' નિભાવી શકે તો સારું.

બહારની નિષ્પક્ષ રાય લેવામાં જરૂર લાભ થાય, પરિણામ આવે. પણ જ્યાં પોલીસ ફરિયાદ સુધી પરિસ્થિતિ પહોંચી છે ત્યાં દોષ બાબતે લેખા-જોખાં કરવાનો બહુ અર્થ નથી.

હવે પછીની કાર્યવાહીમાં ખુદ બોર્ડ મેમ્બરોએ જ સંસ્થાનું હિત સંભાળવા ઘટતા નિર્ણયો લેવાના રહેશે. છે એનાથી વધુ ખરડાયેલું વાતાવરણ ન સર્જાય એ સંસ્થા અને સમાજમાં હિતમાં રહેશે.

મારા મતે શ્રી સી.બી. પટેલ તટસ્થ રીતે જરૂર પડ્યે કોઈના સાથે સંગાથથી સર્વમાન્ય સમાપન કરવાની કાબેલિયતવાળા છે. એમને વિનંતી કરનારું કોઈ નીકળે એ આશા સાથે.

- ચુનીભાઈ કક્કડ, કીંગ્સબરી

૦૦૦૦૦૦

એમના ચહેરા પરની ખુશી

જાન્યુઆરીની ૨૪ તારીખના 'ગુજરાત સમાચાર' તરફથી દક્ષિણ લંડનના લોહાણા જ્ઞાતિના હોલમાં વડીલોના સન્માનનો જે અવસર સુપેરે સંપન્ન થયો તે વિશે ખુશીભર્યો પ્રતિભાવ આપ્યા વગર રહેવાતું નથી. સમાજની કથળતી જતી પરિસ્થિતિ, સમયની હરણફાળમાં થતી વૃદ્ધોની ઉપેક્ષા અને વધારેને વધારે વૃદ્ધાશ્રમોની ઊભી થતી જરૂરિયાતની માંગ, આવા પશ્ચિમી સંસ્કૃતિના અનુસરણમાં સરકતાં જતાં આપણા એશિયનોના ઘરોમાં પણ વડીલો બે પેઢીની વચ્ચે ભીંસાય છે. તેમને માટે આવા આયોજનો સૂકા રણમાં મીઠી વીરડી સમાન છે.

સમર્થ વ્યક્તિ કોઈ ખાસ ક્ષેત્રમાં પ્રવિણતા દર્શાવે તેને એવોર્ડ આપી નવાજવાની પ્રથા આખી દુનિયામાં છે પરંતુ આ તો ધારણા બહાર ફક્ત આઠ દાયકાનું આયુષ્ય વિતાવેલા સૌને સમાન ગણીને પ્રેમપૂર્વક માન આપવું એ ઘણો ઉત્તમ વિચાર છે. ભવસાગરના મોજાંની થપાટ ઝીલીને કાંઠે પહોંચવા મથતા વડીલો માટે આ ઘડીભરનો વિશ્રામ છે.

ખીચોખીચ ભરેલા વિશાળ હોલમાં, શણગારેલા મંચ પરથી પોતાના નામનો સાદ સાંભળતા જ ડગુ મગુ લાકડીના ટેકે સ્વજન સાથે આવતાં વડીલોના હાથમાં જ્યારે માનપત્ર અને ફોટો મઢેલી ફ્રેમ આપવામાં આવી ત્યારે તેમના ચહેરા પર કૃતકૃત્યતા અને ખુશી ઝળકતી હતી. તે જોઈ આપ સૌ આયોજકોનો, દોડધામ કરીને જહેમત ઊઠાવ્યાનો થાક જરૂર ઊતરી ગયો હશે. આ પ્રસંગના આયોજનમાં તન, મન, ધનથી સહકાર આપનાર સૌને ધન્યવાદ આપવા ઘટે છે. અને આના પરિણામ સ્વરૂપ યુવાનોને પણ વડીલોને સાચવવાની પ્રેરણા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું. આશા છે આવનાર બીજા લેસ્ટર તથા બર્મિંગહામના સન્માનની સભા પણ ખૂબ ખૂબ સફળ રહેશે.

- કુસુમ પોપટ, ક્રોયડન

૦૦૦૦૦૦૦

ખૂબ ખૂબ વધાઈ ને અભિનંદન

સીબી ભાઈ તમોએ ૮૦ વર્ષ કરતા વધુ વયના સૌ વડીલોના સન્માન કરીને તેમને ખુબ-ખુશ કરીને ઘણા આશીર્વાદ મેળવ્યા છે તેનો મને આનંદ છે.

હું તો હંમેશા માનતી રહું છું કે દુનિયામાં માનવ માટે મોટામાં મોટી ભેટ હોય તો તે અંતરના આશીર્વાદ છે. તેનાથી કોઈ પણ કિંમતી વસ્તુ આ દુનીયામાં નથી. તમો સહુ સાઉથ લંડનમાં પધાર્યા, બધાને અંતરના ભાવથી પ્રેમથી અભિષેક કરાવ્યો ને સ્વાદિષ્ટ ભોજન ખવડાવી બધાનું પેટ ઠાર્યું છે. મારા પી.વી. રાયચુરા સેન્ટરે પણ બધા જ વડીલોને તમારા જેવા સંતના પગલાં પાડીને પાવન કરી દીધું છે.

મારા રામ તમોને ખુબ ખુબ લાંબુ આયુષ્ય આપે. આવા સારા, શુભ ને કલ્યાણકારી કર્મો કરાવે ને તમોને અખંડ મનની-તનની અપૂર્વ શક્તિ આપે તેવી મારી પ્રભુ પ્રાર્થના છે. આનંદ કરો ને સહુને આનંદ કરાવો. ભાઈ મને પણ તમે કર્મયોગી સન્માન આપ્યું. ઘણો જ આભાર માનું છું.

- કલા પી. રાયચુરા, થોર્નટન હીથ

૦૦૦૦૦૦૦

વડીલોના સન્માન દ્વારા સમાજ સેવા

શનિવાર તા. ૨૪-૧-૧૫ના દિવસે લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, પી.વી. રાયચુરા સેન્ટર, ક્રોયડન ખાતે સાઉથ લંડન કોમ્યુનિટી તથા 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' સહિત ક્રોયડન અને ક્રોયડન આસપાસ વસતા ૮૦ વર્ષ અને તેથી મોટી વયના વડીલોનું સન્માન કરી આપ સૌએ સમાજની ખૂબજ સુંદર સેવા કરી છે. હું સન્માનનો અધિકારી ના હોવા છતાં સન્માન પત્રક અર્પણ કરી મારું સન્માન કરાયું તે બદલ અમારો પરિવાર આપ સૌનો આભારી છે. તમારો, ગુજરાત સમાચાર - એશિયન વોઈસ અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી.

તા. ૭-૨-૧૫ના ગુજરાત સમાચારના અંકમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના નામ અને ફોટા સહિતનો સન્માનનો વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે તે દરેકના જીવનનું એક સંભારણું થઈ જશે.

અમારું પરિવાર તથા અમો સર્વે અંતઃકરણપૂર્વક પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમોને શક્તિ આપે. સમાજમાં ખૂબ ખૂબ નામના મેળવો અને પ્રતિષ્ઠા મેળવો અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની પ્રગતિમાં વધારો થાય.

- રમણિક ગણાત્રા, બેકનહામ.

૦૦૦૦૦૦૦

સાચા અર્થમાં તર્પણ 

આપના દ્વારા ક્રોયડન ખાતે યોજવામાં આવેલ ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહીને મારા કાકાજી અને અમારા સમગ્ર પરિવારને ખૂબજ આનંદ થયો. આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના સૌ કાર્યકરોને દિલના ઉંડાણથી હું અભિનંદન આપું છું. ૮૦ વર્ષ કરતા વધુ વયના ૪૭ જેટલા વડિલોને એક છત નીચે એકત્ર કરી તેમનું સૌનું તસવીર સાથેનું સન્માનપત્ર અર્પણ કરવું ખૂબજ અઘરૂ અને મહેનત માંગી લે તેવું કાર્ય છે. આ કાર્યક્રમમાં સૌને એક બીજા સાથે મળવાની તક પણ મળી હતી અને સૌએ પોતાના યુવાનીના દિવસોના સંભારણા તાજા કર્યા હતા.

ફરી એક વખત આપને અભિનંદન અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમો કરતા રહેશો.

સુચેતા સામંત, ઇમેઇલ દ્વારા.

૦૦૦૦૦૦

'ગુજરાત સમાચાર'ની યશગાથા

વિસ્તરતાં 'ગુજરાત સમાચાર'ની યશગાથા તો વાગોળીએ એટલી ઓછી છે. અલકમલકનાં અનેકવિધ સમાચારો અને ઝીણવટભરી વિગતો વાંચીને અંતરને ખૂબ જ ચેન અને આરામ પ્રદાન થાય છે. આપ સૌના સહિયારા પ્રયત્નો ખરેખર આ સાપ્તાહિકને કંઈક અનેરી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે તે પ્રસંશનીય અને અભિનંદનીય છે. આપનાં તમામ કાર્યકરોને મારા ખાસ ખાસ અભિનંદન સાથે સ્નેહ યાદ.

- દિનેશ માણેક, સાઉથ ફિલ્ડઝ

0000000

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતીઅો અને હિન્દુઅો તેમાં ખૂબ જ મહત્વની ભુમિકા ભજવી શકે છે. આપણે કોઇનું કશું મફતનું લેવું નથી. પરંતુ આપણે જો બેદકરાર થઇને આપણા ખુદના અધિકારોને જતા કરીશું તો યુગાન્ડાની જેમ આપણે પહેરેલા કપડે ભાગવું પડે એવો જમાનો આવી શકે છે.

આજે આપણી વસતી બ્રિટનમાં અને લંડનના વિવિધ પરાઅોમાં ખૂબજ હોવા છતાં સરખામણીએ અન્ય સમુદાય કરતાં આપણા કાઉન્સિલર અને એમપીની સંખ્યા ઘણી જ અોછી છે. આવું કેમ થાય છે? આપણો અવાજ જો પાર્લામેન્ટ કે કાઉન્સિલમાં નહિં હોય તો આપણા બાળકોના ભણતરથી લઇને આપણા મંદિર, કોમ્યુનિટી સેન્ટર વગેરેની પ્લાનીંગ પરમીશનથી લઇને અન્ય મુદ્દાઅો માટે આપણને ખૂબ જ તકલીફ પડશે.

વિવિધ પક્ષો આપણા મતને અંકે કરવા ખૂબજ આતુર છે. પરંતુ તેઅો તે માટે આપણી કોમ્યુનિટીમાં ભાગલા ન પડાવે તે જોવાનું રહ્યું. નહિં તો આપણા ઉમેદવારો જીતી શકશે નહિં. 'ગુજરાત સમાચાર'માં સાચુ જ હેડીંગ લખાયું છે કે 'આગામી ચૂંટણીમાં વિજયની ચાવી માઇગ્રન્ટ્સના હાથમાં.'

રાજેન્દ્ર સોલંકી, થોર્નટન હીથ.

૦૦૦૦૦૦૦૦૦

ટપાલમાંથી તારવેલું

* રણછોડભાઇ પટેલ, ઇસ્ટહામથી જણાવે છે કે 'તાજેતરમાં ન્યુહામ કાઉન્સિલ દ્વારા અપ્ટોન કોમ્યુનિટી એસોસિએશન યુઝર ગૃપના કોમ્યુનિટી સેન્ટરને તાળા લગાવી દઇને એશિયન સમુદાયના લોકોની તકલીફો વધારી દીધી છે.

* અતુલભાઇ પટેલ, ઇલીંગ રોડથી જણાવે છે કે પહેલા શ્રી વિષ્ણુ પંડયાની કોલમ 'તસવીરે ગુજરાત' વાંચવાનો આનંદ આવતો હતો. હવે તેમાં ડો. હરિ દેસાઇનો ઉમેરો થયો છે. હરિભાઇએ આ સપ્તાહે હિન્દુ સંગઠનો વિષે ખૂબ જ મહત્વની માહિતી આપી છે.

૦૦૦૦૦૦૦

કાયદોઃ કરોળિયાની જાળ

તમે શું માનો છો? સંજય દત્તને માફી મળવી જોઈએ? કોઈ પણ ગુનેગારને જે કાંઈ સજા થાય, તે ભોગવવા માટે હોય છે, પછી જે તે અપરાધી રાજા હોય કે રંક, તેને સજા ભોગવવી જ રહી. તેને જ સજા કરી કહેવાય. આ બાબતમાં ફેર વિચારણાને સ્થાન હોઈ શકે જ નહીં. 

પરંતુ આપણા દેશમાં જાહેર ક્ષેત્રમાં અને સમાજમાં પણ માણસ-માણસની વચ્ચે વર્ગભેદ છે. કોઈકે કહ્યું છે કે જ્યાં સુધી વર્ગભેદ અને આર્થિક સ્વાર્થભેદ છે ત્યાં સુધી સુખી અને પ્રસન્ન સમાજનું નિર્માણ શક્ય નથી. અને આ વર્ગભેદ છે આપણા દેશમાં અમીર અને ગરીબનો.

અમીર માણસના દંડ અને સજા માફ થઈ શકે છે. તો ગરીબ માણસ માટે જ જેલ કે અન્ય સજા છે તે ભોગવવા જ પડે છે. જાણે કે સજા તો ફક્ત ગરીબ માણસો માટે જ છે. એટલે તો કહેવાય છે કે જે રીબાય તેને ગરીબાય કહેવાય છે.

તો સંજય દત્ત તો સાધન સંપન્ન અને વગદાર અને સફળ અભિનેતા છે. તેને બચાવવા માટે જાનીમાની વ્યક્તિઓ મેદાનમાં ઉતરી પડી છે. સંજય દત્ત જેલમાં જવાની ચિંતા નથી કરતો. તેનાથી વધારે ચિંતા તેના ચાહકો કરે છે. તેના ચાહકોને સંજય જેલમાં જાય તે પાલવે તેવું નથી. આ પ્રકારનો માહોલ જોતા તો લાગે છે કે સંજયને જેલ મોકલવાનો વિચાર માંડી વાળવો પડશે. બાકી વધારે તો સમય જ કહેશે.

અને આમ પણ કાયદો એ કરોળિયાની જાળ જેવો છે. તે નબળાને ફસાવી દે છે. પરંતુ સબળ આગળ તૂટી જાય છે.

- નવનિત ફટાણીયા, હેનવેલ

000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter