આવા સંતો અને નેતાઅો ક્યાં છે?
‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.
પૂ. સ્વામી શ્રી કૃપાલાનંદજીના દર્શન ૫૫ વર્ષ પહેલાં વતન કરમસદમાં કરેલા. તેઓ ત્રણ-ચાર વર્ષ કરમસદમાં રહેલા ત્યારે તેમણે ગૌશાળા તથા શાસ્ત્રીય સંગીત શીખવાવા વર્ગો શરૂ કરેલા. તેમના ધાર્મિક પ્રવચન તથા કર્ણપ્રિય સંગીતમય ભજન સાંભળવાનો લ્હાવો નાની ઉંમેર મળેલો. તેમના આશીર્વાદથી જ જીવનમાં આવેલા સંઘર્ષ, તકલીફો, અવરોધો એક પછી એક દૂર થતા ગયા અને અમારું જીવન પંથ 'જીવંત પથ' બની ગયું.
પૂ. શ્રી રવિશંકર મહારાજના દર્શન પણ અનાયાસે જ થયેલાં. ૧૯૭૧માં અમેરિકાના સ્ટુડન્ટ વિસા લેવા આણંદથી મુંબઈ દિવસની ટ્રેનમાં થર્ડ કલાસમાં જઈ રહ્યો હતો ત્યારે સુરત સ્ટેશને ખાદીના કપડા પહેરેલા ટોળાએ એક બુજુર્ગ વ્યક્તિને અમારા ડબ્બામાં બેસાડ્યા હતા. અમે જ્યાં બેઠા હતા ત્યાં તેઓ આવીને ઊભા રહ્યા હતા. ઊચું કદ, હાથમાં મોટો ડંગોરો, જાડી ખાદીના પહેરેલા કપડાં, જૈફ ઉંમર. મારી સામે બેઠેલા વ્યક્તિએ તેમને ઓળખ્યા અને ઊભા થઈને બેસવા કહ્યું. પણ તેમણે જણાવ્યું કે તમો મારાથી પહેલા ત્યાં બેઠા છો તે બેસી રહો અને મને જગ્યા મળશે ત્યારે બેસીસ. પેલી વ્યક્તિએ વિનંતી કરી કે 'તમો મારા વડીલ છો અને આપણી સભ્યતા પ્રમાણે મારે ઊભા થઈને તમોને બેસાડવા જોઇએ'. અમ કહેતા રવિશંકર મહારાજ બેઠા હતા. તેમની તળપદી ગામઠી ભાષામાં બીજાને આંજી દેવા કે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર તેમણે રોજીંદા જીવનની અને કેવી રીતે આનંદમય, શાંતિમય જીવન જીવવું તે વિશે વાતો કરી હતી.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા.
00000000
વૃદ્ધ વડિલોને મહાનુભાવોએ પૂજ્યા
આ દેશની ધરતી ઉપર સંસ્કારથી ભરેલ ભવ્ય, ભગીરથ અને યાદગાર ‘વડિલોનું અદ્ભુત સન્માન’ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના તંત્રી શ્રી સી.બી.પટેલ અને ટીમ દ્વારા સંગત સેન્ટરમાં કરાયું. ભગવાનનું સ્વરૂપ ગણી સૌ વડિલોની આરતી કરી અને તેમની પાસે જઈને 'પ્રશસ્તિ પત્ર' અર્પણ કરી બહુમાન કર્યું તે ગર્વની વાત છે.
આજે કેટલાક બનાવોમાં વડિલોએ કાળી મહેનત કરી પોતાના બાળકોને સિદ્ધિના શિખરો સર કરાવ્યા છતાં તે જ બાળકોએ મા-બાપનું ઋણ ચૂકવવાને બદલે તેમને જીવનની સંધ્યાએ 'ઓલ્ડ પીપલ કેર હોમ'માં ફેંકી દીધા છે. શહેનશાહે તેની પત્ની મુમતાઝ પાછળ ભવ્ય તાજ મહાલ બાંધ્યો અને તેના દિકરાએ ઔરંગઝેબે શહેનશાહને આગ્રાના કિલ્લામાં જીંદગીની આખરી પળ સુધી કેદ કરેલ. શહેનશાહ દરરોજ દૂરથી તાજમહાલ જોઈ નિસાસા નાખતા ત્યારે તેની દિકરી તેને હંમેશ કહેતી ‘બાબા ઉગતા સૂર્યને સહુ કોઈ પૂજે છે પણ આથમતા સૂર્યને કોઈ નથી પૂજતું.’
પણ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પરગજુ કાર્યકર્તાઓ અને સૌ અગ્રણીઅોએ અલૌકીક રીતે આથમતી સંધ્યાએ પહોંચેલા વડીલોનું સન્માન કરી તેમના જીવનની તે દિવસની દરેક પળને સોનેરી બનાવી તેમના આત્માના આશીર્વાદ લીધા છે. આવા અદ્ભુત અનેક કાર્યો કરવા તેઓ આ દેશના દરેક શહેરમાં જશે તે જાણીને ખૂબજ આનંદ થયો. ભગવાન આપ સૌને હંમેશા ખૂબ જ શક્તિ આપે.
- સુધા રસીક ભટ્ટ, બેન્સન.
૦૦૦૦૦૦
કૈલાસ સત્યાર્થી અને મલાલા
કૈલાસ સત્યાર્થી અને મલાલાને ૨૦૧૪ નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો તે આપણાં સૌ માટે અત્યંત પોરસાવાની વાત છે.
મલાલા યુસુફઝાઈ નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બનનાર સર્વપ્રથમ કિશોરી છે. આ ઐતિહાસિક ઘટના છે. તેઓ ક્રાંતિકારી વિચારધારા ધરાવતા હોવાથી આજના નવા યુગના કિશોર-કીશોરીઓનાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
મારી જાણ પ્રમાણે ‘મલાલા’નો અર્થ થાય છે. ઉદાસ સ્ત્રી. ‘મલાલા’ નામની ક્રાંતિવીર વિચારધારા ધરાવતી કવયિત્રીની સ્મૃતિ જળવાઈ રહે તે માટે તેમનું નામ 'મલાલા' રાખવામાં આવ્યું છે. જોકે પરિવારને પહેલાં તો તેનું નામ ગુલ (ફુલ) રાખવું હતું.
- નવનીત ફટાણિયા, હેનવેલ
000000000000000000000000000000000
ભગવાને મન શું કામ બનાવ્યું?
ભલે ઔર બુરે કા હિસાબ હૈ યહ જિંદગી,
પાપ ઔર પુણ્ય કી કિતાબ હૈ યહ જિંદગી
સોના હૈ, જગના હૈ, હસના હૈ, રોના હે.
શૂલ સે ભરા હુઆ, ઘીરા હુઆ ગુલાબ હૈ યહ જિંદગી
- યહાં જીવન કા સત્ય હૈ, ક્યારેક વિચાર આવે કે ભગવાને મન શું કામ બનાવ્યું? મન બનાવીને ભગવાને લાગણી મૂકી. જીવનને હર્યું ભર્યું કરી દીધું પણ એ મન મળ્યું છે એટલે ક્યારેક આનંદ પણ છે અને ક્યારેક વિષાદ પણ છે, ક્યારેક હસવાનું છે, ક્યારેક રડવાનું છે. ક્યારેક દુઃખ છે, ક્યારેક સુખ છે. ક્યારેક હર્ષ છે. તો ક્યારેક શોક છે. ગુલાબ છે તો સાથે કાંટા પણ છે. આપણે કાંટા સામે જોઈને નથી જીવવાનું. આપણે તો ગુલાબની સામે જોઈને જીવવાનું છે. કાંટાની વચ્ચે પણ મુસ્કુરાતા જોઈ આપણે સંકટોની વચ્ચે પણ ઠાકોરજીમાં વિશ્વાસ રાખી મુસ્કુરાતા શીખવાનું છે. ભક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ.
- રતિલાલ ટેલર, સાઉથ ગેટ
00000000
ભગવાન તો જુએ છે
એક મંદિરમાં મહાપૂજા વખતે પ્રભુની ભવ્ય અંગરચના થઈ રહી હતી. પ્રભુના દર્શન કરવા લાંબી લાઈન લાગી હતી અને લોકોને એકબીજાના ધક્કા લાગતા હતા. એક માણસ આ ભીડમાં વારંવાર પડી જતો પણ પડ્યા પછી પાછો ઊભો થઈ જતો હતો. તેની પાછળ ઊભા રહેલા આદમીએ એને ધ્યાનથી જોયો અને પછી કહ્યુંઃ 'અરે યાર, તું તો આંધળો છે, તને ભગવાનના દર્શન ક્યાં થવાના છે. તું આ લાઈનમાં ખાલી ખોટો ઊભો રહ્યો છે.'
આંધળા માણસે એને કહ્યુંઃ 'તમારી વાત સાચી છે. હું આંધળો છું એટલે હું ભગવાનના દર્શન નહીં કરી શકું. પણ ભગવાન તો આંધળો નથી ને! કદાચ ભગવાનની નજર મારા પર પડી જાય તો મારી કાયાનું કલ્યાણ થઈ જાય, બસ એટલે જ ઉભો છું'
આ જવાબ સાંભળીને દેખતો માણસ દંગ રહી ગયો. એને થયું કે આ અંધે વગર આંખે જેવા દર્શન કર્યાં છે, એવા તો મેં છતી આંખે પણ નથી કર્યાં.
આ દ્રષ્ટાંત હું 'ગુજરાત સમાચાર' માટે લખું છું. આપણે બધા ગુજરાતીઓ બહુ જ નસીબદાર છીએ. આપણી ભાષાનું આ પેપર આપણને દર અઠવાડિયે પોસ્ટ દ્વારા ઘરે મળી જાય છે. પેપરમાં જાણવાનું પણ ઘણું હોય છે. બ્રિટનમાં આપણને આવું પેપર ક્યાંય નહીં મળે. આપની પાસે કાંઈ નવાજૂની કે જાણવા જેવું હોય તો જરૂર મોકલજો, તો બીજાઓને પણ વાંચવાને લાભ મળશે.
- મનુબેન હરયા, લંડન.
000000000000000000000000000000000
Old letters
મન થાય છે
ચાંદની રાતમાં,
ચાંદ જેવું રૂપ તમારું,
જોવાનું મન થાય છે.
તમો ક્યાં છો? દેખાતા નથી.
તમોને મળવાનું મન થાય છે.
સપનામાં તો અક્સર આવો છો,
આવીને ચાલ્યા જાઓ છો,
દિલમાં તમોને રાખવાનું મન થાય છે.
હું તો રાહ જોતો અહીં બેઠો છું,
તમોને આંખમાં કેદ કરવાનું મન થાય છે
- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન
ટપાલમાંથી તારવેલું
* લેસ્ટરથી ચંદુલાલ સોનેચા જણાવે છે કે 'તમો શ્રી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)ના પુસ્તકની લેખમાળા ચાલુ કરો તો સારું. સી.બી. પટેલ પણ તેમના પ્રશંસક છે.'
* શ્રી અમરતલાલ કટારીયાએ મોદી સરકાર દેશમાં 'સુશાસન'ની સ્થાપના કરવા માંગતી હોય તો તેઅો ગોંડલ રાજ્યના રાજવી શ્રી ભાગવતસિંહજી પાસેથી શિખી શકે છે તેમ જણાવતો ખૂબજ માહિતીપ્રદ લેખ મોકલ્યો છે. જે અમે આગામી સપ્તાહોમાં 'એશિયન વોઇસ'માં રજૂ કરીશું.