અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.
ઈશ્વર પ્રતિ આભાર માનવાનો મુદ્રાલેખ એવો છે કે સાથે મળીને આશીર્વાદ પ્રાપ્ત કરવો. આપણે જે માગ્યું હોય તેનાથી અનેકગણું ઈશ્વરે આપ્યું છે તેના બદલ કૃતજ્ઞતા દાખવવી. થેંક્સગિવિંગનું મૂળ 17મી સદીના આરંભમાં જોઈ શકાય છે. સૌથી સ્વીકૃત સ્ટોરી અનુસાર ઈંગ્લિશ વસાહતીઓનું એક જૂથ ‘પિલગ્રિમેજ-Pilgrimage’ 1620માં મેફ્લાવરમાં સવાર થઈને નોર્થ અમેરિકા આવી પહોંચ્યું હતું. તેમણે ધાર્મિક સ્વતંત્રતા અને નવી તકો મેળવવા પ્લીમથ રોક એટલે કે વર્તમાનકાળના મેસેચ્યુસેટ્સ ખાતે ઉતરાણ કર્યું હતું.
કઠોર શિયાળાને સહન કર્યા પછી ઘણા લોકોના મોત થયા હતા ત્યારે Pilgrimage જૂથને મૂળ અમેરિકન જનજાતિ વામ્પાનોઆગ લોકો પાસેથી સહાય મળી હતી. આ મૂળ અમેરિકનોએ તેમને મકાઈ કેવી રીતે ઉગાડવી, ફિશ મેળવવી અને શિકાર કરવા સહિત અસ્તિત્વ જાળવવાની કુશળતાઓ શીખવી હતી. 1621ની પાનખરમાં પિલ્ગ્રિમ્સ અને વામ્પાનોઆગ લોકોએ પાકની સફળ લણણીને ઊજાણી સાથે ઉજવી હતી જેને સામાન્યપણે ‘પ્રથમ થેંક્સગિવિંગ’ માનવામાં આવે છે.
28 નવેમ્બર 2024ના દિવસે 98મી એન્યુઅલ મેકીઝ થેંક્સગિવિંગ પરેડ યોજાઈ હતી. હું તેને કેનેડામાં ટીવી પર નિહાળી રહ્યો હતો ત્યારે હું 1972ના સ્મરણોની દુનિયામાં ખોવાઈ ગયો. હું અમેરિકામાં સ્ટુડન્ટ/ટ્રેઈનિંગ વિઝા પર હતો અને ન્યૂ યોર્કની 44 વોલ સ્ટ્રીટસ્થિત ફર્સ્ટ નેશનલ બેન્કમાં કામ કરતો હતો. હું મારા સહકર્મચારીઓ સાથે ન્યૂ યોર્કમાં મેકીઝ પરેડને નિહાળવા રૂબરુ પહોંચ્યો હતો. ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર, ચોક્કસ કહું તો કરમસદ (ભારતના લોહપુરુષ સરદાર પટેલનું વતન)માં જન્મેલો, ઉછરેલો અને શિક્ષણ પામેલો તેમજ ભારતની ગ્રામ્ય સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બે ડીગ્રી હાંસલ કરનારો હું એ પરેડની ભવ્યતા અને વિશાળતા નિહાળી આશ્ચર્યચકિત, મંત્રમુગ્ધ થઈ ગયો હતો. આ તો જાણે સ્વપ્ન નિહાળવા જેવું અને અકલ્પનીય જ હતું. મેં મારા મારા પ્રથમ પેચેકમાંથી સ્ટિલ કેમેરા ખરીદ્યો અને પરેડના સંખ્યાબંધ ફોટો પાડ્યા. આજે પણ બધાં ફોટો અમૂલ્ય ખજાનાની માફક મારા આલ્બમમાં સચવાયેલા છે.
નોર્થ અમેરિકામાં ઘણા લોકો લાંબુ અંતર કાપી બસ, કાર અને પ્લેન મારફત તેમના પરિવાર, મિત્રો અને પરિચિતોની સાથે હળવામળવા, ડિનર તથા થેંક્સગિવિંગ અને ઈશ્વરનો આભાર માનવા ઊજવણીની અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રવાસ કરે છે.
ઈશ્વર મહાન છે. પૃથ્વી પર શાંતિ જળવાઈ રહે અને સંખ્યાબંધ નિર્દોષ લોકો મોત પામી રહ્યા છે, ઈજાગ્રસ્ત તેમજ ઘરવિહોણા બને છે તેવા માનવસર્જિત યુદ્ધોનો અંત આવે.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા