આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧ ઓગસ્ટના અંકમાં 'પટેલોને અનામત' અંગેના સમાચાર વાંચીને જણાવવાનું કે ભારતમાં અનામત ખૂબ જ મોટું દુષણ છે. લગભગ મોટાભાગની કોમને અનામતનો લાભ મળી રહ્યો છે. વર્ષો પહેલા અનામતનો લાભ માત્ર પછાત જ્ઞાતિના લોકોને જમળતો હતો. પણ આજે તો અનામતનું કોકડું એવું ગુચવાયું છે કે અન્ય જ્ઞાતિઅોને ઘણું સહન કરવું પડે છે અને જે ખરેખર અનામતના અધિકારી છે તેમને તેનો લાભ મળતો નથી.
પછાત જાતીના અનેક લોકો ખૂબ જ પૈસાદાર હોવા છતાં તેમને અનામતનો લાભ મળે છે. જે ખૂબ જ દુ:ખદાયક છે. અનામતની ફેરવિચારણા કરવા નવો કાયદો લાવવો જોઇએ અને ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતી ધરાવતા લોકોને અનામતનો લાભ મળવો જોઇએ. જાતી પેટા જાતી વગેરેને નાબુદ કરીને એક કાયદો લાવવો જરૂરી છે.
એકંદરે પટેલો અનામતની માંગ સાથે ગુજરાતમાં જે રીતે વિરોધ કરી રહ્યા છે તે માંગણી મંજુર થઇ શકે તેમ નથી, પણ તેઓ સરકારને હેરાન કરવા માંગે છે. અનામતની માંગણી ગુજરાતમાં ધીમે ધીમે જોર પકડતી જાય છે. આના સંદર્ભમાં તાજેતરમાં જ પૂજ્ય સ્વામી સચ્ચીદાનંદજીએ પ્રવચનમાં જણાવેલ કે 'પટેલોએ અનામતને લીધે ઘણું નુકસાન ભોગવ્યું છે તે ભૂલવું જોઇએ નહિ, ગુજરાતમાં પટેલોની અનામત આપવાની માંગના આંદોલનને હળવાશથી લેવી જોઇએ નહિં. આ એક ગંભીર બાબત ગણી આંદોલનને શાંત કરવા માટે ખૂબ જ ત્વરિત કદમ ઉઠાવી સરકારે તેને પ્રાથમિકતા આપવી જોઇે. તેમાં જ સરકારની ભલાઇ હશે.
અનામતનું ભૂત વિકરાળ બને તે પહેલા જ તેને નાથવા માટે એક સમિતિ બનાવી ગુજરાતને ભડકે બળતું રોકવાનું કામ જો નહિ થાય તો ગુજરાતની વિકાસની ગતિ ધીમી પડી જશે. આ અનામત આંદોલન વિરોધ પક્ષને હાલ ખુબ જ લાભ અપાવી રહ્યું છે અને ભાજપના અમુક આગેવાનોએ ગુજરાત સરકારને બદનામ કરવાનું બીડું ઉઠાવ્યું છે.
ભરત સચાણીયા, લંડન
દહેજનુ દુષણ
જીંદગીમાં મા-બાપ બે વખત અતિ કરૂણ કલ્પાંત કરે છે, એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજી વખત દીકરાઓ તે મા-બાપને તરછોડે છે ત્યારે. આપણી આંખનું રતન દીકરી પિયરનું સર્વસ્વ છોડી સાસરે વિદાય થાય છે ત્યારે કલાકો સુધી મા-બાપ રડ્યા જ કરે છે. તેમને તો દુનિયા ચાલી ગઈ તેવો અહેસાસ થાય છે. તેમના કાળજાનો કટકો હાથમાંથી છૂટી ગયો હોય તેમ લાગે છે. હિન્દુસ્તાનની ધરતી ઉપર અત્યાર સુધીમાં લાખો દીકરીઓને દહેજના દૂષણના પાપે સાસરીયાએ કાં તો જીવતી બાળી નાંખી છે, કાં ગળે ટૂંપો દઈ દીધો છે, કાં રીબાઈ રીબાઈને મારી નાખી છે. પહેલાના વખતમાં પરણેલી દીકરીને સાસરિયા મા-બાપ સાથે સંબંધ રાખવા ન દેતા. આમ મા-બાપને દીકરીના અસહ્ય દુઃખની ખબર જ નહોતી પડતી અને છેવટે દિકરી મોતને ભેટતી.
આવી સાચી કરુણ કહાની જોઈ સ્વ. વી. શાંતારામે કરુણ ફિલ્મ ‘દહેજ’ બનાવી હતી. એવું મનાય છે કે ભારતમાં દર એક કલાકે દહેજના પાપે દીકરીને મારી નાંખવામાં આવે છે.
ભારતની સરકારે આ દૂષણને ગંભીરતાથી ધ્યાનમાં લઈ દીકરીના સાસરિયા કે એમાં સંડોવાયેલા તમામને કડકમાં કડક સજા આપવી જોઈએ અને ભારતની કન્યાઓને કમોતથી બચાવવી જોઈએ.
- સુધાબહેન રસિક ભટ્ટ, બેન્સન.
ગુજરાતી ભાષાનું કોકટેલ
ગુજરાત ઉપર મોગલો, પોર્ટુગિઝો અને અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કર્યું છે.
આજે આપણે ખ્યાલ પણ ન આવે કે આપણી બોલચાલની અને ગુજરાતી લખવાની ભાષામાં કેટલાક અસલ શબ્દો વિદેશી છે. દા.ત. મિસ્ત્રી, કાજુ, ફાલતુ, અટકળ, તિજોરી, નિદાન, વાટાઘાટો, લબાડ, હાફૂસ, પાયરી, બારકસ, બટાકા, કપ્તાન, પગાર, તમાકુ વગેરે શબ્દો અસ્સલમાં પોર્ટુગીઝ છે.
એ રીતે દુકાનકાર, દારૂખાનુ, ગુલાબ જાંબુ, હલવો, ઈલાજ, બંદૂક, રૂમાલ, ખમીસ આ બધા મૂળ ફારસી છે.
અંગ્રેજી અસરવાળા શબ્દોમાં સ્ટેશન, બલ્બ, લાઈટ, બસ, જંગલ સ્વીચ વગેરે ઘણા શબ્દો છે. તેવી રીતે અંગ્રેજી ગુજરાતીના મીક્ષ થયેલા ભેળસેળીયા શબ્દો પણ ઘણાં છે. દા.ત. ટેબલ ખુરશી, આંસુ ગેસ, કપ-રકાબી, લાઠીચાર્જ વગેરે.
વિદેશીઓની હકૂમત જતી રહી પણ તેઓના શબ્દો આજે પણ ચલણમાં છે અને ગુજરાતી ભાષા સાથે ઓતપ્રોત થઈ ગયા છે.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
માતા-પિતાની સેવા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં મહિલાઓ સુખી છે તેનું કારણ એ છે કે તેમનાં ઘરમાં સાસુ નથી. આવો જોક્સ 'ગુજરાત સમાચાર'માં વાંચવા મળ્યો હતો. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સિરિયલમાં ભલે કોઈનાં ઘરમાં સાસુ ન હોય તો પણ દયાભાભીનાં ઘરમાં તેમના વિધૂર સસરા ચંપકલાલની હયાતી છે. હાલમાં આવતી ટીવી સિરિયલોમાં આ એક ટીવી સિરિયલ છે કે જેનો સામાજિક ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી સિરિયલ કહી શકીએ.
આ સિરિયલના આધારસ્તંભ જેવા ચંપકદાદા ગોકુલધામ સોસાયટીના આદરણીય મોભી છે અને આ મોભી ચંપકદાદા એક હાલતી ચાલતી નિશાળ છે. જે અહીંના નાના કે મોટા સંતાનોને સત્ય, પ્રેમ, સુસંસ્કાર અને ભારતી પરંપરાના જતન કરવાના પાઠ શીખવતા રહે છે કે જે દુનિયાની કોઈ વિદ્યાપીઠ શીખવી શકતી નથી.
દયાભાભી વિધુર સસરાનું આદર-સન્માન સાથે ધ્યાન રાખે છે કે ચંપકદાદાને જેઠિયાની માની યાદ આવવા દેતા નથી. તો જેઠાભાઈ પણ બાપુજીને જરાપણ ઓછું ન આવી જાય તેની કાળજી રાખતા રહેતા હોય છે. આવા અનેક ભાવભીનાં દ્રશ્યો જોઈને ઘણીવાર તો મારી આંખના ખૂણાં ભીનાં થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે કાશ દરેક ઘરમાં દીકરાઓમાં એક જેઠીયો હોય, અને પુત્રવધૂઓમાં એક દયાભાભી જેવી પુત્રવધૂ હોય તો વૃદ્ધોની થતી અવગણનાઓ ખુશીથી અંત આવી જાય અને એક દિવસ એવો આવે કે આપણે સમાજના કલંક જેવા વૃદ્ધાશ્રમને બંધ કરી દેવા પડે.
જ્યાં જ્યાં જે ઘરમાં સંતાન સતત માતા-પિતાને ઝંખે છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે. જે ઘરમાં ભક્તિભાવે માતા-પિતાની સેવા થતી હોય એવા ઘરને મારા શત શત નમન.
- નવનીત ફટાણિયા, હેનવેલ
ગેરકાયદેસર વસાહતીઅોનો ત્રાસ
બ્રિટનના રાજકારણમાં ઇમીગ્રેશન સૌથી સંવેદનશીલ મુદ્દો છે અને દરેક સરકારો વસાહતીઅોની સંખ્યા ઘટાડવા માટે મહેનત કરી ચૂકી છે. પરંતુ કમનસીબે તેનો હલ લાવી શકી નથી.
બ્રિટનની સરકાર ગેરકાયદેસર ઇમીગ્રન્ટ્સને રોકવા માટે રોજે રોજ નીતનવા પગલાં લાવી રહી છે. પરંતુ કરમની કઠણાઇએ છે કે વસાહતીઅો આવવાનું બંધ કરતાં જ નથી. હમણાં રોજે રોજ ટીવી પર ફ્રાન્સના કેલે ખાતે ગેરકાયદેસર ઘુસવા માટે વસાહતીઅો જે ધમાલ મચાવી રહ્યા છે તેના દ્રશ્યો બતાવાય છે.
હવે ગેરકાયદેસર વસાહતીઅોને રોકવા માટે સરકાર મકાન માલિકોને ગેરકાયદેસર વસાહતી ભાડુઆતોને કાઢી મુકવાની સત્તા આપનાર છે. ગેરકાયદે વસાહતીઅોની કટોકટીને જોતાં સરકાર કડક નિયમો અમલમાં મુકવા વિચારી રહી છે. જે પૈકી ગેરકાયદે વસાહતીઅોને કાઢવાની જવાબદારી મિલ્કત ભાડે આપનાર પર મુકવામાં આવશે. જો મકાન માલિકો આવા ગેરકાયદે વસાહતીઅોને ઘર ભાડે આપશે તો તેમને નવા ઇમીગ્રેશન બિલ અંતર્ગત પાંચ વર્ષની જેલની સજા થઇ શકે તેવો કાયદો લાવનાર છે.
- રાજન પટેલ, અક્ષબ્રિજ.
ટપાલમાંથી તારવેલું
* અરજણભાઇ પટેલ, રાયસ્લીપથી જણાવે છે કે 'વડાપ્રધાન ડેવિડ કેમરને બ્રિટીશ વિરોધી મુસ્લિમો સામે જોરધાર પ્રવચન આપી જે ચેતવણી ઉચ્ચારી છે તે કટ્ટરવાદી જેહાદીઅો સામે સરકારના સંભવીત પગલાની આગાહી સમાન છે. આતંકવાદને દુનિયા આખી ધીક્કારે છે ત્યારે કટ્ટરવાદીઅોએ પણ પ્રેમ અને અહિંસાનો માર્ગ સ્વીકારે જ છૂટકો થશે.