આજે યુવાનો કે યુવતીઅો કહે છે ભણેલા, શિક્ષિત યાને ડીગ્રીવાળા માણસો પરણતા નથી. કારણ કે એક તો નોકરી મળતી નથી અને મળે તો ૨૦થી ૨૫ હજાર પાઉન્ડ પગાર વર્ષે મળે. હવે તમે જ ગણતરી કરો કે એમાંથી ટેક્ષ, પેન્શન, નેશનલ ઈન્સ્યોરન્સ, રેલવેના ભાડા તથા પોકેટમની બાદ કરતા શું બચે?
આજના યુવાન વર્ગને વૈભવી જીવન પસંદ છે. પણ તે કેવી રીતે શક્ય બને? એટલે છોકરા-છોકરી પરણતા નથી. પહેલા છોકરા-છોકરી લગ્ન બાદ સ્વતંત્ર રહેવાનું પસંદ કરતા. જે ઘર લંડનમાં લાખ પાઉન્ડમાં મળતા હતા તે ઘર ચાર-પાંચ લાખ પાઉન્ડમાં મળે છે. એટલે નાછૂટકે બાળકો પોતાના માતા-પિતા સાથે સહકુટુંબ રહે છે. જ્યારે સરકારી પ્રધાનો, મિનિસ્ટરો, કાઉન્સિલરો લાખો પાઉન્ડના પગાર મેળવે છે અને એટલું ઓછું હોય તેમ ઘણીવાર ખોટા ક્લેઈમ કરી પણ કરી પૈસા મેળવે છે. તો પણ ઓછા પડે છે.
હવે તમે જ વિચાર કરો કે મધ્યમ વર્ગને લેબર પક્ષની સરકાર હોય ટોરીની સરકાર હોય શું ફેર પડે? એવું દેખાય છે કે પૈસાવાળા પૈસાદાર જ થતા જાય છે અને ગરીબ અને મધ્યમ વર્ગ નીચે જ જતા જાય છે. આ એક સમસ્યા માત્ર નથી આ તો યુવાન પેઢીનો એક સળગતો સવાલ છે. બેઠેલો માણસ ઊભેલા માણસની પરિસ્થિતિ સમજતો નથી.
- ભુલાભાઈ એમ. પટેલ, કેન્ટન
૦૦૦૦૦૦૦૦૦
ગુજરાત સમાચાર અને કેલેન્ડર
આપ સર્વેને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ની હરણફાળ પ્રગતિ વધતી જ રહે એવી નવા વર્ષની શુભેચ્છા. આપ સર્વેના અથાક પરિશ્રમનું જ આ પરિણામ છે. ગુજરાત સમાચારના દરેક અંકમાં કંઈને કંઈ નવું, અવનવું જોવા જાણવા મળતું રહે છે. ગુજરાત સમાચાર અને તેની સમગ્ર ટીમ વિના આ બધુ અસંભવ છે. ધન્ય છે તમો સર્વેને આટલી બધી જનસેવા માટે.
બીજું ખાસ લખવાનું કે પ્રતિવર્ષની જેમ નૂતન વર્ષ ૨૦૧૫નું રંગીન, લાજવાબ, અણમોલ કેલેન્ડર ગુજરાત સમાચારના પ્રત્યેક ગ્રાહકોને ઘેર બેઠાં મોકલી વાંચકોના મત જીતી લીધાં છે. આવું અણમોલ કેલેન્ડર હોય તો બધાના કામ સરળ થઈ જાય છે. તેમાં નાત-જાતનાં ભેદભાવ વિના હર એક જ્ઞાતિના તહેવારોની જાણ હોય છે. ગુજરાત સમાચાર - એશિયન વોઈસ વિના આવા અમૂલ્ય કાર્યો બીજું કોઈ કરી શકે?
- ભાનુમતી એમ. પીપરીયા, ઈલફર્ડ
૦૦૦૦૦૦૦
શુભકામનાઅો
ઈ.સ. ૨૦૧૫નું સમગ્ર વર્ષ 'ગુજરાત સમાચાર' તેમજ 'એશિયન વોઈસ'ના સર્વે કાર્યકર્તાઓને, તેમના પરિવાર સહિત સર્વેને દરેક પ્રકારે શ્રેય આપનારૂ અને ઉન્નતિકારક નીવડે તેવી હાર્દિક શુભેચ્છા.
વિતેલું વર્ષ તો દરેક પ્રકારે મહાવિનાશકારી હતું. સમસ્ત સૃષ્ટિમાં તાંડવ નૃત્ય થતું હતું. અખિલ બ્રહ્માંડમાં નરરાક્ષસોના માનવ સંહારે માઝા મૂકી. વિકરાળ, અતિભયંકર, હૃદયદ્રાવક સ્વરૂપ ધારણ કરેલ આપણે સૌ અંતરના ઊંડાણથી હાર્દિક પ્રભુ પ્રાર્થના કરીએ કે પરમકૃપાળુ પરમાત્મા સમસ્ત વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપે અને સર્વે માનવોનું સઘળા પ્રાણધારીઓનું જીવન નિર્ભય - ભયમુક્ત બનાવે. એવી શુદ્ધભાવના પૂર્ણ દિલથી અભિલાષા.
- સવિતાબેન દોલતરાય શુક્લ, સનીંગડેલ.
૦૦૦૦૦૦૦૦
વૃદ્ધોનો સાચો સથવારો
આથમતી સંધ્યાએ પહોંચેલા અમારા જેવા વૃદ્ધો માટે 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ' ખરેખર સાચો સથવારો બની ગયાં છે. નૈરોબીમાં ૪૪ વર્ષ વિતાવ્યાં બાદ અમો ૪ વર્ષથી દીકરા-વહુ સાથે બેન્સન નામના ગામડામાં જ્યાં કોઈ હિન્દુ કે મંદિર નથી ત્યાં બાકીની થોડી જીંદગી વિતાવવા આવ્યા છીએ. અમોને ખબર પણ નહોતી કે ૪૩ વર્ષથી આ દેશમાં આવું ભવ્ય 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' અતિકારમી મોંઘવારીમાં પણ સાવ મામૂલી ભાવે ટાઈમસર દર અઠવાડિયે હજારો લોકોને ઘર આંગણે મળતાં હશે. દુનિયાભરના દરેક જાતના તાજા સમાચાર સાથે કેટલું જ્ઞાન, આનંદ, માહિતી પીરસાય છે અને સાથે નવા વર્ષનું કેલેન્ડર, દિવાળી અંક મોકલી લાખો વાચકોને આનંદ આપે છે.
૨૦૧૩ જુલાઈમાં પહેલી વખત જ્યારે અમે મહિનાના બંને છાપા વાંચ્યા ત્યારે આનંદથી સ્તબ્ધ થઈ ગયા હતા અને તેજ દિવસે ૨ વર્ષનું લવાજમ ભરી ગ્રાહક બન્યા. તે જ અરસામાં 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'એ કિંગ્સબરીમાં આનંદ મેળો રાખેલ તેના પહેલા દિવસે હું જોક્સ કહેવા ગઈ ત્યારે અમારું સૌભાગ્ય કે પહેલીવાર સી.બી. અને કોકિલાબહેનને રૂબરૂ મળ્યા અને તેઓએ અમોને ભાવભીનું માન આપ્યું.
સી.બી.ના ‘જીવંત પંથ’ લેખો તથા તેમના મંતવ્ય ખરેખર તેમની સત્યતા, સરળતા અને નિડરતાના દર્શન કરાવે છે. જે વૃદ્ધોએ આ દેશ, કુટુંબ અને બાળકો માટે ખૂબ યોગદાન દીધું છે તેઓનું સન્માન કરી 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'ના દરેક કાર્યકર્તાઓ વૃદ્ધોને અહેસાસ કરાવે છે તેઓની જીવનની સાર્થકતા એળે નથી ગઈ. ખરેખર તમે બધા હીરા છો તે સત્ય હકીકત છે.
જે વડીલો સો પેઢીએ પણ સગા નથી છતાં તેઓની કદર અને સન્માન કરાય છે તેવું ઉમદા કાર્ય દુનિયામાં ક્યાંય થતું જોયું નથી. જહેમત ઊઠાવીને આવા કાર્યો - સેવા તમો બધા કરો છો તે બદલ સી. બી. સાહેબ અને તમારી ટીમના દરેક સદસ્ય અને 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ' ચિરંજીવી બનો રહે તેવી પ્રભુ પાસે અમારા બધાની પ્રાર્થના છે.
સુધાબેન ભટ્ટ, બેન્સન
૦૦૦૦૦૦૦
પત્ની એટલે પગની જુતી?
કમલ રાવનો લેખ વાંચ્યો. ઘણી દુઃખની વાત છે કે હજુ પણ પત્ની એટલે ગુલામ, પગની જુતી વગેરે જેવા ખ્યાલો છે. ભારતથી આવતી યુવતીઅોના માતાપિતાએ પહેલા બધી તપાસ કરીને પછી જ છોકરીઓને પરદેશ પરણાવવી જોઈએ. ઘણા માતા-પિતા પરદેશ છોકરીઓને એટલા માટે પરણાવે છે કે છોકરી પાછળ તેના બીજા ભાઈ-બહેન પણ પરદેશમાં સેટ થઈ જાય. બીજું ઘણી છોકરીઓ તો એમ જ નક્કી કરીને આવી હોય છે કે 'પરિવાર સાથે રહેવું જ નથી'. તો ઘણી વાર અહિંના હક્ક મેળવવા જ અમુક છોકરીઓ આવે છે. તેઓને બ્રિટિશ પાસપોર્ટ મળતા જ ફરીયાદ કરવાનું ચાલુ કરે છે. આવી છોકરીને લીધે સારી છોકરીઅો પણ શંકાનું નિશાન બને છે.
ઘણી વાર છોકરીઓ ઊંચી અપેક્ષા સાથે આવે છે. ભારતીય છોકરીઓને એટલું જ કહેવાનું કે ભારત કરતા અહીંની જીંદગી આકરી છે. ભારતની જેમ તમે કામવાળી રાખી ન શકો. બીજું અહીં ઘણા લોકો ભારત કરતા વધારે જુનવાણી છે. વહુ સુપરવુમન હોય અને ઘરનું તેમજ બહારનું બધું કામ કરી શકે એવી અપેક્ષા તેઅો રાખે છે. આવા લોકોને એટલું જ કહેવાનું છે વહુને પોતાની દીકરીને જેમ રાખો અને આ નવા જમાનામાં દિકરા-વહુ પાસે ઓછી અપેક્ષા રાખો. ઘણી વાર છોકરીના માતા-પિતાની ડખલને લઈને હસતું-રમતું ઘર વિખરાય છે. બાકી અત્યારની છોકરીઓ મજબુત છે. શ્રી કાન્તીભાઈ નાગડા ઘણું કામ કરે છે. તેમને સત સત પ્રણામ.
- નયના નકુમ, સાઉથ હેરો.
૦૦૦૦૦૦000000000
વસતી વધારો અને ધર્મ
તમારી વાતના પત્રમાં શ્રી નગીનભાઈ પટેલ ( ૩-૧-૨૦૧૫) લખે છે તે તદ્દન યોગ્ય અને સચોટ લખેલ છે. ભારતને વધારે વસતી પોસાય તેમ નથી. જે ધર્મ પાળતા લોકો 'બે બાળકો બસ'ની નીતિમાં માનતા નથી તેમની તકલીફો વધી છે અને શિક્ષણ અને જ્ઞાનને પગલે તેમની બેકારી વધી છે અને પછી તેઅો સરકારને દોષીત ઠરાવે છે. તેમણે શિખવાની જરૂર છે.
'ચાર બાળકો પેદા કરવા જોઈએ' કહીને હિંદુ નેતાએ બુધ્ધીનું પ્રદર્શન જ કર્યું છે. આ છે આપણા નેતાજી. દેશ સિમેન્ટ ક્રોંકીટમાં દબાઈ ગયો છે, ખેતીની જમીનો બરબાદ થઈ ગઈ છે તે તેમને દેખાતું નથી.
પરિસ્થિત એટલી ખરાબ છે કે મડદાનું પણ કોઈ ધણી નથી થતું. ટીવીના સમાચારમાં જોયું હતું કે ૧૦૦થી અધિક મડદાં ગંગામાં ફગાવી દેવામાં આવ્યાં. આ છે પવિત્ર ગંગાની દશા. વસતી વધારો ફક્ત ભારતીય જ નહીં પણ સમગ્ર વિશ્વની ચિંતા છે. આજે હજારો લોકો જીવના જોખમે હજારો માઈલની મુસાફરી કરીને જીંદગી જીવવાનું સાધન શોધે છે. આજે યહુદીઓને દેશ છોડી બીજે સ્થાયી થવાની પરિસ્થિતિ ઊભી થઈ તેના ઉપરથી આપણે શો બોધપાઠ લઈશું? નાઈજીરિયામાં 'બોકો હરામ'ના આતંકવાદીઅો હજારો નિર્દોષની હત્યા કરી તેમની માસુમ અને તરૂણ વયની દિકરીઓનું અપહરણ કરી ગયા. આ કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!! સિરિયામાં લાખોએ જીવ ગુમાવ્યા છે અને પરદેશમાં શરણ લીધું છે. આવું કરવાનું કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!!
બીજાને દોષી ઠરાવતા પહેલાં આપણો ચહેરો આયનામાં જોવો જરૂરી છે. વસતી વધારો અને ધર્મને સાચી સ્થિતિમાં ન સમજવું તેજ જગતનું દુખ છે. જીવો અને જીવવા દો!!! લોકોને ‘દુખે છે પેટ અને કુટે છે માથું’.
- મંદારબહેન આર. પટેલ, હેરોગેટ.
0000000